Explained: કઈ વેકસીન વધુ સારી? કોવિશિલ્ડ, કોવેકસીન કે સ્પુતનિક V?


Updated: May 3, 2021, 4:32 PM IST
Explained: કઈ વેકસીન વધુ સારી? કોવિશિલ્ડ, કોવેકસીન કે સ્પુતનિક V?
પ્રતિકાત્મક તસવીર

રસીકરણ અભિયાન વચ્ચે લોકોમાં પ્રશ્ન ઊભો થાય છે કે, કઈ રસી લેવી જોઈએ? વર્તમાન સમયે કોવિશિલ્ડ અને કોવેક્સીન આપવામાં આવે છે. ત્રીજી રસી સ્પુતનિક V નો જથ્થો પણ પહોંચી ગયો છે

  • Share this:
1 મે થી 18 વર્ષથી વધુ વયના જૂથને કોરોનાની રસી આપવાનું શરૂ થઇ ચૂક્યું છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે. કેટલાંક રાજ્યોમાં રસીના જથ્થાની અછતના કારણે અભિયાન એક અથવા બે દિવસ મોડું શરૂ થયું છે. રસીકરણ અભિયાન વચ્ચે લોકોમાં પ્રશ્ન ઊભો થાય છે કે, કઈ રસી લેવી જોઈએ? વર્તમાન સમયે કોવિશિલ્ડ અને કોવેક્સીન આપવામાં આવે છે. ત્રીજી રસી સ્પુતનિક V નો જથ્થો પણ પહોંચી ગયો છે.

કોરોના મહામારી સામે લડવા માટે કુલ ત્રણ રસીનો ઉપયોગ કરવામાં આવશે તેવા અહેવાલો મળી રહ્યા છે. કોવેકસીન અને કોવિશિલ્ડ તો ગત 16 જાન્યુઆરીથી જ લોકોને અપાઈ રહી છે. આ ત્રણેય રસી કોરોના સામે 100 ટકા અસરકારક છે. જેથી વિશ્વભરના વૈજ્ઞાનિકો કોઈપણ રસી લેવાની સલાહ આપી રહ્યા છે. એકંદરે હેતુ લોકોના જીવનને રક્ષણ આપવાનો છે. અલબત જે રસી લેવાની છે તે અંગે જાણકારી તો હોવી જ જોઈએ.

ત્રણેયમાંથી કઈ રસી વધુ અસરકારક?

ત્રણેય રસી સારી જ છે. જે મળે તે લઈ લેવી જોઈએ. અત્યારે દેશમાં 16 જાન્યુઆરીથી કોવેકસીન અને કોવિશિલ્ડ આપવામાં આવી રહી છે. કોવેકસીન ભારતમાં જ ડેવલપ થઈ છે. જ્યારે કોવિશિલ્ડને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવવામાં આવી છે. આ રસીનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ખાતે થયું છે.

કોરોના સામેની લડાઈમાં રશિયાની સ્પુતનિક v પણ જોડાઈ છે. આ રસી રશિયન ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ)ની સહાયથી મોસ્કોની ગેમાલેઆ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એપિડિમીઓલોજી અને માઇક્રોબાયોલોજીમાં વિકસાવવામાં આવી છે. આ રસી ભારતની રેડ્ડીઝ લેબોરેટરીની દેખરેખ હેઠળ 6 કંપનીઓ દ્વારા બનાવવામાં આવી છે. પ્રારંભમાં 1.25 કરોડ ડોઝની આયાત કરવામાં આવશે.

આ ત્રણેય રસી થોડી વિભિન્ન છે. કોવિશિલ્ડ વિશ્વની સૌથી લોકપ્રિય રસી છે. જેનો ઉપયોગ મોટાભાગના દેશોમાં થાય છે. વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા પણ આ રસીનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ કોવેક્સિનનો ઉપયોગ ફક્ત ભારતમાં થાય છે. જ્યારે સ્પુતનિક Vને ભારત સહિત 60થી વધુ દેશોની મંજૂરી મળી છે.આ પણ વાંચો - ટેક મહિન્દ્રાએ કોરોનાને ખતમ કરતી દવા શોધી! પેટન્ટ માટે આ કંપની સાથે મળીને કરી અરજી

રસી કેવી રીતે વિકસિત કરવામાં આવી?

કોવેક્સીનને પરંપરાગત રીતે ઇનએક્ટીવેટેડ પ્લેટફોર્મ પર વિકસિત કરવામાં આવી છે. આ રસીથી મૃત વાયરસ શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. જે એન્ટિબોડીને બુસ્ટ આપે છે. શરીર વાયરસને ઓળખી તેનો પ્રતિકાર કરવા માટે એન્ટિબોડીઝ બનાવે છે.

જ્યારે કોવિશિલ્ડ એક વાઇરલ વેકટર રસી છે. ચિમ્પાન્જીમાં મળી આવેલા એડેનોવાયરસ ChAD0x1નો ઉપયોગ કરીને આ રસી વિકસાવવામાં આવી છે. તેની સહાયથી કોરોના વાયરસ જેવો દેખાતું સ્પાઇક પ્રોટીન વિકસિત થાય છે. જ્યારે તે શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. ત્યારે આ રક્ષણને ઉત્તેજીત કરે છે.

સ્પુટનિક V પણ એક વાયરલ વેક્ટર રસી છે. તે એકને બદલે બે વાયરસથી વિકસિત થાય છે. આમાં બંને ડોઝ અલગ છે જ્યારે કોવેક્સીન અને કોવિશિલ્ડમાં બંને ડોઝ એકસરખા છે.

કેટલા ગેપ પછી કેટલા ડોઝ લેવા?

આ ત્રણેય રસી બે ડોઝની છે. બે ડોઝ જરૂરી છે. આ રસીને ખભામાં આપવામાં આવે છે. કોવેક્સીનના બે ડોઝ 4 થી 6 અઠવાડિયાના અંતરમાં લેવા પડશે. કોવિશિલ્ડના બે ડોઝ 6 થી 8 અઠવાડિયાના અંતરમાં જ્યારે સ્પુતનિક V રસીના બે ડોઝ વચ્ચે 3 અઠવાડિયાનું અંતર જાળવવું પડે છે.

ભારતમાં કોવિશિલ્ડ માટે શરૂઆતમાં 4 થી 6 અઠવાડિયાનું અંતર રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ કોવિશિલ્ડ બે ડોઝમાં વધુ ગેપ સાથે વધુ અસરકારક હોવાનું પ્રયોગમાં જાણવા મળ્યું હતું. આ ત્રણેય રસી ભારતીયોના પરિપ્રેક્ષ્યમાં અસરકારક છે. તેને 2 થી 8 ડિગ્રી સેલ્સિયસમાં સંગ્રહિત કરી શકાય છે. જેની સરખામણીમાં અમેરિકા સહિતના ઘણા દેશોમાં ફાઇઝર અને મોડર્નાને સંગ્રહ માટે -70 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર રહે છે.

આ રસીઓ કેટલી અસરકારક છે?

આ ત્રણેય રસી ખૂબ અસરકારક છે. તેઓ વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા નિર્ધારિત તમામ ધારાધોરણો પર ખરી ઉતરે છે. ક્લિનિકલ ટ્રાયલ્સનો ડેટા હજુ પણ આવી રહ્યો છે. આ રસીઓની અસરકારકતા ઉપર હજુ પણ સતત પરીક્ષણ અને અભ્યાસ કરવામાં આવી રહ્યા છે.

ગયા વર્ષે નવેમ્બરમાં કોવિશિલ્ડનું ટ્રાયલ બંધ થયું હતું. તેની અસરકારકતાનો દર 70% છે. ડોઝ વચ્ચેનું અંતર વધારવામાં આવે તો અસરકારકતા વધી શકે છે. કોવેક્સીનની ટ્રાયલ ચાલુ વર્ષે જ થઈ હતી. બીજા ટ્રાયલના પરિણામ એપ્રિલમાં આવ્યા હતા. જેમાં આ રસી 78% અસરકારક છે તેવુ જાણવા મળ્યું હતું. આ રસી ગંભીર લક્ષણો અને જીવન જોખમને રોકવામાં 100% અસરકારક છે.

આ પણ વાંચો - કોવિડ-19 નેગેટિવ આવ્યા બાદ કોરોનાના લક્ષણો જોવા મળે તો શું કરવું?

સ્પુતનિક V આ મામલે ભારતની સૌથી અસરકારક રસી છે. 90 ટકા અસરકારકતા ધરાવતી મોડર્ના અને ફાઇઝરની એમઆરએનએ રસી પછી, સ્પુતનિક V સૌથી અસરકારક રસી છે. જેની અસરકારકતા દર 91.6% કરતા વધારે છે.

આ રસીઓની કિંમત અને ઉપલબ્ધતાનું શું?

કોવેક્સીન અને કોવિશિલ્ડ ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે. રાજ્ય સરકારો બજારમાંથી ખરીદી અને તેનો ઉપયોગ કરી શકે છે. ટૂંક સમયમાં જ સ્પુતનિક વી પણ બજારમાં ઉપલબ્ધ થશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા રસી સરકારી સંસ્થાઓને ડોઝ દીઠ રૂ. 300 પર વેચવાનું નક્કી કર્યું છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં ડોઝ દીઠ રૂ. 600 લેવામાં આવશે. બીજી તરફ કોવેક્સીન થોડી મોંઘી છે. આ રસી રાજ્યોને રૂ. 400 અને ખાનગી હોસ્પિટલોમાં રૂ. 1200માં વેચવામાં આવશે.

