Gujarat Politics: પાટીદારોને મનાવવા મથતી કોંગ્રેસ ઓબીસી મત પણ અકબંધ રાખવાનો પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા ધોળકાના વટામણમાં વિશાળ ઓબીસી સંમેલનનું આયોજન કર્યુ હતુ.
Bharatsinh Solanki on Ram mandir: અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજકારણમાં (Gujarat Politics) હાલ ભારે ગરમાવો સર્જાયો છે. ત્યાં આજે કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીએ રામ મંદિર અંગે નિવેદન આપતા વિવાદ સર્જાયો છે. પ્રદેશ કોંગ્રેસે ધોળકાના વટામણમાં વિશાળ ઓબીસી સંમેલનનું આયોજન કર્યુ હતુ. જેમાં અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું છે કે, 'રામના નામે લોકોને છેતરવાનું કામ કર્યુ છે. રામ મંદિર માટે ભેગી કરેલી શિલાઓ પર શ્વાન પેશાબ કરતાં હતાં.' જોકે, આ નિવેદન બાદ આક્ષેપ અને પ્રત્યાક્ષેપ થઇ રહ્યા છે.
'રામને છેતરે તે આપણને છેતર્યા વગર રહે ખરા?'
વટામણમાં ભરતસિંહ સોલંકીએ વિવાદીત નિવેદન આપતા જણાવ્યુ છે કે, ભાજપે રામના નામે લોકોને છેતરવાનું કામ કર્યુ છે. રામ મંદિરના નામે પૈસા ઉઘરાવનારી પાર્ટી છે. રામ મંદિરના નામે ઘરે ઘરે જઇને પૈસા ઉઘરાવાતા હતા. મારી ભોળી બહેનો રામ મંદિરની ભેગી કરેલી શિલાઓને તિલક કરે, માથે મૂકે, શીલાને વાજતે ગાજતે ગામના પાદરે લઇ જઇને પાદરે મૂકી જાય. તેઓ મનમા વિચારતા કે હાંશ, હવે અમારું રામ મંદિર બંધાશે. પરંતુ એની પર કૂતરા પેશાબ કરતાં થઇ ગયા. વિચાર કરો જે રામને છેતરે તે આપણને છેતર્યા વગર રહે ખરા?
જોકે, વિવાદિત નિવેદન આપ્યા બાદ ભરતસિંહ સોલંકી નરમ પડ્યા હતા. તેમણે પોતાના નિવેદનો પર ખુલાસો આપતા જણાવ્યુ કે, મારી વાતમાં રામનો વિરોધ નથી. પરંતુ રામ મંદિર માટે જે શિલાઓને ઘરે ઘરેથી શ્રદ્ધા સાથે, પૂજા કરીને પાદરે મૂકી હતી. તેની આ લોકોએ લગીરે ચિંતા કરી ન હતી. મારા કુટુંબે મારું નામ ભરત પાડ્યું છે. મેં પહેલા પણ કહ્યુ છે કે, ભરતને તો રામનુ મંદિર બંધાય તો આનંદ થાય જ. પરંતુ મારે રામના નામે સત્તામાં આવનારા લોકોને ઉઘાડા પાડવા છે, તેના માટે આ વાત કરી રહ્યો છું.આ પણ વાંચો: Photos: સુરતના ગોઝારા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓ બન્યા હતા કાળનો કોળિયો
નોંધનીય છે કે, પાટીદારોને મનાવવા મથતી કોંગ્રેસ ઓબીસી મત પણ અકબંધ રાખવાનો પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા ધોળકાના વટામણમાં વિશાળ ઓબીસી સંમેલનનું આયોજન કર્યુ હતુ. જેમાં ઓબીસી સમાજને આકર્ષવાનો કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકર, વિપક્ષના નેતા સુખરામ રાઠવા, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા સહિત ઓબીસી નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા છે.