ચંદીગઢ: પંજાબના જલંધરમાં (Jalandhar in Punjab) એક 25 વર્ષીય પરિણીત યુવતી (Married woman)નો મૃતદેહ ગળેફાંસો લગાવેલી હાલતમાં મળ્યો છે. આ પહેલા યુવતીએ પોતાની માતા (Mother)ને ફોન કર્યો હતો. ફોન પર યુવતીએ માતાને કહ્યું હતું કે, "આ માટે અંતિમ કૉલ છે, તેઓ મને મારી રહ્યા છે અને મારા હાથ બાંધીને લટકાવવા માંગે છે." દીકરીના આવી વાત બાદ માતા તાત્કાલિક દીકરીના ઘરે પહોંચી હતી. જ્યાં તેણીને દીકરીનો લટકી રહેલો મૃતદેહ મળ્યો હતો. પોલીસે આ મામલે મૃતદેહનો કબજો લઈને વધારે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મૃતક યુવતીની ઓળખ પ્રવીણ તરીકે કરવામાં આવી છે. મૃતક યુવતીની માતા રાજરાનીએ જણાવ્યું કે દીકરીના લગ્ન 2018માં શહેરના શહીદ બાબૂ લાભ સિંહ નગરમાં રહેતા સાગર સાથે થયા હતા. બંનેને 13 મહિનાની એક દીકરી પણ છે. રાજરાનીએ આરોપ લગાવ્યો કે સાસરિયા પક્ષના લોકો દીકરીને ખૂબ પરેશાન કરતા હતા. રાજરાનીએ કહ્યુ કે, બુધવારે બપોરે બે વાગ્યે દીકરીનો મોબાઇલ પર ફોન આવ્યો હતો. દીકરી ફોન પર કહી રહી હતી કે તેના પતિના મિત્ર આશુની સગાઈ તૂટી ગઈ છે. આ માટે સાસરી પક્ષના લોકો તેણીને જવાબદાર ગણાવી રહ્યા છે. એટલું જ નહીં, આશુના માતાપિતા પણ તેણીને ખરાબ શબ્દો કહી રહ્યા છે. રાજરાનીના કહેવા પ્રમાણે આ વાત પર તેણીએ દીકરીને ખૂબ સમજાવી હતી.
માતાએ કહ્યુ કે, દીકરી પ્રવીણે સાંજે 4.30 વાગ્યે ફરીથી ફોન કર્યો હતો. દીકરીએ કહ્યું કે, "મને માર મારી રહ્યા છે. પરેશાન કરી રહ્યા છે. મને હાથ બાંધીને લટકાવવા માંગે છે. આ મારો અંતિમ ફોન છે. મને બચાવી લો." જે બાદમાં માતાએ દીકરીને ફોન કર્યો તો તેનો ફોન બંધ આવી રહ્યો હતો. જે બાદમાં માતાએ તેની બીજી મોટી દીકરીને આ અંગે સૂચના આપી હતી. મોટી બહેન જ્યારે નાની બહેનના ઘરે પહોંચી ત્યારે તેની લાશ લટકી રહી હતી.
ઘરની આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા. પરિવારના લોકો ઘરે ન હતા. એસએચઓ રાકેશ કુમારે કહ્યુ કે, આ અંગે તપાસ ચાલી રહી છે. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. રિપોર્ટ પછી જ ખબર પડશે કે આ કેસ હત્યાનો છે કે પછી આત્મહત્યાનો છે.