

કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં ગરમીનો પારો વધતા આગની ઘટનાઓ સામે આવી રહી છે. ગત રોજ પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં એક મિલમાં આગ લાગ્યા બાદ આજે સગરામપુરામાં એપાર્ટમેન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગના પગલે ઘરમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવા બારીમાંથી બીજા ફ્લેટમાં રેસ્ક્યૂ કરાયા હતા. મીટર પેટીમાં લાગેલી આગનો ધુમાડો ઉપર સુધી પહોંચી જતા લોકોમાં ડર ફેલાયો હતો. જેથી ફાયરના કાફલાએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરી જીવ બચાવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગી ગઈ હતી. રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં જમણી તરફ આવેલા એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. મીટરપેટીમાં લાગેલા આગના ધુમાડા ઊંચે સુધી ઊઠ્યા હતા. જેથી એપાર્ટમેન્ટના રહીશોની સાથે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મીટરપેટીનો ધુમાડો ઉપર સુધી આવતાં લોકોએ જીવ બચાવવા માટે એપાર્ટમેન્ટની બારીનો સહારો લઈને જોખમી રીતે નીકળવાનું પસંદ કર્યું હતું. જોકે આગ કાબુમાં આવતા લોકોએ રાહતનો દમ લીધો હતો.


ફાયરબ્રિગેડ આવે ત્યાં સુધીમાં લોકો જીવના જોખમે અન્ય ફ્લેટમાં ગયા હતા. બાદમાં ફાયરબ્રિગેડની ગાડીઓ દ્વારા તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ સાથે જ ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જેથી લોકોએ રાહતનો દમ લીધો હતો.


ઉલ્લેખનીય છે કે સુરતમાં પાંડેસરા GIDCની પ્રેરણાં મિલ નામની ડાઈંગ મિલમાં રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે જાગ્રત નાગરિકે તાત્કાલિક ફાયર અને 108 સહિત પોલીસને જાણ કરતાં ત્રણેય પાંખના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. એક કર્મચારી જીવ બચાવવા ત્રીજા માળેથી કુદતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફાયરના જવાનોએ ભીષણ આગને લઈ પાણીનો મારો કરી આગને કાબુમાં કરી હતી.