સુરત : કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી હરિયાણા બોર્ડર પર ખેડૂતોના આંદોલનને સુરતના ખેડૂત સમાજ દ્વારા સમર્થન જાહેર કર્યું છે. કલેકટરને આવેદન પત્ર પાઠવી આ કાયદો પરત લેવા ભારતનું બંધારણ સાથે રાખીને રજૂઆત કરી છે. ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે આ કાયદાથી ખેડૂતને કોઈ ફાયદો ન થવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ ચીમકી આપી છે કે કા આ કાયદો રદ થશે કા તો તેઓની લાશ જશે.
કેન્દ્ર સરકાર દ્વારા કૃષિક્ષેત્રે ત્રણ કાયદા પસાર કરવામાં આવ્યા છે. નવા કાયદો પસાર થતાંની સાથે જ ખેડૂતોમાં વિરોધ વંટોળ ઉભો થયો છે. આ ત્રણ કાયદાના વિરોધમાં છેલ્લા આઠ દિવસથી પંજાબ અને હરિયાણામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતોને નેશનલ હાઇવે પણ બ્લોક કર્યા છે અને આ બિલ રદ કરવા માંગ કરી છે. આ બિલ રદ કરવાના સમર્થનમાં સુરતનો ખેડૂત સમાજ પણ સામેલ થયો છે અને તેમણે હરિયાણા અને પંજાબના ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે.
કૃષિ બિલના વિરોધમાં સુરતના ખેડૂત સમાજ દ્વારા સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને આ કાયદો પરત લેવા માંગ કરી હતી. ભારતનું બંધારણ સાથે રાખી ખેડૂતોએ કલેકટરને આનેદન પત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ કિસાન હિત કી બાત કરેગા વહી દેશ પર રાજ કરેગા તથા હમ સે જો ટકરાયેગાં ભૂખ સે મર જાયેગા એવા નારા લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂત સમાજના આગેવાન જયેશ પટેલ સહિતના અગ્રણી ખેડૂતોએ કહ્યું કે આ કાયદાઓથી દેશને મોટું નૂકસાન થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિને લેખિતમાં અરજી કરી કાળા કાયદા રદ કરવા વિનંતી કરીશું.
ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે કૃષિ વિરોધી કાયદાને લઈને જે આંદોલન થઇ રહ્યા છે તેમાં ગુજરાતનો ખેડૂત પણ જોડાયો છે. આ કાયદાઓ રદ કરવા માટે અમે સમગ્ર ગુજરાતના તાલુકા અને જીલ્લા મથકેથી મહા મહીમ રાષ્ટ્રપતિને આવેદન આપ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ કાયદાથી ખેડૂતોનું ખુબ મોટું શોષણ થવાનું છે. આ કાયદાઓ માત્ર મોટા કોર્પોરેટ હાઉસ અને વિદેશી કંપનીઓને લાભ કરાવવા માટે જ બનાવવામાં આવ્યા છે. આ કાયદાથી ખેડૂતોને કોઈ ફાયદો થશે નહીં.