Explained: વિલંબ થવા પર શા માટે સુપ્રીમ કોર્ટે રેલવેને વળતર ચૂકવવા કર્યો આદેશ, જાણો શા માટે ટ્રેનોમાં રહે છે અનિયમિતતા


Updated: September 17, 2021, 10:38 PM IST
Explained: વિલંબ થવા પર શા માટે સુપ્રીમ કોર્ટે રેલવેને વળતર ચૂકવવા કર્યો આદેશ, જાણો શા માટે ટ્રેનોમાં રહે છે અનિયમિતતા
વિલંબ થવા પર શા માટે સુપ્રીમ કોર્ટે રેલવેને વળતર ચૂકવવા કર્યો આદેશ પ્રતિકાત્મક તસવીર

Indian Railways- દેશભરમાં ટ્રેનો પોતાના નિર્ધારિત સમય પર ન પહોંચતી હોવા અંગે સુપ્રીમ કોર્ટે ( Supreme Court)સખત વલણ દેખાડ્યું છે. કોર્ટે કહ્યું કે રેલવે ટ્રેનો મોડી થવાની જવાબદારીથી બચી શકે નહીં

  • Share this:
દેશભરમાં ટ્રેનો (Indian Railways)પોતાના નિર્ધારિત સમય પર ન પહોંચતી હોવા અંગે સુપ્રીમ કોર્ટે ( Supreme Court)સખત વલણ દેખાડ્યું છે. કોર્ટે કહ્યું કે રેલવે ટ્રેનો મોડી થવાની જવાબદારીથી બચી શકે નહીં. સુપ્રીમ કોર્ટે (SC)એ એક આદેશમાં રેલવેને (Railways)એક એવા વ્યક્તિને દંડ આપવાનો આદેશ જાળવી રાખ્યો છે, જેને ટ્રેન મોડી પડવાથી ભારે મુશ્કેલી પડી હતી. ભારતીય રેલવે નેટવર્કનો ઉપયોગ કરનાર મુસાફરો માટે ટ્રેનો મોડી થવી એક સામાન્ય વાત છે. પરંતુ શા માટે મોડું થાય છે તેના કારણો રેલવે નેટવર્ક જેટલા જટિલ હોઇ શકે છે.

શા માટે રેલવેને ફટકાર્યો દંડ?

આ મામલો ઉત્તર-પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત અજમેર-જમ્મુ એક્સ્પ્રેસ ટ્રેન સાથે સંબંધિત છે અને વર્ષ 2016નો છે. સંજય શુક્લા પોતાના પરિવાર સાથે 11 જૂન, 2016ના રોજ અજમેર-જમ્મૂ એક્સ્પ્રેસની યાત્રા કરી રહ્યા હતા. ટ્રેનને સવારે 8.10 કલાકે જમ્મૂ પહોંચવાનું હતું. પરંતુ ટ્રેન પોતાના સ્ટેશને 12 વાગ્યે પહોંચી. જેથી શુક્લા પરિવારની ફ્લાઇટ મિસ થઇ ગઇ. તેમને બપોરે 12 વાગ્યે ફ્લાઈટથી જમ્મૂથી શ્રીનગર જવાનું હતું. પરંતુ ટ્રેન મોડી પડવાના કારણે તેમને ટેક્સી લઇને જમ્મૂથી શ્રીનગર જવું પડ્યુ હતું. તેના માટે શુક્લા પરિવારે રૂ. 15000 આપવા પડ્યા હતા. સાથે જ લોજિંગ માટે પણ રૂ. 10000 આપવા પડ્યા હતા. અલવર જીલ્લાના કંઝ્યૂમર ફોરમે ઉત્તર-પશ્ચિમ રેલવેને શુક્લા પરિવારને રૂ. 30,000નું વળતર આપવાનો આદેશ આપ્યો હતો.

નેશનલ ફોરમે પણ આદેશને યથાવત રાખ્યો

સ્ટેટ અને નેશનલ ફોરમે આ નિર્ણયને યોગ્ય કહી જાળવી રાખ્યો હતો. રેલવેએ ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં નિર્ણયને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ જીલ્લા, રાજ્ય અને નેશનલ ફોરમ્સના આદેશને યથાવત રાખ્યો. એડિશનલ સોલિસીટર જનરલ એશ્વર્ય ભાટીએ પોતાની દલીલમાં કહ્યું કે, ટ્રેનો મોડી પહોંચવા પર રેલવેની વળતર આપવાની કોઇ જવાબદારી રહેતી નથી. પરંતુ કોર્ટે તેમની દલીલ સ્વીકારી નહીં. સુપ્રીમ કોર્ટની બે ન્યાયાધીશો વાળી બેંચે માન્યું કે, રેલવે મોડું થવા પર યોગ્ય સ્પષ્ટીકરણ ન આપી શકે તેવા કેસમાં વળતર આપ્યા વગર દૂર ભાગી શકે નહીં. રિપોર્ટ્સ અનુસાર કોઇ પણ ટ્રેન પોતાના નક્કી સમય કરતા 15 મિનિટ મોડી આવે તો ટ્રેનને લેટ માનવામાં આવે છે.

સુપ્રીમે કહ્યું કે, રેલવેને ટ્રેન મોડી આવવાના કારણ જણાવવાની અને તેને સાબિત કરવાની જરૂર હતી કે મોડું એવા કારણોસર થયું જેના પર તેમનું નિયંત્રણ ન હતું. પરંતુ રેલવે આમ કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ સંબંધમાં કોઇ વિવાદ નથી કે દરેક મુસાફરનો સમય કિંમતી છે.આ પણ વાંચો - GST Council Meeting: ઘણી જીવનરક્ષક દવાઓ સસ્તી થઇ, જાણો પેટ્રોલ-ડીઝલ પર શું કર્યો નિર્ણય

કેટલી ટ્રેનો મોડી પડે છે?

વર્ષ 2018માં કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(CAG) દ્વારા રજૂ કરાયેલા એક અહેવાલ અનુસાર, ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્ક પૈકીનું એક છે. જેમાં દરરોજની 13,000થી વધુ ટ્રેનો 1.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપે છે. દેશમાં દરરોજ 2.2 કરોડથી વધુ મુસાફરો 7000થી વધુ સ્ટેશનો પર મુસાફરી કરવા માટે રેલવેનો ઉપયોગ કરે છે.

CAG ઓડિટ કે જેણે 10 ઝોનલ રેલવેમાં 15 મુખ્ય સ્ટેશનોને આવરી અને એક મહિનાની કામગીરીના ડેટાનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે, હાવડા, ઇટારસી અને અમદાવાદ સિવાય તમામ પસંદ કરેલા સ્ટેશનોમાં ટ્રેન દીઠ 15 મિનિટથી વધુ સમય માટે પેસેન્જર ટ્રેનો રોકવામાં આવી હતી. આ ત્રણ સ્ટેશનો પર ટ્રેન દીઠ 15-25 મિનિટનો વિલંબ થયો હતો. વધુમાં જણાવ્યાનુસાર, માલગાડીઓને વધુ સમય માટે રોકવામાં આવતી હતી અને દિલ્હી, નવી દિલ્હી, હાવડા અને ચેન્નાઇ સેન્ટ્રલ સિવાય તમામ પસંદ કરાયેલા સ્ટેશનો પર માલગાડી દીઠ 21થી 100 મિનિટનું રોકાણ હતું. વર્ષ 2019માં સંસદમાં આપેલા જવાબમાં રેલવે મંત્રાલયે કહ્યું હતું કે, તે વર્ષે માર્ચ મહીનામાં રોજ સરેરાશ 389 ટ્રેનમાં વિલંબ થયો હતો. જ્યારે તે જ વર્ષે એપ્રિલમાં 628 અને મે મહિનામાં 517 ટ્રેનો મોડી પડી હતી. પરંતુ મંત્રાલયે જણાવ્યું કે, વિલંબ ઘટાડવા લેવાયેલા અમુક પગલાઓના કારણે, પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોમાં મિનિટની સંખ્યામાં માર્ચ 2018માં 36,75,043 અને 27,30,830થી ઘટીને માર્ચ 2019માં 25,04,263 અને 13,45,067 થઇ ગઇ છે.

ટ્રેનોમાં વિલંબ માટેના કારણો

રેલવે મંત્રાલયે જવાબદાર કારણો પર ધ્યાન દોરતા કહ્યું કે, ટ્રેનો પોતાના સમયે પહોંચવા સંઘર્ષ કરે છે. મંત્રાલયે કહ્યું કે, ટ્રેનોમાં વિલંબ માત્ર આંતરિક કામકાજના કારણે જ નહીં પરંતુ બાહ્ય પરીબળોના કારણે પણ થાય છે, જે રેલવેના નિયંત્રણની બહાર હોય છે. જેમાં લાઇન ક્ષમતા, ટર્મિનલ ક્ષમતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મુસાફરોની વધતી સંખ્યા અને ટ્રાફિક પણ જવાબદાર છે. તો અમુક પ્રાકૃતિક કારણો જેવા કે પ્રતિકૂળ વાતાવરણ(ઝાકળ, વરસાદ), ચક્રવાત, ભારે વરસાદ, પૂર વગેરે જવાબદાર છે. આ ઉપરાંત લેવલ ક્રોસિંગ ગેટ્સ પર ભારે રોડ ટ્રાફિકને પણ જવાબદાર ગણાવવામાં આવ્યું હતું.

આ સિવાય કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ જેમ કે, રેલવે સંપત્તિની ચોરી, પશુ અને માણસોના ટ્રેનની ટક્કરે થતા મોતને લગતા કેસો વગેરે પણ કારણભૂત ગણાવ્યા હતા. CAGના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ટ્રેનોમાં વિલંબ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત મુદ્દાઓનું સૌથી મોટું યોગદાન છે. જેમાં પર્યાપ્ત સંખ્યા અને પ્લેટફોર્મ અને પાટાઓની લંબાઇને કમીને નિર્દેશિત કરાયું હતું, પેસેન્જર ટ્રેનોના સ્ટેબલિંગ અને મેઇન્ટેનન્સ માટે અપૂરતી લાઇનો અને કોઇપણ સ્થાયી ગતિ પ્રતિબંધ વગર ટ્રેનોની મુક્ત અવરજવરને વિલંબ પાછળના મુખ્ય પરીબળો ગણાવ્યા હતા.

તે પણ નોંધવામાં આવ્યું હતું કે, પૂરતી લંબાઇ સાથે પ્લેટફોર્મ પૂરું પાડવું, ટ્રેનોના સ્ટેબલિંગ અને જાળવણી માટેની સુવિધાઓ, યાર્ડની પૂરતી ક્ષમતા વગેરે ટ્રેનોના સમયસર આગમન અને પ્રસ્થાનમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. જોકે, કોઇ પણ સ્ટેશન વિકાસ-પુનઃવિકાસનો ભાગ નથી.

વિલંબ અટકાવવા રેલવે શું પગલા ભરી રહ્યું છે?

આ વર્ષે 1 જુલાઇના રોજ રેલવે મંત્રી પિયૂષ ગોયલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ભારતીય રેલવેએ ટ્રેનોમાં 100 ટકા નિયમિતતા હાંસલ કરી છે. જોકે, અહેવાલોમાં દર્શાવ્યા અનુસાર, આ સિદ્ધિ મહામારી પ્રેરિત લોકડાઉન વચ્ચે આવી હતી જ્યારે રેલવે સામાન્ય સમય દરમિયાન ચાલતી કુલ ટ્રેનોના માત્ર એક ભાગ જ સંચાલિત કરતું હતું. ઇન્ડિયન એક્સપ્રેસે જણાવ્યા અનુસાર, 100 ટકા સમયપાલન દર ત્યારે આવ્યો જ્યારે માત્ર 230 મુસાફર ટ્રેનો, લગભગ 3000 ભરેલી માલગાડીઓ અને 2200 ખાલી માલગાડીઓની સાથે સંચાલન કરાઇ રહ્યું હતું. જોકે છેલ્લા થોડા વર્ષોમાં રેલવેએ વિલંબ ઘટાડવા માટે પગલાઓ લીધા છે.

મંત્રાલયે સંસદમાં જણાવ્યું કે, એસેટ ફેલ્યોરને ઘટાડવા માટે સંપત્તિની જાળવણી અને ક્ષમતા વધારવાના પ્રોજેક્ટ શરૂ કર્યા છે અનેન ટ્રેનોને સરળતાથી ચલાવવા માટે ઓટોમેટેડ સિસ્ટમો પણ લાવવામાં આવી છે. રેલવે દ્વારા પ્રાઇવેટ પ્લેયર્સને ટ્રેનોના સંચાલન માટે આમંત્રિત કરવાની સાથે ગત વર્ષે રિપોર્ટમાં જણાવ્યું હતું કે, સેવામાં કોઇ પણ પ્રકારના વિલંબ માટે ડ્રાફ્ટ નિયમોમાં દંડની જોગવાઇ કરવામાં આવી છે. ખાનગી ઓપરેટરોએ વર્ષ દરમિયાન 95 ટકા સમયસરતા જાળવવી જરૂરી છે અને જો ટ્રેન 15 મિનિટથી વધુ મોડી પડે તો દંડ ચૂકવવો જરૂરી છે.
First published: September 17, 2021, 10:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading