ફિલ્મોની પીઢ અભિનેત્રીનું 77 વર્ષની વયે નિધન! CM, મંત્રીઓ અને રાષ્ટ્રપતિએ પણ શોક વ્યક્ત કર્યો
Updated: December 2, 2022, 1:18 PM IST
ઓડિયા અભિનેત્રી ઝરણા દાસનું નિધન
Jharna Das Death: જગન્નાથ, નારી, પૂજાફુલા, અમાદાબાતા, અભિનેત્રી, મલાજાન્હા અને હીરા નેલ્લા જેવી ટોચની ફિલ્મોમાં શાનદાર અભિનય કરનાર ઓડિયા અભિનેત્રી ઝરણા દાસનું દુઃખદ નિધન થતાં દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો હતો.
Jharna Das Demise : ઓડિયા ફિલ્મની પીઢ અભિનેત્રી ઝરણા દાસનું અવસાન થયું છે. તેમણે 1 ડિસેમ્બરની મોડી રાત્રે કટકના ચાંદની રોડ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 77 વર્ષના હતા. તેઓને ઓડિયા ફિલ્મ ઉદ્યોગમાં યોગદાન આપવા બદલ રાજ્ય સરકારનો પ્રતિષ્ઠિત જયદેવ પુરસ્કાર મળ્યો હતો. વૃદ્ધાવસ્થામાં તેમની તબિયત ઘણા સમયથી નાદુરસ્ત રહેતી હતી. તેમના નિધન પ્રત્યે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સંવેદના વ્યક્ત કરી છે.
તેમનો જન્મ 1945માં થયો હતો. તેમણે 60ના દાયકામાં અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી અને શ્રી જગન્નાથ, નારી, આદિનામઘા, હિસાબ્નીકા, પૂજાફુલા, અમાદાબાતા, અભિનેત્રી, મલાજાન્હા અને હીરા નેલ્લા જેવી ટોચની ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો. જેના કારણે તેમને અનેક પુરસ્કારો મળ્યા હતા.
તેમણે બાળ કલાકાર એનાઉન્સર તરીકે ઓલ ઇન્ડિયા રેડિયો (AIR), કટક સાથે પણ કામ કર્યું હતું. તેમણે કટકમાં દૂરદર્શનના આસિસ્ટન્ટ સ્ટેશન ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. ઓડિશાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હરેક્રુષ્ના મહતાબ પરની બાયોગ્રાફીકલ ડોક્યુમેન્ટ્રીમાં તેમના ડિરેક્શનની ઘણા લોકોએ પ્રશંસા કરી હતી.
તેમના ચાહકોને હજી પણ તેમનો મધુર અવાજ અને વિવિધ પાત્રોનું ચિત્રણ યાદ છે. AIR સાથેની નોકરી પછી ઝરણા દાસે રૂપેરી પડદે અભિનય દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ ઓડિસી ડાન્સ પણ શિખ્યા હતા. તેમને ગુરુ કેલુચરણ મહાપાત્રાના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ શીખવાની તક મળી હતી. આ દરમિયાન 2016માં આજીવન સિદ્ધિ બદલ તેમને ગુરુ કેલુચરન મહાપાત્રા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમના નિધનના દુ:ખદ સમાચાર વહેતા થતાં જ જાણીતા કલાકારો અને તેમના ચાહકો તેમના અંતિમ દર્શન કરવા માટે તેમના નિવાસસ્થાને ઉમટી પડ્યા હતા. સિને વિવેચક દિલીપ હાલીએ તેમના નિધનને ઓડિયા સિને ઉદ્યોગ માટે મોટી ખોટ ગણાવી હતી.
આ પણ વાંચો: જાણીતા ભારતીય અભિનેતાએ 15 વર્ષની છોકરીને ગુપ્તાંગની તસવીરો મોકલી, પીડિતાએ વર્ણવી #MeToo ની દર્દભરી કહાની
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અભિનેત્રીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાની જાહેરાત કરી હતી.
પટનાયકે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્ટેજ અને ફિલ્મ પર તેના પ્રભાવશાળી અભિનયને હંમેશા યાદ કરવામાં આવશે. તેમના આત્માને શાંતિ મળે. તેમના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પણ દાસના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
Published by:
Mayur Solanki
First published:
December 2, 2022, 12:57 PM IST