અમદાવાદ : માર્ચ મહિનાની શરૂઆતની સાથે જ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દરેક ઋતુની શરૂઆતમાં પૂર્વાનુમાન જાહેર કરવામાં આવે છે. ઉનાળામાં હવામાન કેવું રહેશે અને તાપમાન કેટલું રહેશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. તેમના મતે દેશના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું નોધાશે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉત્તર ભારત, મધ્ય ભારત (છત્તીસગઢ, ઓડીસા,) પશ્ચિમ (ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ)ના કેટલાક વિસ્તાર તેમજ દરિયા કિનારાના કેટલાક વિસ્તારમાં સામાન્ય કરતા માર્ચ થી મે મહિનામાં સામાન્ય કરતા તાપમાન ઊંચું નોંધાશે.
હિમાલયની તળેટી, ઉત્તર ભારત, ઉતરપૂર્વ ભારત તેમજ મધ્ય ભારતના પશ્ચિમના ભાગોમાં તેમજ દક્ષિણ ભારતના ભાગોમાં સામાન્ય કરતા તાપમાન નીચું રહેશે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે. દરેક વિસ્તારનું તાપમાન અલગ અલગ રહેતું હોય છે અને તાપમાન નક્કી કરવા માટેના પણ માપદંડ છે.
માર્ચ મહિનાથી ગુજરાતમાં ઉનાળાની ગરમીનો અહેસાસ શરૂ થઈ જાય છે. ઉનાળાની શરૂઆત પણ થઈ ગઈ છે. તાપમાન 36 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં તાપમાન પણ વધતું જશે. જોકે શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત છે એટલે લઘુતમ તાપમાન નીચું નોંધાયા રહ્યું છે. જેના કારણે દિવસે ગરમી અને રાતે ઠંડીનો અહેસાસ થશે. પરંતુ લઘુતમ તાપમાન પણ ઉંચું જશે એટલે રાતે પણ ગરમીનો અહેસાસ થશે. જોકે હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ ઉનાળામાં કાળઝાળ ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.