અમદાવાદમાંથી 4 કિલો ચરસ સાથે મુંબઈના યુવાનની ધરપકડ, જમ્મુ-કાશ્મીરથી આવ્યું હતું ડ્રગ
Updated: June 25, 2022, 12:45 PM IST
ચરસ સાથે એક યુવાનની ધરપકડ
Ahmedabad Drug Case: આરોપી આ ડ્રગ રાજકોટના હિદાયતખાનને આપવા જઈ રહ્યો હતો. આરોપીની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે આ ડ્રગ તેને જમ્મુ કાશ્મીરથી આપવામાં આવ્યું છે.
અમદાવાદ: દેશના યુવા ધનને બરબાદ કરવા માટે તેમને નશાના રવાડે ચઢાવી દેવાનું એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. પાકિસ્તાન (Pakistan) દરિયામાર્ગેથી દેશમાં ડ્રગ ઘુસાડવા અનેક પ્રયત્ન પણ થઈ રહ્યા છે. તાજેતરમાં વિવિધ એજન્સીઓએ મોટી માત્રામાં ડ્રગ્સ (Ahmedabad drugs seized) ઝડપી પાડ્યું છે. અમદાવાદમાંથી પણ તાજેતરમાં ડ્રગ્સ ઝડપાવાના કેસ સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં ડ્રગ ન આવે તેમજ જે લોકો ડ્રગનું વેચાણ કરતા હોય તે માટે પોલીસ કમિશનરે કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. પોલીસની કડક કાર્યવાહીના ભાગરૂપે શહેરમાં ચરસ (Hashish)નો જથ્થો ઝડપાયો છે. આ કેસની વધુ તપાસ વટવા પોલીસને સોંપવામાં આવી છે. આરોપી પહેલા પણ આ રીતે શહેરમાં ડ્રગ ઘૂસાડી ચૂક્યો છે કે નહીં તે બાબતની હાલ પોલીસ તપાસ કરી રહી છે.
અમદાવાદની નારોલ પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. નારોલ પોલીસે બાતમીના આધારે 4 કિલોથી વધુ ચરસના જથ્થા સાથે એક યુવકની ધરપકડ (Youth arrest with 4 kg Hashish) કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે આરોપી યુવક મોહમ્મદ હાશિમ કે જે મૂળ જૂનાગઢ (Junagadh)નો છે પરંતુ મુંબઈમાં હાલ રહે છે. હાશિમ મુંબઈથી ડ્રગ લઈને રાજકોટ જવાનો હતો. આ મામલે નારોલ પોલીસને માહિતી મળી હતી. પોલીસે માહિતીના આધારે લાંભા ટર્નિંગ પાસેથી તેને ઝડપી લીધો હતો.
પોલીસે હાશિમની તલાસી લેતા તેની પાસેથી ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આ ડ્રગ આરોપી રાજકોટના હિદાયતખાનને આપવા જઈ રહ્યો હતો. આરોપીની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે આ ડ્રગ તેને જમ્મુ કાશ્મીરથી આપવામાં આવ્યું છે. તપાસમાં સામે આવ્યું કે જમ્મુના રમીઝ ડાર નામના વ્યક્તિએ આ જથ્થો આપ્યો હતો.
આ પણ વાંચો: ઇકો કાર ચાલકે ટ્રાફિક પોલીસને માર્યો મારઆ મામલે નારોલ પોલીસ ત્રણ લોકો સામે NDPS Act હેઠળ ગુનો દાખલ કરીને એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કેસની વધુ તપાસ વટવા પોલીસને સોંપવામાં આવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને એ વાત જાણવાનો પ્રયાસ કર્યો છે કે શું આરોપીઓએ પહેલા પણ આ રીતે ડ્રગ્સ ઘૂસાડ્યું હતું કે કેમ. આ ઉપરાંત આ રેકેટમાં અન્ય કોણ લોકો સામેલ છે તેની તપાસ પોલીસ તરફથી શરૂ કરવામાં આવી છે.