ગાંધીનગર : સફેદ કપડામાં વરરાજા અને કન્યાએ કર્યા અનોખા લગ્ન, જાણો કેવી રીતે


Updated: November 7, 2021, 8:15 PM IST
ગાંધીનગર : સફેદ કપડામાં વરરાજા અને કન્યાએ કર્યા અનોખા લગ્ન, જાણો કેવી રીતે
ફક્ત સહી કરીને કાયદાકીય રીતે લગ્ન કર્યા

Gandhinagar news- એક રિક્ષા ડ્ર્રાઈવર પણ પોતાનાં ત્રણ સંતાનોને કેટલા સુશિક્ષિત કરી શકે છે તેનું આ ઉદાહરણ છે

  • Share this:
ગાંધીનગર : આજના સમયમાં લોકો ઠેર ઠેર એકબીજાના વાદ લેવાના રવાડે ચડ્યા છે. કોઈ ધામધૂમથી લગ્ન કરે છે તો કોઈ જન્મ દિવસના (Birthday)નામે ધમાલ મચાવે છે. આજની પેઢી પૈસાને પાણીને જેમ વાપરે છે. એક દીકરીને લગ્ન (Marriage)કરી વળાવવામાં એક બાપ પોતાની આખી જિંદગી એડીઓ રગડી રગડીને કથળી જાય છે અને વળાવ્યા પછી પણ આખી જિંદગી દેવા ભરતો થઈ જાય છે. ઘણા લોકોના મનમાં અમુક અંશે તો આ વિચારધારા નાબુદ કરીને આગળ વધવાની ઈચ્છા પણ હોય છે, પણ અમુક સામાજિક પરિસ્થિતિ, જૂનવાણી વિચાર-વ્યવહાર, લોકો શું કહેશે, આવું કરીશું તો કેવું લાગશે? મિત્રો-બહેનપણીઓ શું વિચારશે? પરિવાર સાથ આપશે કે નહીં? જીવનસાથી મારા જેવી વિચારધારાવાળી મળશે કે નહીં? સમાજમાં રહેવા દેશે કે નાત બહાર કરશે? - આવા બધા પ્રશ્ન મનમાં ઊભા થતા હોય છે. જોકે માણસાના (Mansa)એક રિક્ષા ડ્રાઈવરના (Rickshaw driver)એમ.એસસી. થયેલ દીકરા કુણાલ પરમારે આ બધાની પરવા કર્યા વગર અનોખી રીતે લગ્ન કર્યા છે.

કુણાલ પરમારે કહ્યું કે મને આ બધા પ્રશ્ન ઊભા થવા માટેનો કોઈ રસ્તો જ ન હતો મળ્યો. મને મારા પરિવાર, મારા ગામના લોકોનો સહકાર તથા હું જે વિચારધારામાં માનું છું એ વિચારધારા બતાવવાવાળા વિજયભાઈ (કાકા)ના આશીર્વાદથી આ કામગીરીમાં સફળ રહ્યો છું. મેં અને મારી પત્ની બન્નેએ સફેદ કપડાં પહેરીને, શ્રુંગાર વિના, ઘરમાં ગણેશ સ્થાપન કે મૂર્તિપૂજા વગર ફક્ત ને ફક્ત સહી કરીને કાયદાકીય રીતે લગ્ન કરેલ છે. ફોટોમાં ફૂલહાર પણ એક ફોર્માલિટી સમજવી કારણ કે કાયદાકીય રીતે ભરેલા ફોર્મમાં ફોટો મુકવો જરુરી હોઈ ફૂલહાર કરેલ છે(ફૂલહાર પણ એક પ્રકારની બિનજરુરી અને દેખાદેખીથી થતી પ્રક્રિયા જ છે) હા,અમે એકબીજાને સમાજની રીતે જોવા ગયેલા પરંતુ મેં સગાઈ કે રિંગ સેરેમની જેવી બિનજરુરી પદ્ધતિમાં પણ ભાગ લીધેલ નથી. સુખી લગ્ન જીવન કોઈ વિધિ કે શાસ્ત્ર નક્કી નથી કરતાં. સુખી લગ્ન જીવન માટે અતૂટ વિશ્વાસ અને એકબીજા પ્રત્યે પ્રેમ અને નિષ્ઠા જરુરી છે.

આ પણ વાંચો - અલ્પેશ ઠાકોરનો હૂંકાર- જે લોકો મને એકલો સમજે છે એ લોકોને જવાબ આપવા નીકળ્યો છું

કુણાલના પિતા કિરીટભાઈ મંગળદાસ પરમાર ધો.11 (જૂની એસ.એસ.સી).પાસ છે અને રિક્ષા ચલાવીને નિર્વાહ કરે છે. તેમનાં માતા કોકિલાબેન આંગણવાડી તેડાગર છે. મા-બાપે સંઘર્ષ કરીને ત્રણ સંતાનોને ભણાવ્યાં છે. આ રીતે લગ્ન કરનાર કુણાલે શેઠ એલ.એચ.સાયન્સ કોલેજમાંથી કેમિસ્ટ્રી (રસાયણશાસ્ત્ર) સાથે બી.એસસી. બીજા વર્ગમાં પાસ કરી ગણપત યુનિવર્સિટી, ખેરવામાંથી ઑર્ગેનિક કેમિસ્ટ્રી સાથે એમ.એસસી. કરેલ છે. હાલ તેઓ ગાંધીનગર ખાતે નોકરી કરે છે. તેમનો હાલનો પગાર 20,000 રુપિયા છે. તેમનાં મોટાં બહેન કૃપલ કે.પરમાર બી.એસસી. નર્સિંગ છે અને હાલ સરકારી હોસ્પિટલ,અમદાવાદ ખાતે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. તેમના નાના ભાઈ કમલ કે.પરમારે બી.એસસી.,બાપુ કૉલેજ,ગાંધીનગર ખાતેથી 2021 માં પૂર્ણ કરેલ છે.

એક રિક્ષા ડ્ર્રાઈવર પણ પોતાનાં ત્રણ સંતાનોને કેટલા સુશિક્ષિત કરી શકે છે તેનું આ ઉદાહરણ છે. રિક્ષા ડ્ર્રાઈવરે પોતાનાં ત્રણેય સંતાનોનાં નામ રાશિ જોવડાવ્યા વિના રાખેલ છે અને દીકરાનાં લગ્ન પણ આવી અનોખી રીતે કરેલાં છે. રેશનાલિઝમ એ માત્ર બૌદ્ધિકોનો ઈજારો નથી. આવી રીતે લગ્ન કરાવવાનો વિચાર પણ એમનો જ હતો. તેઓ કોઈ ધર્મમાં માનતા નથી પણ સંત પરંપરામાં માને છે. તેમને આ પ્રકારના વિચારો/પ્રેરણા વિજયભાઈ પાસેથી મળેલાં. વિજયભાઈ કરસનભાઈ પરમાર ગામ નાની ખોડિયાર, ગીર,જૂનાગઢ ખાતે સત ગુરુ આશ્રય સ્થાન(દેલવાડ) ચલાવે છે. તેમણે ત્યાં દરેક જ્ઞાતિના લોકો માટે સંત પરંપરાની ગાદીની સ્થાપના કરેલી છે. તેઓ લોકોને માર્ગદર્શન આપે છે. અંધશ્રદ્ધા નિર્મૂલન તથા જાગૃતિ લાવવી એ એમનો ઉદ્દેશ છે.

23 ઓગસ્ટ 2021ના રોજ માત્ર પોતાના કુટંબ અને સાસરીના કુટુંબને જમાડીને આવી અનોખી રીતે. સાદગીથી. ઓછા ખર્ચે લગ્ન કરનાર કુણાલનાં પત્ની હેમાંગિનીબેન પરમાર બેચલર ઑફ રુરલ સ્ટડીઝ (બીઆરએસ) નારદીપુર મહિલા ગ્રામ વિદ્યાપીઠમાંથી 86 ટકા પ્રાપ્ત કર્યા છે. તે હાલ ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.એસ.ડબલ્યૂ (માસ્ટર ઑફ સોશિયલ વર્ક્સ) ના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ ચાલુ છે. તેમના પિતા મુકેશભાઇ પણ રિક્ષા ડ્ર્રાઈવર છે અને ધો.12 સુધી ભણેલા છે.
Published by: Ashish Goyal
First published: November 7, 2021, 8:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading