અમદાવાદ : રવિવારે યોજાયેલી 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ અંદાજે 60 ટકા જેટલું મતદાન નોંધાયું છે. રાજ્યના 31 જિલ્લા પંચાયતમાં 62.55 ટકા, તાલુકા પંચાયતમાં 63.52 ટકા અને નગરપાલિકામાં 55.10 ટકા જેટલું મતદાન નોંધાયું છે. રાજ્યમાં 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહીત કુલ 8,474 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીનું પરિણામ 2જી માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.
2015માં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતમાં 69.55%, તાલુકા પંચાયતમાં 69.28% અને નગરપાલિકામાં 62.77% મતદાન થયું હતું. આમ 2015 કરતા આ વર્ષે મતદાનમાં ઘટાડો થયો છે. મતદાનમાં થયેલો ઘટાડો કોને લાભ કરશે તે તો બે દિવસ પછી 2 માર્ચે થનાર મત ગણતરીમાં ખબર પડશે.
2015માં થયેલી ચૂંટણીની વાત કરવામાં આવે તો પાટીદાર આંદોલન વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોમાંથી 23થી વધુ જિલ્લા પંચાયતો કોંગ્રેસના ફાળે ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.
સ્થાનિક સ્વરાજની નગર પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની રવિવારે યોજાયેલી ચૂંટણી દરમિયાન એક બે ઘટનાને બાદ કરતા શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું હતું.