રાજનીતિમાં મોટી ઉથલપાથલ, જયનારાયણ વ્યાસ કોંગ્રેસનો હાથ પકડશે
Updated: November 28, 2022, 11:30 AM IST
તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં કોંગ્રેસમાં જોડાશે.
Gujarat assembly election 2022: ગુજરાતમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજનીતિમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે કોંગ્રેસનો હાથ પકડવાનું નક્કી કર્યું છે.
અમદાવાદ: ગુજરાતમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજનીતિમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે કોંગ્રેસનો હાથ પકડવાનું નક્કી કર્યું છે. તેઓ સિદ્ધપુરના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાશે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં કોંગ્રેસમાં જોડાશે.
ગઇકાલે સિદ્ધપુર કોંગ્રેસ ઉમેદવાર માટે મત માગ્યા હતા
ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસ ફરી ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં જ ભાજપમાંથી રાજીનામું આપનાર જયનારાયણ વ્યાસે ગઇકાલે કોંગ્રેસના ઉમેદવાર માટે મત માગ્યા હતા. ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસે સિદ્ધપુર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે મત માગ્યા હતા. સિદ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે ગઇકાલે વામૈયા ગામમાં તેમની સભા યોજાઇ હતી. આ સભાની સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, ભાજપમાંથી રાજીનામું આપનાર જયનારાયણ વ્યાસ કોંગ્રેસ ઉમેદવારની સભામાં હાજર રહ્યા હતા. જયનારાયણ વ્યાસે કોંગ્રેસ ઉમેદવાર માટે મત માગ્યા હતા. આ ઘટનાએ રાજકીય ચર્ચા જગાડી હતી.
આ પણ વાંચો: કોંગ્રેસ ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ, વહેંચાયેલી પત્રિકા મામલે વિવાદ
કોણે છે જયનારાયણ વ્યાસ?
ઉલ્લેખનીય છે કે, જયનારાયણ વ્યાસ ભાજપના દિગ્ગજ નેતા હતા. તેઓ ભાજપ સરકારમાં મોટી જવાબદારી નિભાવી ચૂક્યા છે. નર્મદા નિગમના ચેરમેનથી માંડીને 2007થી 2012 સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો હવાલો સંભાળતા હતા. તેઓ સિદ્ધપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ગત ચૂંટણીમાં સિદ્ધપુર બેઠક પર ભાજપમાંથી લડ્યા હતા, પરંતુ છેલ્લી બે ટર્મથી હારનો સામનો કરી રહ્યા હતા. તેઓ શિક્ષણવિદ, વહીવટકર્તા, મેનેજર અને જાહેર જીવનના કાર્યકર્તા તરીકે વ્યસ્ત છે. જોકે, તેઓ સરકાર અને સંગઠનની કેટલીક નીતિઓના ટીકાકાર રહ્યા છે.
Published by:
Azhar Patangwala
First published:
November 28, 2022, 11:25 AM IST