અમદાવાદ : કોરોના વાયરસનું સંક્રમણ અમદાવાદ શહેરમાં વધતું જ જઇ રહ્યું છે. ત્યારે લોકોની સુરક્ષામાં ખડેપગે તૈનાત પોલીસ અધિકારી તથ કર્મચારી સહિત 92 લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેના કારણે તેમની સાથે ફરજ બજાવતા અન્ય 479 કર્મીઓને હોમ ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યાં છે. આ સામે 13 પોલીસ કર્મીઓ સાજા પણ થયા છે.
નોંધનીય છે કે, દાણીલીમડા પોલીસ સ્ટેસનના પીઆઇ અને તેમના પત્ની તથા દિકરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આખો પરિવાર એસવીપી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. જયારે પીઆઇ સાથે ફરજ બજાવતા ઓપરેટર અને તેમના ડ્રાઇવરને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત મહિલા ક્રાઇમ બ્રાંચનાં મીની જોસેફનો કોરાનોનો રિપાર્ટ પોઝિટિવ આવતા તેઓ સારવાર હેઠળ છે. તેઓ નારણપુરા શાસ્ત્રીનગરમાં જેમના ઘરે રહેતા હતા તે મહિલા એસીપી અને તેમની સાથે સતત સંપર્કમાં રહેતા રિવરફ્રન્ટ પશ્વિમના મહિલા પીઆઇને હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ સાથે અદાવાદમાં ખાડિયા પોલીસ સ્ટેશન તથા ગાયકવાડ પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ અને એસઆરપીના 60 જવાનો તેમજ ટ્રાફિક શાખા તથા કાલુપુર, દરિયાપુર, શાહપુર, ખોખરા સહિત પોલીસ સ્ટેશનનાં કુલ 479 પોલીસ કર્મચારીને હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.
રાજ્યમાં 27મી એપ્રિલે રાત્રે 8.00 વાગ્યાની સ્થિતિ મુજબ 247 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં અમદાવાદમાં 197 વધુ કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં કોરોના વાયરની સારવાર લઈ રહેલા 11 દર્દીનાં મોત થયા છે. મૃતકોમાં 5 દર્દી અમદાવાદના, 4 દર્દી સુરતના અને એક દર્દી બનાસકાંઠા અને વડોદરાના છે. આમ રાજ્યમાં કુલ 162 લોકોનાં મોત થયા છે. આ સાથે અત્યાર સુધીનો અમદાવાદમાં કુલ કેસોનો આંક 2378 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન 81 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 11 લોકોના મૃત્યુ થયા છે. જેમાં 5 અમદાવાદમાં, 4 સુરતમાં, વડોદરા અને પાલનપુરમાં એક એક મૃત્યુ નોંધાયા છે. હાલ 31 લોકો વેન્ટિલેટર ઉપર છે. 2961 લોકો સ્થિર હાલતમાં સારવાર હેઠળ છે.