નવી દિલ્હી: ઇન્જેકશન દ્વારા પોતાના વિદ્યાર્થીઓને NS સોલ્યુશન આપવા બદલ દિલ્હી પોલીસે એક 20 વર્ષીય ટ્યુશન શિક્ષકની ધરપકડ કરી છે. પૂર્વ દિલ્હીના માંડવલીમાં 6થી 9ના વર્ગના વિદ્યાર્થીઓને મફત ક્લાસ આપતા BAના બીજા વર્ષના વિદ્યાર્થી આરોપી સંદીપની પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના માતા-પિતાએ તેમના બાળકને ઘરે ઈન્જેક્શન લેતા જોયો હતો અને પોલીસને જાણ કરી હતી. જે બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે બાળકોને તેમના શિક્ષક દ્વારા NS (સામાન્ય ખારું) સોલ્યુશન આપવામાં આવ્યું હતું.
ઈસ્ટ દિલ્હીના ડીસીપી દીપક યાદવે જણાવ્યું હતું કે, "આ અંગે માંડવલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ ચુકી છે. જે મુજબ, સંદીપે કહ્યું હતું કે તેણે યુટ્યુબ પર જોયું હતું કે જો બાળકોને NS સોલ્યુશન આપવામાં આવે તો તેમની યાદશક્તિમાં સુધારો થાય છે."
આઈપીસીની કલમ 336 (બેદરકારીભર્યા કૃત્ય દ્વારા માનવ જીવન જોખમમાં મૂકવા) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી રહી છે અને વધુ વિગતો એકઠી કરવામાં આવી રહી છે.