Ahmedabad Police: ઠંડીમાં ઠૂઠવાઈને રસ્તા પર ઊંઘેલા લોકોને અમદાવાદ પોલીસે ધાબળા ઓઢાડ્યા, ગરીબોએ આપ્યાં આશીર્વાદ
News18 Gujarati Updated: January 15, 2023, 9:26 AM IST
અમદાવાદ પોલીસે ઠંડીમાં ઠૂંઠવાતા ગરીબોની મદદ કરી
Ahmedabad Police Help: રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે છત વગર રહેતા લોકોની હાલત કફોડી બની છે. આવામાં અમદાવાદ પોલીસે રસ્તા પર સૂતેલા લોકોને ઠંડીથી બચાવવા ધાબળા ઓઢાડ્યા છે.
અમદાવાદઃ ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાના કારણે તેનો ચમકારો છેક ગુજરાત સુધી અનુભવાઈ રહ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આવામાં જેઓ ઘર વિહોણા છે તેમની હાલત દયનિય બની જતી હોય છે. આવામાં અમદાવાદ પોલીસે રસ્તા પર રાત્રે ઠુંઠવાતા લોકોને ઠંડીથી બચાવવા માટે ધાબળા ધાબળાનું વિતરણ કર્યું હતું. ઠંડીમાં થથરી રહેલા લોકોના ચહેરા પર પોલીસે મદદ કરવા માટે હાથ લંબાવતા ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ઘણાં જરૂરિયાતવાળા લોકોની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા.
પોલીસના માથે લોકોની સુરક્ષા કરવાની જવાબદારી રહેલી છે, માટે સામાન્ય રીતે લોકોને પોલીસના આકરા સ્વભાવનો અનુભવ થતો હોય છે. પરંતુ સાબરમતીમાં જે જોવા મળ્યું તેણે પોલીસના દિલમાં પણ દયા ભાવનાનો ભાવ હોય છે તેની પ્રતીતિ કરાવી છે.
આ પણ વાંચોઃ ઠંડી ફરી દિલ્હીવાસીઓને થથરાવશે, ગુજરાતમાં પણ જોર વધવાની આગાહીપોલીસે ઠંડીમાં ઠૂંઠવાતા લોકોની મદદ કરી
સ્વભાવિક છે કે પોલીસની ગાડી કોઈ વ્યક્તિની પાસે આવીને ઉભી રહે તો તે વ્યક્તિને મનમાં સવાલ થવા લાગતો હોય છે કે હવે પોલીસ તેને શું કહેશે? આવા જ કંઈક વિચારો ઠંડીમાં ઠૂંઠવાને રસ્તા પર ઊંઘી ગયેલા ગરીબોના મનમાં પણ આવ્યા હશે. પરંતુ જ્યારે પોલીસે પોતાના વાહનમાંથી ધાબડા કાઢીને તેમને ઠંડીમાં રક્ષણ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના મન ભરાઈ આવ્યા હતા.
ગરીબે હાથ જોડીને પોલીસનો આભાર માન્યો
અમદાવાદ પોલીસે ટ્ટિટ કરીને જણાવ્યું છે કે, "સાબરમતી પોલીસ સ્ટેશન દ્વારા કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ઠંડીમાં રાહત મળે તે સારું પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ધાબળા વિતરણ કરવામાં આવ્યા." આ સાથે અહીં શેર કરવામાં આવેલા વીડિયોમાં દેખાય છે કે પોલીસ ત્રણ પૈડાવાળી રિક્ષા પર ઊંઘી રહેલા બે લોકોને ધાબડો ઓઢાડી રહી છે. પોલીસે કરેલી મદદથી ખુશીની લાગણી અનુભવતા શખ્સે બે હાથ જોડીને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આજ રીતે વાસણા પોલીસની ટીમ દ્વારા પણ ફૂટપાથ પર ઊંઘી રહેલા અને ઝૂંપડામાં રહેતા જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી બચાવવા માટે ધાબળા ઓઢાડતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી. પોલીસે કરેલી મદદથી ઘણાં ગરીબ પરિવારોને ઠંડીમાં રાહત મળી હતી. આ સેવાકાર્યમાં મહિલા પોલીસની ટીમ પણ જોડાઈ હતી.
Published by:
Tejas Jingar
First published:
January 15, 2023, 9:02 AM IST