Ahmedabad Firing Case: અમદાવાદના ‘બાપનો બગીચો’ કેફેમાં અસામાજિક તત્વોનો આતંક, તોડફોડ કરી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું
Updated: February 3, 2023, 7:17 PM IST
અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલા બાપનો બગીચો કેફેમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે.
Ahmedabad News: અમદાવાદના એસ.પી. રીંગ રોડ પર આવેલા ‘બાપનો બગીચો’ કેફેમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ કેફેમાં તોડફોડ કરી ફાયરિંગ પણ કર્યું છે.
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. દિવસે ને દિવસે લૂંટ, ચોરી જેવા બનાવો બાદ હવે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. એસ.પી. રીંગ રોડ પર આવેલા ‘બાપનો બગીચો’ કેફેમાં તોડફોડ કરી ફાયરિંગ પણ કર્યું છે.
મળતી માહિતી પ્રમાણે, શહેરના એસ.પી. રીંગ રોડ પર મોડી રાત સુધી ધમધમી રહેલા કાફે જાણે કે સામાજિક તત્વોનો અડ્ડો બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. એસપી રીંગ રોડ શીલજ સર્કલ નજીક આવેલા બાપનો બગીચો કેફેમાં ગત મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી.
રાત્રિના લગભગ બે વાગ્યાની આસપાસ કેટલાક યુવકો ગાડી લઈને આવ્યા હતા અને પાર્કિંગમાં સિક્યોરિટી સાથે બોલાચાલી કરતા સમગ્ર ઘટનાની જાણ કેફે માલિકને થઈ હતી. તેથી કેફે માલિક પણ ત્યાં પહોંચ્યા હતા ત્યારે આ યુવકોએ તેમની સાથે બોલાચાલી કરી હતી અને મારામારી કરી હતી.
કારથી કેફેનો દરવાજો તોડી નાંખ્યો
આ ઘટના વખતે કેફેમાં હાજર ગ્રાહકો વચ્ચે પડતા યુવકો ભાગી ગયા હતા અને ત્યારબાદ વહેલી સવારે ચારેક વાગતા કેફે બંધ કરીને માલિક ઘરે જવા નીકળ્યા ત્યારે અચાનક બે ફોર્ચ્યુનર કારમાં 10થી વધુ શખ્સો આવ્યા હતા. તેમણે કારથી કેફેનો દરવાજો તોડી નાંખ્યો અને પછી લાકડી-બેઝબોલ સ્ટિક લઈને અંદર ઘૂસ્યા હતા અને કેફેના કર્મચારીઓને માર મારવા લાગ્યા હતા. આ સાથે જ કેફેમાં રહેલી વસ્તુઓમાં તોડફોડ કરી હતી.
આ પણ વાંચોઃ હવામાન વિભાગની મોટી આગાહી, કહ્યુ - આગામી સમયમાં ઠંડી...
પોલીસે આરોપીને ઝડપી પાડ્યાં
આ ઘટનામાં મુખ્ય આરોપી વિશ્વનાથ રઘુવંશીએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ અને અન્ય એક આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. એટલું જ નહીં, કેફેમાં તોડફોડ કર્યા બાદ આરોપીઓએ સ્ટોરમાં આગ પણ લગાડી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી અને મુખ્ય આરોપી સહિત કેટલાક અન્ય લોકોને ઝડપી પાડ્યા હતા. હાલમાં પોલીસે આ મામલે બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વિશ્વનાથના પિતા સિક્યોરિટી ગાર્ડ હોવાથી તેમના હથિયાર વડે તેણે ફાયરિંગ કર્યું હતું. જો કે, અન્ય હથિયાર ક્યાંથી અને કોણ લાવ્યું હતું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:
Vivek Chudasma
First published:
February 3, 2023, 7:01 PM IST