અમદાવાદ: શહેરના બાપુનગરમાં મારામારીના કિસ્સાઓ વધી રહ્યા છે. ઘોડાની બગી ચલાવનાર યુવકને વરઘોડામાં નાચતી વખતે ઘોડી અડાવવા મુદ્દે બોલવાનું થયું હતું. જે અદાવત રાખી ચડ્ડો, લંગડો, ભપ્પુ અને રવિએ દોડાવીને માર માર્યો હતો. છુટ્ટી લોખંડની પાઇપ મારતા યુવક હોસ્પિટલ માં ઘુસી ગયો અને પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ચારેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બાપુનગરમાં આવેલી જજ સાહેબની ચાલીમાં રહેતા 22 વર્ષીય હિતેશ પટણી ઘોડા બગીની ગાડી ચલાવવાની નોકરી કરે છે. હિતેશભાઈ ગુરુવારે રાત્રે તેમના શેઠ વિજય સોલંકી, કલ્પેશ પટણી, સંજય સોલંકી, મિતેષ, મિતેષ દંતાની, કાલુ મારવાડી તથા ફેઝાન, રજત અને આકાશ સાથે હતા. તિરુપતિ એસ્ટેટ પાસે આવેલા મંદિર ખાતે તેઓ હાજર હતા ત્યારે હિતેશભાઈને કલ્પેશભાઈએ જણાવ્યું કે, ગઈકાલે તું તેમની સાથે વરઘોડામાં નાચતો હતો ત્યારે, ચડ્ડો તને જે ઘોડી અડાવતો હતો તે સમયે ચડ્ડા સાથે જે બોલાચાલી થઈ તે બાબતે કઈ બોલીશ નહિ અને સમાધાન કરી લે. જેથી હિતેશભાઈએ સમાધાન કરવા હા પાડી હતી.
બાદમાં કાલુભાઈ ત્યાં આવ્યા હતા અને જણાવ્યું કે, ઘરાક આવ્યા છે જેથી થોડીવારમાં આવું છું. અને બાદમાં કાલુભાઈ આવ્યા અને એક્ટિવા લઈને થોડી વારમાં જતા રહ્યા હતા. થોડી જ વારમાં ચડ્ડો પટણી અને રવિ લંગડો ત્યાં આવી ગયા હતા. સાથે સાથે ભપ્પુ અને રવી પટણી પણ ત્યાં આવી ગયા હતા. આ ચારેય શખશો રિક્ષામાંથી લોખંડનો પાઇપ, સાંકળ, ઘોડે બાંધવાનો ખીલ્લો જેવા હથિયાર સાથે આવી ગયા હતા. આ ચારેય લોકો તેની સાથે બોલાચાલી કરવા લાગ્યા અને તને બહુ ચરબી ચઢી છે તેમ કહી હુમલો કરવા જતા હતા. ત્યાં જ હિતેશભાઈ ત્યાંથી ભાગવા ગયા પણ એક શખશે છુટ્ટો લોખંડનો પાઇપ મારતા હિતેશભાઈ દોડીને શારદાબહેન હોસ્પિટલમાં ઘુસી ગયા અને બાદમાં બાપુનગર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
આ મામલે પોલીસે ચડ્ડો, રવિ ઉર્ફે લંગડો, રવિ પટણી અને ભપ્પુ નામના શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એસીપી ઓફિસ પાછળ પણ મારામારીની ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિને હથિયારથી માર મારતા તેનો અંગૂઠો છૂટો પડી ગયો હતો. આ વિસ્તારમાં સતત આવી ઘટનાઓ બનતી હોવા છતાં સ્થાનિક પોલીસના પેટનું પાણી હલતું નથી અને ગુનેગારો બેફામ બનતા જતા હોવાની લોકોમાં ચર્ચા છે.