પાવર કૉરિડોર: પંકજકુમાર, રાજીવ ગુપ્તા સહિત 17 IAS આ વર્ષે નિવૃત્ત થશે


Updated: January 17, 2022, 3:51 PM IST
પાવર કૉરિડોર: પંકજકુમાર, રાજીવ ગુપ્તા સહિત 17 IAS આ વર્ષે નિવૃત્ત થશે
હવે ગુજરાત વહીવટી સેવામાંથી આઇએએસ તરીકે નોમિનેટ થયેલા અધિકારીઓની સંખ્યા વધતી જાય છે.

Power Corridor: સચિવાલયમાં થતી ચર્ચા પ્રમાણે કુલદીપ આર્યએ ગયા ડિસેમ્બર મહિનામાં દિલ્હીની મુલાકાત કરી હતી અને તેમાં એવું ચર્ચાઇ રહ્યું છે કે, તેમણે દિલ્હી જવાની વિનંતી કરી છે.

  • Share this:
ગાંધીનગર : ગુજરાતના (Gujarat) વહીવટી તંત્રમાં ફરજ બજાવતા ગુજરાત કેડરના સિનિયર અધિકારીઓની વયનિવૃત્તિ નજીક આવી રહી છે. વિધાનસભાની ચૂંટણીના વર્ષ 2022માં સરકારમાંથી 17 આઇએએસ (IAS) અધિકારીઓ નિવૃત્ત થઇ રહ્યાં છે. પરંતુ આશ્ચર્યની બાબત એવી છે કે, હવે ગુજરાત વહીવટી સેવામાંથી આઇએએસ તરીકે નોમિનેટ થયેલા અધિકારીઓની સંખ્યા વધતી જાય છે.

ગુજરાતમાં નવા વર્ષે નિવૃત્ત થનારા ટોચના અધિકારીઓમાં 1986ની બેચના ચીફ સેક્રેટરી પંકજકુમાર,  ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા અને ડેપ્યુટેશન પર દિલ્હીમાં ફરજ બજાવી રહેલા 1988 બેચના અનિતા કરવાલ (નવેમ્બર) નો સમાવેશ થાય છે. 1986ની બેચના ગુજરાત કેડરના અન્ય એક અધિકારી વિપુલ મિત્રા, કે જેઓ જુલાઇ 2023માં વયનિવૃત્ત થઇ રહ્યાં છે.
ગુજરાત કેડરના એ.કે. શર્મા કે જેમણે, લાંબા સમય સુધી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાથે કામ કર્યું છે તેઓ હકીકતમાં જુલાઇ 2022માં વયનિવૃત્ત થવાના હતા પરંતુ તે પહેલાં તેમણે વીઆરએસ લઇ રાજકારણમાં ઝંપલાવ્યું છે. તેઓ અત્યારે ઉત્તરપ્રદેશમાં ભાજપના સંગઠનમાં કામ કરી રહ્યાં છે.

બીજી તરફ ગુજરાત કેડરના 1987 બેચના અધિકારી એલ ચુઆંગો, માર્ચ 2022માં નિવૃત્ત થવાના છે તેમને મિઝોરમમાં મોકલી દેવામાં આવ્યા છે. હાલ તેઓ તેમના હોમટાઉનમાં સુપ્રીમ પોસ્ટ પર ફરજ બજાવી રહ્યાં છે.

સચિવાલયના સૂત્રો જણાવે છે કે, પંકજકુમાર મે 2022માં નિવૃત્ત થયા પછી હાલ રાજ્યના ગૃહ વિભાગમાં અધિક મુખ્યસચિવ તરીકે ફરજ બજાવી રહેલા 1987ની બેચના રાજકુમાર જૂન 2022માં રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત થશે. તેઓ જાન્યુઆરી 2025માં નિવૃત્ત થવાના હોવાથી તેમની પાસે ચીફ સેક્રેટરી તરીકેનો કાર્યકાળ 32 મહિના છે, એટલે કે, તેઓ પોણા ત્રણ વર્ષ સુધી આ પદ પર રહી શકશે. અન્ય ઓફિસરો કે જેઓ, 2022મા નિવૃત્ત થઇ રહ્યાં છે તેમાં એમ.એન. ગઢવી (ફેબ્રુઆરી), ડી.જી. પટેલ અને એમ.ડી. મોડિયા (એપ્રિલ), એચ.સી. મોદી (જૂન), એસ.એ. પટેલ, શરીફ હુડા (જુલાઇ), વી.કે. અડવાણી (સપ્ટેમ્બર), નલિન ઉપાધ્યાય, એચ.કે. પટેલ અને એન.એ. નિનામા (ઓક્ટોબર), મનોજ દક્ષિણી (નવેમ્બર) તેમજ જે.બી. પટેલ અને જી.સી. પરમાર (ડિસેમ્બર) નો સમાવેશ થાય છે.

કુલદીપ આર્ય અને નીલમરાણી દિલ્હી જવાની તૈયારીમાંગુજરાત સરકારના બે અધિકારી દિલ્હી જવાની તૈયારી કરી રહ્યાં છે. આઇએફએસ ઓફિસર એવા નિલમ રાણી છેલ્લા પાંચ વર્ષથી કેન્દ્રના ડેપ્યુટેશન પર ગુજરાતમાં ફરજ બજાવી રહ્યાં છે. હાલ તેઓ ઇન્ડેક્ષ્ટબીના મેનેજીંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે અને તેમના પતિ તેમજ આઇએએસ અધિકારી કુલદીપ આર્ય ગાંધીનગર કલેક્ટર તરીકે ફરજમાં છે.

વાયબ્રન્ટ સમિટ પછી નિલમ રાણીનું દિલ્હી જવાનું નક્કી હતું જેથી ગમે તે સમયે તેઓ દિલ્હી જઇ શકે છે. જો તેઓ, દિલ્હી જાય તો તેમના પતિ કુલદીપ આર્યને પણ દિલ્હી જવાનું થઇ શકે છે. સચિવાલયમાં થતી ચર્ચા પ્રમાણે કુલદીપ આર્યએ ગયા ડિસેમ્બર મહિનામાં દિલ્હીની મુલાકાત કરી હતી અને તેમાં એવું ચર્ચાઇ રહ્યું છે કે, તેમણે દિલ્હી જવાની વિનંતી કરી છે. કેમ કે, નીલમ રાણી હવે ગુજરાતમાં વધુ સમય સુધી ફરજ બજાવી શકશે નહીં.

1997ની બેચના ચાર ઓફિસરો હજી પ્રમોશનથી વંચિત છે

ગુજરાત કેડરમાં ફરજ બજાવતા 2009ની બેચના 16 આઇએએસ અધિકારીઓને પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. પરંતુ 1997ની બેચના અધિકારી હજી પ્રમોશનથી વંચિત છે. હવે તેમને ટૂંકસમયમાં પ્રમોશન મળે તેવી સંભાવના છે. આ બેચના અધિકારીઓમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં સીએમઓમાં સેક્રેટરી તરીકે કામ કરતા અશ્વિનીકુમાર ઉપરાંત શાહમીના હુસેન, આરસી મીના અને મનીષ ભારદ્વાજનો સમાવેશ થાય છે. આ ઓફિસરોને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનું પ્રમોશન આપવાનું થાય છે.

આ પણ વાંચો - વિજય સુવાળાએ ભાજપનો ખેસ પહેર્યો, કહ્યું- 'હું તન, મન અને ધનથી લોકની સેવા કરીશ'

મોકુફ રહેલી વાયબ્રન્ટ સમિટ ગમે તે સમયે ફરી યોજાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરોના સંક્રમણના કારણે મોકુફ રાખેલી 10મી વાયબ્રન્ટ સમિટ ફરી ગમે તે સમયે યોજાય તેવી અટકળો સચિવાલયમાં વહેતી થઇ છે. જોકે, હવે વાયબ્રન્ટ સમિટ યોજવા માટે સરકારને વિધાનસભાના બજેટ સત્ર પછીના સમય પર નજર દોડાવવી પડે તેમ છે, કેમ કે કોરોના સંક્રમણ વધે નહીં તો આ સત્ર ફેબ્રુઆરીના મધ્યમાં શરૂ થશે અને માર્ચના અંતે પૂર્ણ થશે.
જો કોરોના સંક્રમણ યથાવત રહ્યું તો, બજેટ સત્રના દિવસો ઘટી શકે છે. આગામી માર્ચ પછી જો કોરોના સંક્રમણ નહિવત બની જશે તો એપ્રિલ કે મે મહિનામાં વાયબ્રન્ટ સમિટ યોજાઇ શકે છે.

ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે, મોકુફ રાખવામાં આવેલી વાયબ્રન્ટ સમિટ ફરી ક્યારે યોજાશે ત્યારે તેમણે પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ હળવું બનતાં સરકાર ગમે તે સમયે વાયબ્રન્ટ સમિટ યોજી શકે છે. જોકે, સરકાર ધીમે ધીમે ઉદ્યોગજૂથો સાથે એમઓયુ સાઇન કરી રહી છે. તાજેતરમાં સરકારના ઉદ્યોગ વિભાગ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે છ લાખ કરોડના પ્રોજેક્ટ્સ માટે એમઓયુ સાઇન કર્યા છે.

