અમદાવાદ: 'તારે લક્ઝરી બસ (luxury bus) રોડ પર ઊભી રાખવી હશે તો રૂપિયા એક લાખ આપવા પડશે. હવે ત્યાં બસો પાર્ક (Park) કરીશ તો સળગાવી નાખીશ.' અમદાવાદમાં લક્ઝરી બસોમાં તોડફોડ કરવાની ફરિયાદ પોલીસ (Police) ચોપડે નોંધાઈ છે. ફરિયાદ પ્રમાણે ફરિયાદીએ બસ ઊભી રાખવાના રૂપિયા ન આપી પોલીસ ફરિયાદ કરતા રાજુ ભદોરીયા નામના વ્યક્તિએ તેની બસોમાં તોડફોડ કરી છે.
વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા વિરલ વ્યાસ નામના વ્યક્તિએ રામોલ પોલીસ સ્ટેશન (Ramol police station )માં પોલીસ ફરિયાદ આપી છે કે, પોતે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરે છે. તેમની લક્ઝરી બસ અલગ અલગ કંપનીમાં વર્ધીમાં ચાલે છે. ત્રીજી જાન્યુઆરીએ તેઓ પાટણ જઈ રહ્યા હતા ત્યારે રાજુ ભદોરીયા નામના વ્યક્તિએ તેમને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તારી લક્ઝરી બસો રોડ પર ઊભી રાખવી હશે તો એક લાખ રૂપિયા આપવા પડશે. ફરિયાદીએ પૈસા આપવાની ના પાડતા તેણે બસના કાચ તોડી નાખીને ધમકી આપી હતી કે, 'મ્યુનિસિપાલટી બગીચા પાસે તારી લક્ઝરી પાર્ક કરીશ તો હું સળગાવી નાખીશ.'
આ અંગે તેમણે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદીની ત્રણ લક્ઝરી બસનું વાયરીંગનું કામ કરવાનું હોવાથી વિનાયક પાર્ક પાસે ડ્રાઇવરને મોકલ્યો હતો. આ દરમિયાન રાજુ ભદોરીયા હાથમાં ધારીયું લઈને આવ્યો હતો અને દુકાનવાળા બંટી રાજપૂતને કહ્યું હતું કે, "ક્યાં ગયો તારો શેઠ વિરલ. તેની પાસે રૂપિયા એક લાખ માંગ્યા તો આપતો નથી, નાટક કરે છે. પાછો મારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરે છે. એકવાર તો બે બસના કાચ તોડી નાખ્યાં છે. હવે તો મારી સામે આવે તો તેને જાનથી જ પતાવી દેવાનો છું."
આવું કહીને આરોપીએ ધારીયાના ઘા મારીને ત્રણ લક્ઝરી બસના વિન્ડશીલ્ડ તોડી નાખ્યાં હતાં. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.