

કિર્તેશ પટેલ, સુરત : અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે લોકો પાસેથી ફંડ ઉઘરાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં નકલી રસીદ સાથે ફંડ ઉઘરાવતા એક ઈસમને વિશ્વ હિન્દુ પરિષદ ઝડપી પાડયો હતો અને પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.


અયોધ્યા ખાતે બની રહેલા રામ મંદિર માટે દેશભરમાંથી ફંડ ઉઘરાવવાનું આજથી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મંદિરના નામે કેટલાક લોકોએ ઠગાઈનો વેપાર શરુ કરી દીધો છે. ઉત્તરાયણને લઈને દાન આપવાની પ્રથા ચાલી આવે છે ત્યારે ત્યારે કેટલા તત્વો આ અવસરનો ગેરફાયદો ઉઠાવી લોકો સાથે ઠગાઇ કરી રહ્યા છે. આવા જ એક ઠગને વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકરોએ ઝડપી પાડ્યો છે.


સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ચીકુવાડી નજીક ક્રિષ્ના ઓટો ગેરેજની સામે અમિત ઉર્ફે રાહુલ સુરેન્દ્ર પ્રસાદ પાંડે નામનો વ્યક્તિ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના નામે ખોટી અને બનાવટી રસીદો બનાવીને જાહેરમાં લોકો પાસેથી ફંડ ઉઘરાવતો હતો. વિશ્વ હિંદુ પરિષદને આ મામલે જાણ થતા તેઓ આ ઇસમને ઝડપી પાડીને કાપોદ્રા પોલીસને હવાલે કર્યો હતો. જેથી પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી તેણે કેટલા લોકો પાસેથી આ પ્રકારે પૈસા ઉઘરાવ્યા છે તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.