

કિર્તેશ પટેલ, સુરત: કોરોનામાં તંદુરસ્ત રહેવા માટે સુરતીઓ અવનવા અખતરા કરતા જોવા મળી રહ્યા છે. સાથેસાથે વાર તહેવારે ખાવાની વાનગીઓમાં પણ ઇમ્યુનિટી બુસ્ટર (Immunity booster) વસ્તુઓનો ઉમેરો કરી આરોગ્યની કાળજી લેવામાં પણ સુરતીઓ જરા પણ પાછળ રહેવા માંગતા નથી. એવામાં ઉત્તરાયણ આવી રહી છે ત્યારે ખાવાની વાનગીઓમાં ઇમ્યુનિટી ચીકી (Immunity booster Chikki)નો ઉમેરો થયો છે. સુરતમાં ઇમ્યુનિટી બુસ્ટરનો ટ્રેન્ડ શરૂ થયો છે. તલ અને સિંગની ચીકી સાથે એક બે નહીં પરંતુ 17થી વધુ જાતની ચીજોનું વેચાણ શરૂ થયું છે.


150 વર્ષથી ચીકીની પેઢી ચલાવતા દીપા વાંકાવાલાએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પહેલા ખાવાની વાનગીનો ધંધો એટલે ચીકીનો વેપાર. હાલ ગત વર્ષની સરખામણીમાં કોરોનાને કારણે ચીકી ધંધામાં 50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, આ વખતે કોરોનાને કારણે લોકો ઇમ્યુનિટી બુસ્ટર તરફ વળી રહ્યા હોવાથી અમે ઇમ્યુનિટી બુસ્ટર ચીકી બનાવવાનું શરૂ કર્યું છે."


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, "કાળા અને સફેદ તલમાં ભરપૂર શક્તિ રહેલી છે. જો તેમાં ગોળ ભેળવો તો શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેના કારણે કાળા અને સફેદ તલની ચીકી વધુ ડિમાન્ડ વધી છે. આ ઉપરાંત ડ્રાયફ્રૂટ પણ શરીર માટે સારા હોવાથી ડ્રાયફૂટની ચીકી શરૂ કરી છે. દાણા કે દાળિયા ચાવવા ગમતા ન હોાથી ક્રશ કરેલા દાણાની માવા ચીકી, ઉપરાંત ઉત્તરાયણમાં પરંપરાગત રીતે ખાવાતી સિંગદાણા અને દાળિયાની ચીકી પણ બનાવીએ છીએ."