સાબીર ભાભોર, દાહોદ : સ્થાનિક સ્વરાજની નગર પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આજે યોજાયેલી ચૂંટણી દરમિયાન એક બે ઘટનાને બાદ કરતા શાંતિપૂર્ણ મતદાન થયું હતું. દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈવીએમ તોડવાની ઘટના સામે આવી હતી. ઝાલોદ તાલુકાના ઘોડિયાની મુખ્ય પ્રા.શાળામાં મતદાન સમયે આ ઘટના બની હતી.
ઘોડિયાની મુખ્ય પ્રા.શાળામાં મતદાન સમયે 2 થી 3 લોકો દ્વારા બૂથ કેપ્ચરીંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 2 ઈવીએમમાં તોડફોડ કરી હતી. આ ઘટનાના પગલે દાહોદ જીલ્લા પોલીસ વડા, રેન્જ આઈજી સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. પોલીસે બુથ કેપ્ચરીંગ અને ઈવીએમ તોડનાર એક ઈસમને ઝડપી પાડયો છે. આ ઘટનાના કારણે આવતીકાલે આ બુથ ઉપર ફરી મતદાન યોજાશે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.
બીજી તરફ વિરમગામમાં ભાજપ અને અપક્ષના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. બંન્ને પક્ષો એકબીજાને લાતો મારતા જોવા મળ્યા હતા. સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
વિરમગામમાં મારામારીની ઘટનામાં પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલના પૌત્રને ઇજા પહોંચી છે. અભિષેક સતીશભાઈ કોળી પટેલ સોમાભાઈના પૌત્ર છે. કપાળના ભાગે પથ્થર વાગતા અભિષેક પટેલ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અભિષેકનો પિતરાઈ ભાઈ ધ્રુમિલ ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં છે.