

કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરમાં આપઘાતનો સિલસિલો રોકાવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. શહેરના મોટા વરાછા બ્રિજ પરથી વધુ એક યુવકે મોતની છલાંગ લગાવીની આપઘાત કરી લીધો છે. આ ઘટના સમયે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. સુરતના મોટા વરાછા ખાતે કૂદકો મારનાર યુવકની ભાળ મેળવવા માટે ફાયરના લાશ્કરો પણ તાપીમાં ઉતરી આવ્યા હતા.


બનાવની વિગતો એવી છે કે સવજી કોરાટ બ્રિજ પરથી અને તાપની તમામ બ્રિજ પરથી અવારનવાર લોકો કૂદીને જીવ હોમી નાખે છે ત્યારે આજે મોટા વરાછાના સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી હતી. મોટરસાયકલ લઈને આવેલો યુવક બાઇક પાર્ક કરીને નદીમાં કૂદી ગયો હતો.


આ યુવક આશરે 30-35 વર્ષોનો હોવાનું પણ અનુમાન છે ત્યારે આ કરૂણ ઘટનામાં નવો વળાંક એવો હતો કે પોલીસને કૂદકો મારનાર યુવકના મોટરસાયકલ પરથી ઝેરી ટીકડા પણ મળી આવ્યા હતા. આમ આ યુવકે આપઘાત કરતા પહેલાં ઝેરી દવા પી લીધી હોવાની આશંકા છે.


ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો નદીમાં કૂદી ગયા હતા અને યુવકની શોધખોળ હાથધરી હતી પરંતુ તેનો પતો લાગ્યો નહોતો. આ યુવકે ક્યા કારણોસર આપઘાતનું પગલું ભર્યુ તેનું રહસ્ય હાલ ઘૂંટાયું છે પરંતુ સુરતના વધુ એક આશાસ્પદ નવજવાને તાપીમાં કૂગીને મોતને વ્હાલું કરી લીધું છે.


યુવક જે સ્પોટ પર કૂદ્યો હતો તેની આસપાસ દોરડાઓ નાખી અને નેટ નાખીને પણ મૃતદેહ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ જ્યા સુધી અહેવાલ પ્રસારિત થયા ત્યા સુધી તેનો પતા લાગ્યો શક્યો નહોતો.