સંજય તિવારી, હૈદરાબાદ. તેલંગાણા (Telangana)ના પાટનગર હૈદરાબાદ (Hyderabad)ના બે વર્ષના એક માસૂમને એવી બીમારી થઈ છે, જેની સારવાર માટે સમગ્ર દુનિયામાં માત્ર એક જ દવા છે અને તે દવાની કિંમત છે 16 કરોડ રૂપિયા. ચોંકી ન જશો, આ હકીકત છે. આ બાળકે જે સિંગલ ડોઝ ઇન્જેક્શન આપવાનું છે, તેની કિંમત 16 કરોડ રૂપિયા છે. મિડલ ક્લાસ પરિવાર માટે આટલી મોટી રકમની વ્યવસ્થા કરવી અશક્ય છે. પરંતુ જ્યારે મદદ આવવાની શરૂ થઈ તો એક સપ્તાહમાં જ લગભગ સવા કરોડ રૂપિયા ક્રાઉડ ફંડિંગ (Crowd Funding)થી એકત્ર થઈ ગયા.
યોગેશ ગુપ્તાના બે વર્ષના દીકરા અયાંશની જિંદગી માત્ર એક ઇન્જેક્શન પર ટકેલી છે. અયાંશને સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી ટાઇપ-1 (Spinal Muscular Atrophy Type 1) નામની બીમારી છે. આ બીમારી 11 હજાર લોકોમાં સરેરાશ એકને થાય છે. દુનિયામાં તેની એકમાત્ર સારવાર જીન રિપ્લેસમેન્ટ થેરાપી Zolgensma છે. અમેરિકાથી આવનારા Zolgensmaના સિંગલ ડોઝની કિંમત 16 કરોડ રૂપિયા છે.
સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી ખૂબ જ દુર્લભ બીમારી પૈકીની એક છે. તેમાં દર્દીમાં એક ખાસ જીનની ઉણપના કારણે તેમનાંથી ઉત્પન્ન થનારા એક ખાસ પ્રોટીન શરીરમાં નથી બનતું. તેના કારણે સ્નાયુઓ કામ નથી કરતાં. આવી બીમારીથી પીડિત બાળકોને બોલવામાં, ભોજન ખાવામાં અને માથું હલાવવામાં પણ તકલીફ થાય છે. માસૂમ દીકરાની આવી સ્થિતિ જોઈને મજબૂર માતા-પિતા પોતાને લાચાર સમજી રહ્યા હતા. પરંતુ હવે એક આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. સારવાર માટે પૈસા એકત્ર થઈ જશે અને માસૂમ અયાંશની સારવાર થઈ શકશે.
ક્રાઉડ ફંડિંગનો અર્થ હોય છે, સામાન્ય લોકો પાસેથી આર્થિક મદદ લઈને કોઈ કામ કરવું. તે એક પ્રકારથી સમાજનો સામૂહિક પ્રયાસ છે. ઇમ્પેક્ટ ગુરુ ડોટ કોમ મોંઘી સારવાર માટે ક્રાઉડ ફંડિંગ એકત્ર કરવા માટેની વેબસાઇટ છે. આ વેબસાઇટ પર અત્યાર સુધી અયાંશ માટે 1.20 કરોડ રૂપિયા જમા થઈ ચૂક્યા છે. મદદના વધુ હાથ લંબાશે તો 16 કરોડ એકત્ર થવામાં મુશ્કેલી નહીં નડે.