સાણંદ પ્રાંત અધિકારીના આપઘાત અંગે પરિવારે કર્યાં આક્ષેપો, 'અમને સ્થાનિક પોલીસ પર ભરોસો નથી'
Updated: November 26, 2022, 2:10 PM IST
રાજેન્દ્ર પટેલની ફાઇલ તસવીર
મૃતકનાં પત્ની જણાવે છે કે, આપઘાત પહેલા જ પતિએ વીડિયો કોલ કરીને મારી અને પુત્ર સાથે વાત કરી હતી. પતિ તણાવમાં લાગતા ન હતા.
સાણંદ: પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલની આત્મહત્યા કેસમાં પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી છે. ગુજરાત ચૂંટણી પહેલા પ્રાંત અધિકારીનાં આપઘાતને કારણે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે પરિવાર પોતાની વ્યથા જણાવતા કહે છે કે, સ્થાનિક પોલીસ નહીં પરંતુ કોઇ સ્વતંત્ર એજન્સી તપાસ કરે તેવી અપીલ છે. પરિવારે જણાવ્યું કે, આપઘાતનાં સમાચાર મળ્યાંનાં માત્ર દોઢ જ કલાકમાં પોલીસે ફટાફટ તપાસ કરી લીધી હતી. આ સાથે મૃતકનાં પત્ની જણાવે છે કે, આપઘાત પહેલા જ પતિએ વીડિયો કોલ કરીને મારી અને પુત્ર સાથે વાત કરી હતી. પતિ તણાવમાં લાગતા ન હતા.
પરિવારની ગેરહાજરીમાં તપાસ
પરિવારની ગેરહાજરીમાં મકાનમાં તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત પરિવાર જુએ તે પહેલા જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવામાં આવ્યા હતા.
આપઘાતનાં દિવસે જ સવારે વીડિયો કોલમાં પત્નીને પતિ તણાવમાં લાગ્યા ન હતા. મૃતકનાં પત્નીએ પતિ સાથે વીડિયો કોલમાં થયેલી વાત અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, મંગળવારે સવારે 6.15ની આસપાસ વાત થઇ હતી. આખી રાત કામ કરીને હાલ જ ઓફિસથી ઘરે આવ્યા હોવાનું જણાવ્યુ હતુ. 9.15 કલાકે તેમનો ફોન આવ્યો હતો. થોડીનારમાં વીડિયો કોલ કરીને અમારી સાથે વાત કરી હતી. આ પાંચેક મિનિટની વાતમાં કોઇ ટેન્શન દેખાતુ ન હતુ.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી પહેલા ભાજપનો સંકલ્પ પત્ર
તે આત્મહત્યા ક્યારેય ન કરી શકે
પરિવારે આ અંગે વધુ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ કે, તે આત્મહત્યા ક્યારેય ન કરી શકે. અમને સ્થાનિક પોલીસ ઉપર ભરોસો નથી. તેમના પર ચોક્કસ પોલિટિકલ પ્રેશર રહ્યું હશે. અમારા પરિવારનો એકમાત્ર સહારો છીનવાઇ ગયો છે. અમે ન્યાય માટે વડાપ્રધાન સુધી જવું પડે તો જઇશું.
આ ઉપરાંત પણ તેમણે સ્થાનિક પોલીસ અંગે જણાવ્યુ કે, ઘરના લોકો ઘરે પહોંચે તે પહેલા જ તેમને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યા હતા. ઘરને પણ સીલ કર્યું ન હતુ. જેથી લોકોની અવરજવર પણ વધી હતી.
Published by:
Kaushal Pancholi
First published:
November 26, 2022, 2:10 PM IST