

પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ કોરોનાને (coronavirus) ડામવા કેન્દ્ર સરકારે કરેલા લોકડાઉનના (lockdown) કારણે પડી ભાંગેલા ધંધા-ઉદ્યોગને ફરી દોડતાં કરવા માટે વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) આત્મનિર્ભર ભારતનું (Atmanirbhar bharat) સ્વપ્ન સેવ્યુ છે. પીપીઈ કીટ, ટુ થી સિક્સ લેયર માસ્ક અને આઈપીએલ માટે નાયલોન ફેબ્રિક્સમાંથી સ્પોર્ટસ વેર તૈયાર કરનારા સુરતને (Surat) સંરક્ષણ વિભાગ (Department of Defense) તરફથી મોટી જવાબદારી સોંપવામાં આવી છે.


70 વર્ષમાં પ્રથમ વખત ભૂમિ, નૌકા અને વાયુ જેવા સંરક્ષણ દળો માટે યુનિફોર્મ, શુઝ, બુલેટ પ્રુફ વેસ્ટ સહિતની વિવિધ વસ્તુઓ તૈયાર કરવા માટેનું ફેબ્રિક્સ તૈયાર કરવાનું કામ સુરતના 7 જેટલા મોટા ઉદ્યોગકારોને સોંપવામાં આવ્યું છે. પ્રથમ વખતમાં જ 10 લાખ મીટર સુધી કાપડ તૈયાર કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે હવે લોકડાઉન પૂર્વે ચાઈના, કોરિયા અને તાઈવાનથી આયાત કરવામાં આવતું હતું.


સુરત ટેક્સટાઈલ સેક્ટરમાં જ્યારે ભારતના માન્ચેસ્ટરનું બિરુદ મેળવી ચૂક્યું છે. ત્યારે હાલ પ્રાથમિક ધોરણે સુરતમાં ફેબ્રિક્સ તૈયાર કરવાની મહત્વની જવાબદારી સોંપાય છે.આ ફેબ્રિકસ તૈયાર કરનાર સુરતના ઉત્પાદક જણાવે છે કે, નવેમ્બરની શરૂઆતમાં જ ડિફેન્સ સેક્ટર માટે જે ફેબ્રિક્સ તૈયાર કરવાનું ઓર્ડર મળ્યો હતો, તે પૈકીનું સેમ્પલ મોકલી આપવામાં આવ્યું છે. જેને મંજૂરી મળી ચૂકી છે. હવે જાન્યુઆરીના અંત એટલે કે આવનારા 2 માસના ટૂંકા સમયગાળામાં જ ઓર્ડર પૂર્ણ કરીને પંજાબ અને હરિયાણાની ગાર્મેન્ટીંગ ફેક્ટરીઓમાં મોકલી આપવામાં આવશે.


વેપારી સંજય સરાવગીએ જણાવ્યું હતું કે હાઈટેનાસિટી યાર્નમાંથી ડિફેન્સ સેક્ટર માટે યાર્ન તૈયાર કરવામાં આવી રહ્યું છે, આ કાપડ એટલું મજબૂત હોઈ છે કે તેને હાથથી ફાડી નાંખવું મુશ્કેલ હોઈ છે. ઉત્પાદકો જણાવે છે કે, હાથથી તેના દોરા તોડવામાં આંગળીઓ કપાઈ પણ શકે છે.ભારત સરકારે સુરતના કાપડ ઉત્પાદકોમાં વિશ્વાસ દાખવીને દેશ માટે કઈ કરવા માટેની તક પૂરી પાડી છે, જે આપણા સૌ માટે ગર્વની વાત છે.


આ કાપડ તૈયાર કરવા માટે ડીઆરડીઓની અમુક ગાઈડલાઈન હતી, તે પ્રમાણે અમે લેબોરેટરીની વ્યવસ્થા કરી ઉપરાંત સ્કીલ્ડ લેબર્સને સ્પેશિયલ સુપરવિઝનમાં આ ફેબ્રિક્સ તૈયાર કરાવ્યું છે. અમારા માટે આ ફેબ્રિક્સ તૈયાર કરવા માટે સૌથી મોટી ચેલેન્જ હતી કે, કાપડની હાઈટેન્સિટી ઓછી નહીં થાય તે રીતે અમારે હાઈટેનાસિટી યાર્નમાંથી અમારે ફેબ્રિક્સ તૈયાર કરવાનું હતું. શરૂઆતમાં અમે 2000 મીટર જેટલા ફેબ્રિક્સના નાના-નાના રોલ બીમ પર ચઢાવીને પ્રોડક્શન કર્યુ હતુ.


જેમ-જેમ કાપડ ગુણવત્તા અને ડિમાન્ડ અનુરૂપ બનતું ગયું તેમ અમે મોટા જથ્થામાં પ્રોડક્શન શરૂ કરી દીધું છે. સુરતના અંદાજે 5 થી 7 મોટા ઉત્પાદકો અંદાજે 10 લાખ મીટરથી વધુની ફેબ્રિક્સ આવનારા 2 માસમાં તૈયાર કરીને પંજાબ-હરિયાણાંની ગાર્મેન્ટીંગ યુનિટ્સમાં મોકલશે.