ચૂંટણી આવી છે, સરકાર કર્મચારીઓ પર મહેરબાન

ગુજરાત સરકારના કર્મચારીઓ મકાન ખરીદી શકે અથવા જૂના મકાનની મરામત કરાવી શકે તે માટે રાજ્યના નાણા વિભાગે લોનની રકમમાં વધારો કર્યો છે. આ લોન કર્મચારીને 7.09 ટકાના વ્યાજના દરે આપવામાં આવશે. સરકારી કર્મચારીના મકાન ખરીદવા માટે 25 લાખ રૂપિયા અને મકાન મરામત ખર્ચ લોન માટે રૂપિયા 10 લાખ જેટલી રકમ 7.09 ટકાના વ્યાજે ગુજરાત સરકારમાંથી મળવાપાત્ર રહેશે.

જુના નિયમો મુજબ અગાઉ નવા મકાન બાંધકામ માટે 15 લાખ રૂપિયાની રકમ મળતી હતી. જ્યારે મકાન મરામત પેટે બે લાખની મર્યાદામાં લોન આપવામાં આવતી હતી પરંતુ નાણાં વિભાગના નવા ઠરાવ મુજબ સરકારી કર્મચારીઓને નવા મકાન કે ફ્લેટના બાંધકામ પેટે સાતમા પગાર પંચના ધોરણો મુજબ 34 મહિનાના મૂળ પગાર અથવા મકાન ફ્લેટની અપેક્ષિત કિંમત અથવા તો 25 લાખ રૂપિયા આ ત્રણમાંથી જે રકમ ઓછી હશે તે મંજૂર થઈ શકશે. જ્યારે, મકાન મરામતની લોનમાં ખરેખર થનારો ખર્ચ અથવા રૂપિયા 10 લાખ આ બંનેમાંથી જે રકમ ઓછી હશે તેને પેશગી તરીકે મંજૂર કરવામાં આવશે. એટલું જ નહીં આ પેશગીનો લાભ કર્મચારીની સમગ્ર સેવા કાળ દરમિયાન ફક્ત એક જ વખત મળવા પાત્ર રહેશે જ્યારે મકાન મરામતના કિસ્સાઓમાં કોઈપણ કર્મચારીએ અગાઉ બાંધકામ પેશગીનો લાભ લીધો હશે અને તેની સંપૂર્ણ ભરપાઈ થઈ હશે તો તેવા કિસ્સાઓમાં પણ એક જ વખત પેશગી મળી શકશે.

આ પણ વાંચો - Power Corridor: અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચનાં એક ACP છે ચર્ચામાં

અદાલતના આદેશ પછી બીયુ પરમિશનની ચકાસણી

ગુજરાતમાં હાઇકોર્ટના કડક આદેશ પછી સરકારે શહેરોમાં આવેલી તમામ મિલકતોની બિલ્ડીંગ યુઝ (બીયુ) પરમિશન ચકાસવાનો આદેશ કર્યો છે. અત્યારે અમદાવાદ સહિત રાજ્યના આઠ શહેરોમાં બીયુ પરમિશન વિના ઇમારતોના થઇ રહેલા ઉપયોગથી ગેરકાયદે મકાનો તેમજ ફાયર સેફ્ટિના પ્રશ્નો સર્જાઇ રહ્યાં છે. અદાલતના આદેશ પછી સરકારના શહેરી વિકાસ વિભાગે તમામ ઇમારતોનું બીયુ પરમિશન ચકાસવાનું શરૂ કર્યું છે. વિભાગના વડા મુકેશકુમારે રાજ્યની મહાનગરપાલિકાઓને સૂચના આપી છે. પ્લાન પ્રમાણે બાંધકામ થયું છે કે નહીં તે જોવા પણ તાકીદ કરવામાં આવી છે.

પાવર કૉરિડોરની તમામ લિંક વાંચવા અહીં કરો ક્લિક

શહેરોમાં એવા અસંખ્ય મકાનો છે કે જે કમ્પલીશન સર્ટિફિકેટ કે બિલ્ડીંગના ઉપયોગની પરવાનગી લીધા વિના વેચાણ થયાં છે અને તેનો વપરાશ પણ શરૂ થયો છે. બિલ્ડરોના પાપે સામાન્ય જનતાને હવે દંડાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડે તેવું લાગી રહ્યું છે. મકાન અને મિલકતમાં બીયુ પરમિશન છે કે નહીં, તેની તપાસ શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર, સુરત, જૂનાગઢ,ગાંધીનગર અને ભાવનગરમાં સર્વે કરવામાં આવશે, ત્યારબાદ શહેરોના જે નવા વિસ્તારો ડેવલપ થયા છે તેવા શહેરી વિકાસ સત્તામંડળો તેમજ પાલિકા વિસ્તારમાં જ્યાં બીયુ પરમિશન આપવામાં આવતી હોય તેવા વિસ્તારોને આવરી લેવામાં આવશે.
Published by: Kaushal Pancholi
First published: January 17, 2022, 3:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading