International Nurses Day 2022: જાણો કોણ હતા ફ્લોરેન્સ નાઇટિંગેલ, તેમને ‘ધ લેડી વિથ ધ લેમ્પ’ શા માટે કહેવાય છે?

News18 Gujarati
Updated: May 12, 2022, 1:00 PM IST
International Nurses Day 2022: જાણો કોણ હતા ફ્લોરેન્સ નાઇટિંગેલ, તેમને ‘ધ લેડી વિથ ધ લેમ્પ’ શા માટે કહેવાય છે?
સમગ્ર વિશ્વમાં ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસ પર આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. (પ્રતીકાત્મક ફોટો- Wikimedia Commons)

International Nurses Day2022: ફ્લોરેન્સ નાઇટિંગેલ (Florence Nightingale)એ વિશ્વમાં આધુનિક નર્સિંગ (Modern Nursing) ને એક નવી ઊંચાઈએ પહોંચાડ્યું હતું. તેમનો જન્મદિવસ ઇન્ટરનેશનલ નર્સિસ ડે (International Nurses Day) તરીકે ઉજવાય છે. સંયોગની વાત છે તેમણે વિશ્વને બદલવાનું કાર્ય ત્યારે કર્યું જ્યારે રશિયા યુદ્ધમાં અટવાયેલું હતું અને આજે પણ દેશની એ જ સ્થિતિ છે!

  • Share this:
Florence Nightingale Birth Anniversary: આજથી 178 વર્ષ પહેલાની વાત છે. રશિયા (Russia)ના ક્રિમિયામાં યુદ્ધ ચાલી રહ્યું હતું. આ યુદ્ધમાં એક અંગ્રેજી મહિલા નર્સોની પ્રશિક્ષિકા તરીકે યુદ્ધના વિસ્તારમાં આવી હતી. તેણે રાત-દિવસ જોયા વગર ઘાયલ સૈનિકોની સેવા કરી. રાત્રે પણ તે ફાનસ લઇને ઘાયલોની દેખભાળ માટે નીકળી જતી. સૈનિકોએ તેમને લેડી વિથ ધ લેમ્પ (The Lady With The Lamp) કહેવાનું શરુ કરી દીધું. બાદમાં આ જ નામથી વિખ્યાત થયેલી આ મહિલા બીજું કોઈ નહીં, પરંતુ ફ્લોરેન્સ નાઇટિંગેલ (Florence Nightingale) હતા. તેમણે આધુનિક નર્સિંગને એક ક્રાંતિકારી સ્વરૂપ આપ્યું હતું. 12 મેએ તેમનો જન્મદિવસ ઇન્ટરનેશનલ નર્સિસ ડે (International Nurses Day) તરીકે ઉજવાય છે.

યુદ્ધથી નીકળી માનવતાની દાસ્તાં

આ યુદ્ધમાં રશિયા સામે ફ્રાન્સ, બ્રિટન, સર્ડીનિયા અને ઓટોમન સામ્રાજ્ય લડ્યા હતા. લગભગ બે વર્ષ સુધી ચાલેલા આ યુદ્ધ વિશે એવું કહેવાય છે કે ખૂબ રક્તપાત પછી પણ કશું પ્રાપ્ત થયું ન હતું. પરંતુ આ યુદ્ધમાંથી બહાર આવેલી ફ્લોરેન્સ નાઇટીંગેલની માનવતાની દાસ્તાંએ ઇતિહાસ રચ્યો હતો.

આ પણ વાંચો: 'ભારત કોકિલા' સરોજિની નાયડુને શા માટે સમર્પિત છે રાષ્ટ્રીય મહિલા દિવસ?

સમૃદ્ધ પરિવારમાં જન્મ

ફ્લોરેન્સ નાઈટીંગેલનો જન્મ 12 મે 1820ના રોજ ઈંગ્લેન્ડ (England)ના એક સમૃદ્ધ પરિવારમાં ઈટાલીના ફ્લોરેન્સ શહેરમાં થયો હતો. એ જ શહેરના નામ પર તેમનું નામ પણ રાખવામાં આવ્યું. બાદમાં તેમનો પરિવાર ઈંગ્લેન્ડ પાછો આવી ગયો હતો. તેમનું શિક્ષણ હેમ્પશાયર અને ડર્બીશાયરમાં થયું હતું. કુલીન પરિવારમાં જન્મ્યા પછી પણ તેમણે લોકોની સેવા કરવાનું પસંદ કર્યું. આ માટે તેમને પરિવારના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો, પરંતુ ટૂંક સમયમાં જ તેમને ફ્લોરેન્સના સંકલ્પ સામે ઝુકવું પડ્યું.
International Nurses Day
ફ્લોરેન્સ નાઇટિંગેલને ‘ધ લેડી વિથ ધ લેમ્પ’ નામ સૈનિકોએ આપ્યું હતું. (પ્રતીકાત્મક ફોટો- Wikimedia Commons)


તુર્કીમાં ઘાયલ સૈનિકોની સેવા

ફ્લોરેન્સ 1851માં જર્મની ગયા અને બે વર્ષ પછી તેમણે લંડનમાં મહિલાઓ માટે હોસ્પિટલ ખોલી. તે જ વર્ષે જ્યારે ક્રિમિયામાં યુદ્ધ ફાટી નીકળ્યું, તો ફ્લોરેન્સ 38 નર્સોને સાથે લઈને તુર્કીની એક લશ્કરી હોસ્પિટલમાં ઘાયલ સૈનિકોની સેવા કરવા માટે પહોંચી ગયા.

અદ્ભુત સેવાભાવ અને સમર્પણ

અહીં તેમણે સેવા અને સમર્પણનું અદ્ભુત ઉદાહરણ બેસાડ્યું. હોસ્પિટલની સ્વચ્છતાની કાળજી લેતા, તેમણે રાત-દિવસ ઘાયલ સૈનિકોની સેવામાં સમર્પિત કર્યા. રાત્રે પણ તેઓ સૈનિકોનો હાલ પૂછવા હાથમાં ફાનસ લઈને નીકળતાં. આ કારણે સૈનિકો તેમને લેડી વિથ ધ લેમ્પ કહેતા હતા. બાદમાં આ નામ તેમની ઓળખ બની ગયું.

International Nurses Day
ફ્લોરેન્સ નાઇટિંગેલે વિપરીત પરિસ્થિતિમાં સૈનિકોની સેવા કરી હતી. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)


અસહકાર પણ સહન કરવો પડ્યો

વિપરીત પરિસ્થિતિઓ અને એક મહિલા હોવાને કારણે વિરોધનો સામનો કર્યા પછી પણ ફ્લોરેન્સની સેવામાં ઓટ આવી ન હતી. તેઓ પોતે સૈનિકો માટે ભોજન બનાવતા હતા, જ્યારે તેમના માટે તો કોઈ રૂમ પણ ન હતો. લશ્કરી અધિકારીઓ પણ ફ્લોરેન્સ એક મહિલા હોવાને કારણે તેમને સહકાર આપતા ખચકાતા હતા. પરંતુ ફ્લોરેન્સે દરેકનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો અને સૈન્ય હોસ્પિટલોની સ્થિતિ સુધારવા માટે જરૂરી ફેરફારો પણ કર્યા.

આ પણ વાંચો: મધર્સ ડે મનાવવાની શરૂઆત ક્યારથી થઈ? જાણો આ દિવસનો ઇતિહાસ

યુદ્ધ પછી પણ

જ્યારે યુદ્ધ પછી ફ્લોરેન્સ પરત ફર્યા, ત્યારે તેમણે સૈન્ય હોસ્પિટલો માટે કામ કરવાનું ચાલુ રાખ્યું. તેમને બ્રિટનની મહારાણી અને શાહી પરિવાર તરફથી પણ પ્રશંસા મળી હતી. 1860માં, તેઓ આર્મી મેડિકલ સ્કૂલ ખોલવામાં સફળ રહ્યા અને તે જ વર્ષે તેમણે નર્સો માટે નાઇટીંગેલ ટ્રેનિંગ સ્કૂલ પણ ખોલી અને નોટ્સ ઓન નર્સિંગ નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું.

દર્દીઓ અને ગરીબોની સેવા કરતી વખતે તેઓ પોતે બીમાર થઈ ગયા હતા, પરંતુ તેમણે પીછેહઠ કરી ન હતી. તેમણે નર્સોને યોગ્ય રીતે તાલીમ આપવાની પરંપરા શરૂ કરી અને નર્સિંગના કાર્યને સન્માનજનક વ્યવસાયમાં બદલી નાખ્યું. આજે સમગ્ર વિશ્વમાં તેમના જન્મદિવસ પર આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
Published by: Nirali Dave
First published: May 12, 2022, 1:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading