રાજકોટ : 15 લાખમાં રેલવેમાં નોકરી આપી, ઓર્ડર, પગાર સ્લીપ, પગાર પણ આપ્યો, પછી રહી ગયા દંગ


Updated: March 24, 2021, 3:57 PM IST
રાજકોટ : 15 લાખમાં રેલવેમાં નોકરી આપી, ઓર્ડર, પગાર સ્લીપ, પગાર પણ આપ્યો, પછી રહી ગયા દંગ
ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી છે

અલગ-અલગ રાજ્યોમાંથી આવેલ 30 છોકરાઓને લખનૌમાં રેલવે સ્ટેશન પાસે ટ્રેનિંગ સેન્ટરમાં ત્રણ મહિનાની તાલીમ પણ આપવામાં આવી રહી છે

  • Share this:
રાજકોટ : રેલવેમાં કલાર્કની નોકરીના નામે રાજકોટ, ભાયાવદર, મુળીના 6 યુવાનો સાથે 68,05,000 રૂપિયાની ઠગાઇ થતાં મામલો ડીસીબી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. લીમડા ચોકમાં ઓફિસ ધરાવતાં શૈલેષ ઉર્ફે સેટિંગ, અમદાવાદના કલ્પેશ શેઠ અને રાજપીપળાના ઇકબાલ ઉર્ફે મુના ખત્રીની ત્રિપુટીએ નોકરી વાંચ્છુઓને 'જાળ' માં ફસાવી રૂપિયા ખંખેરી રાજકોટથી દિલ્હી અને દિલ્હીથી બાય એર લખનૌ લઇ જઇ ત્યાંના રેલ્વે સ્ટેશન નજીક રેલવે કલાર્કની તાલીમ માટેના કેન્દ્રમાં જોડી દેવાયા છે. તેમને બોગસ ઓર્ડર આપી તેમજ પગાર અને પગાર સ્લીપ પણ આપી ઠગાઇ કર્યાનું અને રાજકોટ સહિતના 6 ઉપરાંત બીજા રાજ્યોના 30 જેટલા નોકરીવાંચ્છુઓને આ રીતે છેતર્યાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે.

ડીસીબી પોલીસે આ બનાવમાં જામનગર રોડ પર રહેતાં ઘનશ્યામ સિંહ કિરીટ સિંહ ચુડાસમાની ફરિયાદ પરથી જામનગરના ફલ્લા ગામના શૈલેષ ઉર્ફે સેટિંગ દલસાણીયા, અમદાવાદના કલ્પેશ પ્રભુદાસ શેઠ અને નર્મદા જીલ્લાના રાજપીપળાના ઇકબાલ ઉર્ફે મુના ખત્રી સામે બેકાર યુવાનો તથા તેમના સગા સંબંધીઓનો સંપર્ક કરી રેલવેમાં 15 લાખ રૂપિયામાં નોકરી અપાવી દેશે તેવી લાલચ આપી ડોકયુમેન્ટ સબમીટ કરવાના નામે 26-26 હજાર મેળવી નોકરીવાંચ્છુઓને દિલ્હી ખાતે લઇ જઇ લેખિત કે મૌખિક કોઇપણ પ્રકારની પરીક્ષા લીધા વગર રેલવેની નોકરીના બોગસ ઓર્ડર આપી લખનૌ તાલિમ માટે મોકલી દેવાનો અને આ રીતે ફરિયાદીના પુત્ર તથા સગા સંબંધીઓ મળી 6 યુવાનોને નોકરી અપાવી દેવાના બહાને તેની સાથે 68,05,000 રૂપિયાની ઠગાઇ કર્યાનો ગુનો નોંધ્યો છે.

ઘનશ્યામ સિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં બે પુત્ર છે. જેમાં મોટો જયવિર સિંહ હાલ લખનૌ રેલવે કલાર્કની નોકરીમાં તાલિમમાં છે. તેની ઉમર 19 વર્ષની છે અને તેણે આઇટીઆઇમાં ઇલેકટ્રીશિયન તરીકે બીજા વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. હું પોતે જેટકોમાં દફતરી તરીકે નોકરી કરુ છું. બે મહિના પહેલા અમારી શેરીમાં રહેતાં વલ્લભભાઇ પટેલ મારફત શૈલેષ દલસાણીયા કે જેની ઓફિસ લીમડા ચોક આલાપ-બી પાંચમા માળે 506 માં છે. તેણે જણાવેલ કે રેલવેમાં કલાર્કની નોકરીમાં 12 પાસ કે ગ્રેજ્યુએટ ભણેલા છોકરાઓની ભરતી છે. જેમાં આપણું સેટિંગ છે. પરંતુ રૂપિયા 15 લાખ ભરીએ તો નોકરીનું સેટિંગ થઇ જાય. તેમજ ડોકયુમેન્ટની પીડીએફ ફાઇલ બનાવી સબમીટ કરવાનો ચાર્જ 26 હજાર રૂપિયા અલગથી ભરવો પડે. કોઇને નોકરીની જરૂર હોય તો કહેજો, નોકરી મળી જાય પછી ગુજરાતમાં બદલી કરાવી આપવાની જવાબદારી પણ મારી રહેશે.

આ પણ વાંચો - બંગાળ ચૂંટણી : મંચ પર નરેન્દ્ર મોદીને પગે લાગવા કાર્યકર્તા આગળ આવ્યો, તો પીએમ તેના પગે પડી ગયા

જેમાં ઓર્ડર મળ્યે અડધા અને બાકીના અડધા રૂપિયા ટ્રેનિંગ ચાલુ થાય ત્યારે આપવાના હોય છે. મારે મારા ભાણેજ ભલગામડાના મિતરાજસિંહ મયુરધ્વજસિંહ રાણાને નોકરીએ લગાડવાનો હોઇ મારા બનેવીના મોટાભાઇને ફોનથી વાત કરી હતી. બીજા દિવસે મિતરાજ સિંહને અમદાવાદ મોકલેલ. જ્યાં શૈલેષ ઉર્ફ સેટિંગે કલ્પેશ શેઠનો કોન્ટેકટ કરાવ્યો હતો. ત્યાંથી મારો ભાણેજ મિતરાજ સિંહ અને કલ્પેશ બસ મારફત દિલ્હી ગયા હતાં. જ્યાં મિતરાજ સિંહને પીડીએફમાં જોઇનિંગ ઓર્ડર અપાયો હતો અને દિલ્હીમાં રેલવે હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. પરંતુ માત્ર લોહીના સેમ્પલ જ લીધા હતાં. સર્ટિફીકેટ આવી જતાં દિલ્હીથી લખનૌ પ્લેનમાં કલ્પેશ અને મિતરાજસિંહ ગયા હતા. જ્યાં રેલવે સ્ટેશનની બાજુમાં જ આવેલા ટ્રેનિંગ સેન્ટરમાં મિતરાજ સિંહને લઇ જવાયેલ અને ટ્રેનિંગ ચાલુ થઇ ગઇ હતી. એ પછી શૈલેષને 26 હજાર રોકડા આપ્યા હતાં. તેમજ ફલાઇટ બસની ટિકીટના 9000 રૂપિયા આપ્યા હતાં. ત્યારબાદ મયુરધ્વજ સિંહના ભાઇજી ઇન્દ્રજીત સિંહે 15 લાખ રૂપિયા કટકે કટકે આંગડીયા મારફત શૈલેષને આપ્યા હતાં. શૈલેષે એ રૂપિયા કલ્પેશને મોકલ્યા હતાં. મિતરાજ સિંહને 55 થી 66 દિવસ નોકરીના થયા છે અને તેને કલાર્કની નોકરી મળી ગઇ છે, 15 દિવસે 16543 રૂપિયા પગાર તેના બેંક ખાતામાં જમા થયેલ છે અને પગાર સ્લીપ પણ મળી છે. તેમજ કલ્પેશે જણાવેલ કે હજુ ત્રણ મહિનાની ટ્રેનિંગ છે. કલ્પેશ ઓએનજીસી, પોસ્ટ વિભાગ અને ફૂડ ઇન્સ્પેકટર તરીકે નોકરી પણ અપાવતો હોવાની વાત કરી હતી.

ઘનશ્યામ સિંહે આગળ જણાવ્યું છે કે મારા ભાણેજ મિતરાજ સિંહની નોકરી થઇ ગયા બાદ મેં મારા બહેન યોગીતા બાના જમાઇ હરપાલ સિંહ ભરતસિંહ ચુડાસમા, રૂષી ભટ્ટ, ભાગ્યરાજ સિંહ ઝાલા, યશપાલ સિંહ ઝાલા આ બધાનું તથા મારા પુત્ર જયવિર સિંહનું નોકરીનું સેટિંગ કરી આપવા કહેતાં તેણે દરેકના 15-15 લાખ રૂપિયા નક્કી કર્યા હતાં. એ પછી મેં હરપાલ સિંહના 12 લાખ આગડીયાથી મંગાવી પડોશી વલ્લભભાઇ મારફત શૈલેષને આપ્યા હતાં. રૂષી ભટ્ટે 4 લાખ આપ્યા હતાં. પણ શૈલેષે આ રકમ ઉપર નહીં મોકલતાં હરપાલ સિંહ અને રૂષીને ઓર્ડર પીડીએફથી મળ્યો હતો. ફિઝીકલ ઓર્ડર ન મળતાં કલ્પેશે કહેલુ કે મને સીધા રૂપિયા મોકલો. એ પછી તેણે બેંક ખાતા નંબર આપતાં આરટીજીએસથી રૂપિયા મોકલ્યા હતાં. ભાગ્યરાજ સિંહ, યશપાલ સિંહ 25.70 લાખ, રૂષીએ બાકીના રૂપિયા કલ્પેશને ચાંદની ચોક દિલ્હીના આંગડીયા મારફત મોકલ્યા હતાં. રૂષીએ 12 લાખ તથા પીડીએફ ડોકયુમેન્ટના અને પ્લેનની ટીકીટના રૂપિયા મોકલ્યા હતાં. તેમજ મારા દિકરાના બે લાખ આરટીજીએસની કલ્પેશને મોકલ્યા હતાં.

શૈલેષ સાથે રૂપિયાની માથાકુટ થતાં કલ્પેશે ડાયરેકટ રૂપિયા પોતાને મોકલવા કહ્યું હતું. તેમજ પોતે 15ને બદલે 12 લાખમાં સેટિંગ કરાવી આપશે અને શૈલેષનું કમિશન કપાઇ જશે તેવી વાત કરી હતી. અમે શૈલેષને 32,35,000 રૂપિયા તથા કલ્પેશને 35,70,000 મળી કુલ 68,05,000 રૂપિયા ચૂકવ્યા છે. આ છોકરાઓ ઉપરાંત નિરવ નામનો છોકરો પણ શૈલેષ મારફત નોકરીએ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. અમારા સિવાયના બીજા 30 છોકરાઓ અલગ-અલગ રાજ્યોમાંથી તાલિમમાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ છોકરાઓ લખનૌમાં રેલ્વે સ્ટેશન પાસે ટ્રેનિંગ સેન્ટરમાં ત્રણ મહિનાની તાલિમમાં છે. જેઓ સવારે 7 થી 11.30 સુધી તાલિમ લઇ રહ્યા છે. રેલવેના ચાર ઝોનના કોડની તાલિમ અપાઇ રહી છે. આ છોકરાઓ ટ્રેનિંગ સેન્ટર નજીક રૂમ ભાડે રાખીને રહે છે. મારા દિકરા જયવિર સિંહનો મને ફોન આવ્યો હતો કે રૂપિયા જમા થયા નથી જેથી તેને તાલિમમાં આવવાનું નથી. પણ જો નોકરી સરકારી હોય તો કોઇને આવી રીતે કાઢી ન શકે. જેથી આ બધુ ખોટુ હોય તેવું લાગે છે. અમને જાણવા મળ્યું છે કે રાજપીપળાના ઇકબાલ ઉર્ફ મુના ખત્રી અને શૈલેષ ઉર્ફ સેટિંગ તથા કલ્પેશ શેઠે મળી આ કૌભાંડ આચર્યુ છે. આમ આ ત્રિપુટીએ રેલ્વેના નામે ખોટી ભરતીઓ કરી, ખોટા નોકરીના ઓર્ડર આપી તેમજ ખોટી પગાર સ્લીપો આપી બોગસ ડોકયુમેન્ટ ઉભા કરી છેતરપિંડી કર્યાનું સામે આવતાં અમે ફરિયાદ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી છે.
Published by: Ashish Goyal
First published: March 24, 2021, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading