અમદાવાદ: શહેરમાં (Ahmedabad) નાની નાની બાબતો મોટી ઘટનાને અંજામ આપી દેતી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના શહેરના માધુપુરા વિસ્તારમાં (Madhupura) બની છે. જ્યાં સામે જોવા બાબતે અને ગાળો બોલવા બાબતે બે યુવકો આમને સામને આવી ગયા હતા. આ બંને શખસોએ એકબીજા સાથે મારામારી કરી હતી. બાદમાં બંને એકબીજાના ઘરેથી એક બોટલમાં એસિડ લઈ (Acid Attack) આવ્યા હતા. બંનેએ એકબીજા પર એસિડ ફેકતા બંનેને ઈજાઓ પહોંચી અને બળતરા પણ થવા લાગ્યા હતા. એક યુવકના પુત્રને પણ બળતરા થવા લાગી હતી. ત્રણેય લોકોને સારવાર અર્થે ખસેડી પોલીસે બંનેની ક્રોસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
બોલાચાલી બાદ મારામારી થઇ
માધુપુરામાં રહેતો 29 વર્ષીય અક્ષય ચુનારા કાપડની દુકાનમાં નોકરી કરે છે. 23મીએ તે તેના ઘરની બહાર ઉભો હતો. ત્યારે સામે રહેતો રાકેશ દંતાણી ગાળો બોલતો હતો. તેને ગાળો બોલવાની ના પાડતા તેને બોલાચાલી કરી અને બાદમાં મારામારી કરી હતી. રાકેશ એટલો આવેશમાં આવી ગયો કે, તરત તેના ઘરે ગયો અને એક બોટલમાં એસિડ ભરીને લઈને આવ્યો હતો.
ત્યારે બીજી ફરિયાદ મુજબ અહીં રહેતા રાકેશે અક્ષય સામે ફરિયાદ નોંધાવી છે. તેણે આક્ષેપ કર્યો છે કે, તેના ઘર પાસે ઉભો હતો. ત્યારે અક્ષયે તું મારી સામે કેમ જોવે છે કહીને બબાલ કરી હતી. બાદમાં અક્ષયે મારામારી કરી હતી અને બાદમાં તે તેના ઘરે ગયો હતો. જ્યાંથી તે એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને આવ્યો હતો અને તે બોટલ પડતા જ રાકેશને અને તેના પાંચ વર્ષના બાળકને બળતરા અને ઈજાઓ પહોંચી હતી.
બંનેને સારવાર અર્થે ખસેડાતા માધુપુરા પોલીસને આ અંગે જાણ કરાઈ હતી. આ મામલે માધુપુરા પોલીસે પણ અક્ષય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.