અમદાવાદ: શું તમે કિંમતી મતા લઈને રિવરફ્રન્ટ ફરવા જાઓ છો? તો આટલું જાણી લો, નહીં તો પસ્તાવાનો વારો આવશે
Updated: February 15, 2021, 7:41 AM IST
પ્રતીકાત્મક તસવીર
Ahmedabad Sabarmati riverfront: ડીકીમાં મૂકેલું એટીએમ કાર્ડ પણ ચોરી થઈ ગયું. કસ્ટમર કેરમાં ફોન કરતા જાણવા મળ્યું કે ગઠિયાઓએ પાંચ ટ્રાન્ઝેક્શન કરીને 50 હજાર જેટલી રકમ પણ ઉપાડી લીધી છે.
અમદાવાદ: આજકાલ સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati riverfront) શહેરીજનો માટે હરવા-ફરવાનું નવું સ્થળ બન્યું છે. અહીં રોજ હજારોની સંખ્યામાં લોકો આવે છે. જેમ જેમ વૉકિંગ (Walking) કરવા અને ફરવા આવતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ હવે અહીં તસ્કરોની પણ હિંમત વધી છે. અગાઉ મોબાઈલ ફોન (Mobile phone) કે વાહનની ચોરીની અનેક ઘટનાઓ બની હતી. ત્યારે હવે પુત્રી સાથે ફરવા ગયેલી મહિલાએ મોબાઈલ ફોન, પર્સ અને સોનાની બુટ્ટી ગુમાવવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં, મહિલાના એટીએમ કાર્ડમાંથી પાંચ ટ્રાન્ઝેક્શન કરીને ગઠિયાઓએ રકમ પણ ઉપાડી લીધી હતી. મહિલા વાહનની ડીકીમાં આ તમામ વસ્તુઓ મૂકીને ફરવા માટે ગઈ હતી. આ બનાવ બાદ પોલીસે (Sabarmati riverfront police) તપાસ શરૂ કરી છે. જોકે, આવા બનાવો વધતા લોકોએ અહીં ફરવા જતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે.
વાસણામાં રહેતા 38 વર્ષીય આહના સેન મુખર્જી સીધુભવન રોડ પર એક કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. તેમના પતિ મુંબઈ રહે છે અને શારજહાં ખાતે એર અરેબિયા એરલાઇન્સમાં નોકરી કરે છે. ગત તા. 7મીના રોજ તેઓ તેમના માસીનું વાહન લઈને પુત્રી સાથે નીકળ્યા હતા. પ્રથમ તેઓ ધરણીધર દેરાસર પાસે એક જવેલર્સ શોપમાં ગયા હતા. ત્યાં સોનાની બુટ્ટીઓનું વજન કરાવી તેઓ રિવરફ્રન્ટ ગયા હતા. અહીં દસેક મિનિટ રોકાયા અને બાદમાં વિશ્વકુંજ પાછળના ભાગે આવેલા રિવરફ્રન્ટ ગ્રાઉન્ડમાં ગયા હતા.
તેમની દીકરી સાથે હોવાથી મોબાઈલ ફોન, સોનાની બુટ્ટી નાના પર્સમાં મૂકી, પર્સ વાહનની ડીકીમાં મૂકી પુત્રીને લઈને રિવરફ્રન્ટ ફરવા ગયા હતા. ત્યાંથી ફરીને ઘરે ગયા ત્યારે વાહનની ડીકી ખોલી ત્યારે તમામ વસ્તુઓ જોવા મળી ન હતી. જેથી તેઓ ગભરાયા હતા. બાદમાં તેઓને જાણ થઈ કે તેમની આ તમામ વસ્તુઓ વાહનની ડીકીમાંથી ચોરી થઈ ગઈ છે. આ વસ્તુઓમાંથી એટીએમ કાર્ડ પણ ચોરી થઈ ગયું હોવાથી મહિલાના પતિએ કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. તેમાં જાણવા મળ્યું કે એટીએમ કાર્ડથી પાંચ ટ્રાન્ઝેક્શન કરી ગઠિયાઓએ 50 હજાર ઉપાડી લીધા હતા. આ ઉપરાંત ગૂગલ પેથી પણ પાંચ હજારનું ટ્રાન્ઝેક્શન થયું હોવાની જાણ થઈ હતી.
આ મામલે મહિલાએ તાત્કાલિક રિવરફ્રન્ટ પોલીસનો સંપર્ક સાધતા પોલીસે જે એટીએમમાંથી પૈસા ઉપડ્યા હતા તે સહિતની જગ્યાઓના સીસીટીવી ફૂટેજ મેળવી ચોર ટોળકીની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ફરવા જતી વખતે વાહનીની ડીકીમાં કિંમતી વસ્તુઓ રાખવી જોખમી સાબિત થઈ શકે છે. અવારનવાર તસ્કરો વાહનોની ડીકી તોડીને તેમાં મૂકેલી કિંમતી વસ્તુઓ ઉઠાવી જતા હોય છે.