

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કહેરની વચ્ચે હવે ગોલ્ડન માસ્ક (Golden Mask)નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઓડિશાના કટકના એક ફર્નીચર વેપારી આલોક મોહંતીએ સોનાનો માસ્ક પહેરીને સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. સોનું પહેરવું આલોક મોહંતીનો ખાસ શોખ છે. ગોલ્ડન માસ્ક ઉપરાંત તેઓ પોતાના ગળામાં પણ લગભગ એક કિલોના વિવિધ આભૂષણો જેમ કે સોનાની ચેઇન, અંગૂઠી, બ્રેસલેટ હંમેશા પહેરીને રાખે છે. (Image credit: Twitter)


આ કોરોના કાળમાં સોનાનું માસ્ક પહેરવાથી આ વેપારીની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. સોનાના શોખીન આ વેપારીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોરોનાના કારણે દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજિયાત છે. માસ્ક નહીં પહેરનારને દંડ પણ થાય છે. એવામાં લોકો અલગ-અલગ પ્રકારના માસ્ક પહેરી રહ્યા છે. થોડાક દિવસ પહેલા પુણેના શંકર કુરહડે સોનાનો માસ્ક પહેરીને ચર્ચામાં આવ્યા હતા. (Photo: @DebasisJourno)


આલોક મોહંતીએ N-95 માસ્ક લઈને તેની પર લગભગ 100 ગ્રામ સોનું ચઢાવ્યું છે. આ સોનાનું માસ્ક તૈયાર કરવામાં સાડા ત્રણ લાખનો ખર્ચ થયો છે. કટકના કેટલાક કારીગરોની સાથે ચર્ચા કર્યા બાદ આ માસ્કનો ઓર્ડર મુંબઈ મોકલવામાં આવ્યો હતો. આ માસ્કને તૈયાર કરવામાં કુલ 22 દિવસનો સમય લાગ્યો હતો. (Photo: @DebasisJourno)


આલોકના જણાવ્યા મુજબ, થોડા દિવસ પહેલા તેમણે ટીવીમાં પુણેની એક વ્યક્તિને સોનાનો માસ્ક પહેરેલો જોયો હતો. તે તેમને પણ આવો માસ્ક પહેરવાની ઈચ્છા થઈ. ત્યારબાદ મુંબઈમાં સોનાના કારીગરો સાથે સંપર્ક કરી આ માસ્ક તૈયાર કરાવડાવ્યો. સોનાના માસ્કને પહેરીને ચર્ચામાં આવવાથી મોહંતી હાલમાં ખૂબ ખુશ રહે છે. (વીડિયોગ્રેબ)