પોતાની જાતને પ્રેમ કરી શકનાર વ્યક્તિ જ કોઈના પ્રેમમાં પડી શકે અથવા કોઈનો પ્રેમ પામી શકે. જોકે, ખુદને પ્રેમ કરવાની વાત અમેરિકાની એક યુવતીએ એટલી ગંભીરતાથી લઈ લીધી કે, પોતાની જાત સાથે જ લગ્ન કરી બેઠી હતી.
બિઝનેસ અને લાઇફ કોચનો વ્યવસાય કરતી જ્યોર્જિયાના એટલાન્ટાની મેગ ટેલર મોરિસન નામની યુવતી 31 ઓક્ટોબર, 2020ના રોજ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની તૈયારીમાં હતી, ડેનવેર, કોલોરડોમાં તમામ બુકિંગ થઈ ગયા હતા. પ્રસંગને આખરી ઓપ અપાઈ ચૂક્યો હતો. પણ વિધિને કંઈક અલગ જ મંજુર હતું. લગ્ન પહેલા જૂન 2020માં તેના બોયફ્રેન્ડ સાથે તેનું બ્રેકઅપ થઈ ગયું.
બ્રેકઅપ થતા મેગ ટેલર મોરિસન મૂંઝાઈ હતી. ડેઇલી મેલના રિપોર્ટ મુજબ તેણે કઈક અલગ જ રસ્તો શોધી કાઢ્યો, પોતાની જાત સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્ન માટે કેક, વેડિંગ રિંગ અને પરફેક્ટ વેડિંગ ડ્રેસ નક્કી કર્યા. ખુદની સાથેના લગ્ન માટે તે ખૂબ ખુશ હતી.
ડેઇલી મેઇલના અહેવાલ પ્રમાણે મેગની મમ્મી શરૂઆતમાં ખૂબ જ ભયભીત હતી અને વિચારતી હતી કે તેની પુત્રી નિર્ણય અહંકારના કારણે લીધો છે. પતિ વગર પોતાની જાત સાથેના લગ્નના વિચારથી પરિવારજનો, મિત્રો શું વિચારશે તેવો વિચાર પણ મેગને આવ્યો હતો. જોકે તેણે દ્રઢ નિશ્ચય કર્યો હતો. અન્ય લોકોને પ્રેમ માટે પ્રાધાન્ય આપવાની જગ્યાએ ખુદની સાથે જ પ્રેમ કરવો, લગ્ન કરવા માટે એણે પોતાને જ જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય લીધો. અંતે સમારંભ ખૂબ રંગેચંગે યોજાયો હતો.
રિંગ પહેરવાથી લઈ કિસ કરવા અને શપથ લેવા સહિતની તમામ વિધિ તેણે જાતે જ કરી. આ સમારોહમાં તેના પરિવારજનો અને મિત્રો પણ હાજર રહ્યા હતા.