Explained: શું છે QUAD જેના માટે જાપાન પહોંચ્યા PM મોદી, તેનો હેતુ શું છે, જાણો દરેક પ્રશ્નના જવાબ

News18 Gujarati
Updated: May 25, 2022, 8:46 AM IST
Explained: શું છે QUAD જેના માટે જાપાન પહોંચ્યા PM મોદી, તેનો હેતુ શું છે, જાણો દરેક પ્રશ્નના જવાબ
QUAD ચીની દબદબા પર રોક લગાવવા માટે બનેલું ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનું જોડાણ છે.

QUAD Summit: જાપાને QUAD બનાવવાની પહેલ કરી હતી. ચીન અને રશિયાએ તેનો વિરોધ કર્યો હતો. 2008માં ઓસ્ટ્રેલિયા ગ્રુપથી બહાર રહ્યું. 10 વર્ષ સુધી આ આઇડિયા અટકેલો હતો. પછી 2017માં તેના પર સક્રિયપણે કામ શરુ થયું.

  • Share this:
ટોક્યો. જાપાનના ટોક્યોમાં QUAD સમિટનું આયોજન થયું. QUAD ચીની દબદબા પર રોક લગાવવા માટે બનેલું ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનું જોડાણ છે. આ સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન, ભારતના પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi), જાપાનના પીએમ ફુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ સામેલ થયા. ચીનને QUADને લઇને હંમેશાથી વાંધો રહ્યો છે અને તે આ જોડાણને પોતાને ઘેરવાની અમેરિકી ચાલ કહે છે.

આવો જાણીએ કે આખરે શું છે QUAD? શા માટે ચીને QUAD સામે વાંધો ઉઠાવ્યો છે અને ભારત કઈ રીતે આ સંગઠનનું ગેમ ચેન્જર બની શકે છે.

QUAD શું છે? તેની રચના કઈ રીતે થઈ

ક્વાડ્રીલેટરલ સિક્યોરિટી ડાયલોગ એટલે કે QUAD ચાર દેશો- અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક વ્યૂહાત્મક જોડાણ છે. તેની રચના 2007માં થઈ હતી. નિષ્ણાતો મુજબ, QUAD ની રચનાનો મુખ્ય અઘોષિત ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર એટલે કે હિંદ મહાસાગર અને પેસિફિક મહાસાગરની વચ્ચે આવતા વિસ્તાર પર ચીનના વધતા દબદબા પર લગામ લગાવવાનો છે. સાથે જ તેનો હેતુ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના અન્ય દેશોને ચીનના વર્ચસ્વથી બચાવવાનો છે.

આ પણ વાંચો: શું છે પૂજા સ્થળ કાયદો, જ્ઞાનવાપી અને મથુરા જેવી બાબતોમાં શું હશે તેની ભૂમિકા

ક્વાડની સ્થાપના કઈ રીતે થઈ?2007માં પહેલી વખત આ અંગે વિચાર આવ્યો હતો. જાપાને QUAD બનાવવાની પહેલ કરી હતી. ચીન અને રશિયાએ તેનો વિરોધ કર્યો હતો. 2008માં ઓસ્ટ્રેલિયા ગ્રુપથી બહાર રહ્યું. 10 વર્ષ સુધી આ આઇડિયા અટકેલો હતો. પછી 2017માં તેના પર સક્રિયપણે કામ શરુ થયું. નવેમ્બર 2017માં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાને ક્વાડની સ્થાપનાની પેન્ડિંગ દરખાસ્તને આકાર આપ્યો. તેનો હેતુ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી સૈન્ય હાજરી વચ્ચે મુખ્ય દરિયાઈ માર્ગોને કોઈપણ પ્રભાવથી મુક્ત રાખવા માટે નવી વ્યૂહરચના વિકસાવવાનો હતો.

QUADનો હેતુ શું છે?

QUADનો ઉદ્દેશ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોને કોઈપણ લશ્કરી અથવા રાજકીય પ્રભાવથી મુક્ત રાખવાનો છે. તે મુખ્યત્વે ચીની દબદબો ઘટાડવા માટે બનાવવામાં આવેલ વ્યૂહાત્મક જૂથ તરીકે જોવામાં આવે છે. તેનો હેતુ ઈન્ડો-પેસિફિક પ્રદેશને સ્વતંત્ર, ખુલ્લું અને સમૃદ્ધ બનાવવાની દિશામાં કામ કરવાનો છે. QUAD માત્ર સુરક્ષા પર જ નહીં પરંતુ આર્થિકથી લઈને સાયબર સુરક્ષા, દરિયાઈ સુરક્ષા, માનવીય સહાય, આપત્તિ રાહત, જળવાયુ પરિવર્તન, મહામારી અને શિક્ષણ સુધીના અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.

ચીન શા માટે કરે છે ક્વાડનો વિરોધ?

ચીન શરૂઆતથી જ QUAD નો વિરોધ કરે છે, કારણ કે તે તેને પોતાના વૈશ્વિક ઉદયને રોકવાની વ્યૂહરચના તરીકે જુએ છે. ચીનના વિદેશ મંત્રાલયનો આરોપ છે કે QUAD તેના હિતોને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યું છે. ઘણી વખત ચીન QUAD ને એશિયન NATO કહી ચૂક્યું છે. તાજેતરમાં જ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને જણાવ્યું હતું કે QUAD અપ્રચલિત થયેલા શીત યુદ્ધ અને લશ્કરી મુકાબલાના ભયમાં ડૂબેલું છે. તેથી તેનું નામંજૂર થવું નક્કી છે.

આ પણ વાંચો: ભારતના પહેલા પોખરણ પરમાણુ પરીક્ષણનું નામ ‘સ્માઇલિંગ બુદ્ધા’ શા માટે રાખવામાં આવ્યું?

ભારત માટે QUAD શા માટે મહત્વપૂર્ણ છે?

એવું માનવામાં આવે છે કે QUAD વ્યૂહાત્મક રીતે ચીનની આર્થિક અને લશ્કરી શક્તિનો સામનો કરે છે. તેથી આ જોડાણ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીનનો ભારત સાથે લાંબા સમયથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં, જો સરહદ પર તેની આક્રમકતા વધુ વધે છે, તો ભારત આ સામ્યવાદી દેશને રોકવા માટે QUAD ના અન્ય દેશોની મદદ લઈ શકે છે. તો QUAD માં પોતાનું કદ વધારીને, ભારત ચીનની મનમાની પર અંકુશ લગાવીને એશિયામાં શક્તિનું સંતુલન પણ સ્થાપિત કરી શકે છે.

ઈન્ડો-પેસિફિક રિજન શું છે?

આ ક્ષેત્ર 14 દેશોનો બનેલો છે: ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બર્મા, ભારત, ઇન્ડોનેશિયા, જાપાન, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર, દક્ષિણ કોરિયા, તાઇવાન, થાઇલેન્ડ અને વિયેતનામ. ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર વૈશ્વિક અર્થતંત્રના સૌથી મહાન વર્તમાન અને ભાવિ એન્જિનોમાંનું એક છે.

ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક શું છે?

ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF) ની પ્રથમ ઝલક ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈસ્ટ એશિયા સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન દ્વારા કહેવામાં આવેલી વાતોમાં જોવા મળી હતી. બાઇડેને કહ્યું, ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઈન્ડો-પેસિફિક ઇકોનોમિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ભાગીદાર દેશો સાથે મળીને કામ કરશે. તે અમારી વેપાર સુવિધા, ડિજિટલ ઇકોનોમિક્સ અને ટેક્નોલોજીના સ્ટાન્ડર્ડ, સપ્લાય ચેઇનની સુગમતા, ડીકાર્બોનાઇઝેશન અને સ્વચ્છ ઊર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વર્કર સ્ટાન્ડર્ડ અને સામાન્ય હિતના અન્ય ક્ષેત્રોની આસપાસના અમારા સહિયારા ઉદ્દેશોને વ્યાખ્યાયિત કરશે.’
Published by: Nirali Dave
First published: May 25, 2022, 8:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading