નવી દિલ્હીઃ નોટબંધી (Demonetization)ને આ વર્ષે નવેમ્બર મહિનામાં ચાર વર્ષ પૂરા થઈ જશે પરંતુ હજુ પણ દેશના અનેક હિસ્સાઓમાં મોટી સંખ્યામાં જૂની 500 અને 1000ની નોટોનો જથ્થો મળી આવતો હોય છે. આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)ના વિશ્વ પ્રસિદ્ધ તિરૂપતિ બાલાજી મંદિર (Tirupati Balaji Temple) પણ કંઈક આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. મૂળે, તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શને આવતા શ્રદ્ધાળુઓથી પાસેથી ચઢાવા રૂપે મળેલા 50 કરોડ રૂપિયા નોટબંધી બાદ ઝીરોને બરાબર થઈ ગયા છે. હવે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD-Tirumala Tirupati Devasthanams)એ કેન્દ્ર સરકાર (Central Government) પાસે માંગ કરી છે કે તેઓ આ નોટોને બદલે નવી નોટ ઉપલબ્ધ કરાવે.
આ સંદર્ભમાં મંગળવારે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના અધ્યક્ષ વાઇવી સુબ્બા રેડ્ડી (Y.V. Subba Reddy)એ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સાથે મુલાકાત કરી અને 50 કરોડની જૂની કરન્સીને બેન્કમાં જમા કરાવવાની મંજૂરી માંગી. સાથોસાથ વાઇવી સુબ્બા રેડ્ડીએ વિશેષ સુરક્ષા દળ, GSTમાં છૂટની માંગ કરી છે.
નોંધનીય છે કે, 16 નવેમ્બર 2016ની રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રાષ્ટ્રને સંબોધિત કરતાં નોટબંધી (Demonetization)ની જાહેરાત કરી હતી. 16 નવેમ્બરની રાત્રે 12 વાગ્યાથી દેશભરમાં 1000 અને 500 રૂપિયાની જૂની નોટોને પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી.
પરંતુ આ દરમિયાન 16 નવેમ્બર બાદ પણ તિરુપતિ મંદિરમાં ભક્ત જૂની નોટો જ દાન કરતા રહ્યા, તેના પરિણામ સ્વરૂપે મંદિરના દાન પાત્રોમાં 1000 રૂપિયાની 1.8 લાખ નોટ મળી જેનું મૂલ્ય 18 કરોડ રૂપિયા હતું. બીજી તરફ 500 રૂપિયાની પણ 6.34 લાખ જૂની નોટ મળી જેનું મૂલ્ય 31.7 કરોડ રૂપિયા હતું. એટલે કે આવી જૂની નોટોનું કુલ મૂલ્ય લગભગ 50 કરોડ રૂપિયા હતું.
આ પણ વાંચો, જન્મદિવસ પર લોકોએ પૂછ્યું શું ગિફ્ટ જોઈએ, PM મોદીએ માંગી આ 6 ચીજો
જૂની બંધ થયેલી નોટના જથ્થાની સમસ્યાનો સામનો કરી રહેલા તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના અધ્યક્ષ વાઇવી સુબ્બા રેડ્ડીએ કેન્દ્ર સરકારને 1 એપ્રિલથી સપ્ટેમ્બર સુધી SPF સેવાઓ માટે GSTમાં છૂટની માંગ કરી હતી. નિર્મલા સીતારમણને અપીલ કરવામાં આવી છે કે GSTમાં છૂટથી ટ્રસ્ટને સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક કાર્યોને સરળતાથી ચલાવવામાં મદદ મળશે.