સ્પુતનિક V વિકસિત કરનાર આરડીઆઈએફના વડા દિમિત્રેવના જણાવ્યા મુજબ, આ રસીનો ખર્ચ 10 ડોલર (રૂ 700) થશે. અત્યારે સંસ્થાએ ભાવ જાહેર કર્યો નથી. જોકે, આ રસીઓ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તે રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓ પર આધારિત છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આ રસીના ડોઝ આપવામાં આવશે. 24 રાજ્યમાં સરકાર આ રસી વિનામૂલ્યે આપશે.

નવા સ્ટ્રેઇન સામે આ રસી કેટલી અસરકારક છે?

વિશ્વના ઘણા દેશોમાં ન્યુ મ્યુટેન્ટ વાયરસ સ્ટ્રેઇન છે. યુકેમાં કેન્ટ સ્ટ્રેન્સ છે. ભારતમાં ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેઇન ફરી વળ્યો છે. આ સ્ટ્રેઇન બ્રાઝિલિયન અને દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેનન બાદ અસ્તિત્વમાં આવ્યું છે. કેટલાક દેશોમાં પણ ટ્રિપલ મ્યુટન્ટ વાયરસ હોવાનું પણ ખુલ્યું છે. આ મ્યુટન્ટ્સે સંશોધકો માટે માથાનો દુ:ખાવો બન્યો છે. કોવેક્સીન બધા પ્રકારો સામે લડવામાં સક્ષમ હોવાનું જાણવા મળે છે. કોવિશિલ્ડ અને સ્પુટનિક V મામલે કોઈ પણ અભ્યાસમાં આવો કોઈ દાવો કરવામાં આવ્યો નથી. પરંતુ તેમ છતાં સંશોધકો ઉપલબ્ધ રસીનો ડોઝ લેવો જ જોઇએ તેવી સલાહ આપે છે. રસીકરણથી નવા મ્યુટન્ટ સ્ટ્રેન્સને ફેલાતા અટકાવી શકીશું.

આ રસીઓની આડઅસરો શું છે?

ત્રણેય રસીઓમાં સમાન પ્રકારની આડઅસર જોવા મળે છે. રસી લીધા બાદ સ્નાયુમાં પીડા થાય છે. હળવો તાવ, શરદી અને શરીરમાં દુ:ખાવો સામાન્ય છે. આનાથી વ્યક્તિ ડરવાની જરૂર નથી. તબીબની સલાહ લો અને દવા લો.

કોને, ક્યારે રસી ના લેવી?

કોઈપણ વ્યક્તિને ખાદ્ય ચીજો માટે અથવા દવાઓનો એલર્જી હોય તો ચિકિત્સકોની સલાહ લેવી જોઈએ. પ્રથમ ડોઝ લીધા બાદ તકલીફ પડે તો બીજો ડોઝ લેતા પહેલા રાહ જુઓ. તબીબની સલાહ લો.

જે લોકોએ મોનોક્લોનલ એન્ટિબોડી મેળવ્યું હોય અથવા પ્લાઝમ થેરેપી મેળવી હોય તેઓને પણ રસી લેવી નહીં. જે લોકોના શરીરમાં પ્લેટલેટ ઓછા હોય અથવા સ્ટીરોઇડ સારવાર લીધી હોય તેઓને પણ ડોઝ લીધા પછી નિરીક્ષણ હેઠળ રહેવા કહેવામાં આવે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ, સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને રસીકરણથી દૂર રહેવાની સલાહ આપવમાં આવે છે. કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું હોય અથવા હજુ સંપૂર્ણ સ્વસ્થ થયા ન હોય ત્યારે રસી મુકાવતા પહેલા રાહ જોવી જોઈએ.

રસી કેટલા દિવસો સુધી અસરકારક?

આ મામલે હજુ વધુ જાણવા મળ્યું નથી. કોરોના મહામારી ઝડપથી ફેલાઈ ચૂકી હોવાથી રસી ઉતાવળે બનાવવામાં આવી છે. ટ્રાયલ પૂરતા થયા નથી. માટે કેટલી અસરકારક છે તે કહેવું મુશ્કેલ છે. અલબત વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, શરીરમાં નવથી બાર મહિના સુધી એન્ટીબોડી રહે છે. અલબત્ત ફાઈઝર રસીના સંબંધમાં તાજેતરમાં જ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે, ત્રીજા ડોઝની જરૂરિયાત એક વર્ષમાં પડશે.
First published: May 3, 2021, 4:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading