અમદાવાદ : સચિવાલયમાં નોકરી અપાવવાના બહાને ઠગ ટોળકીએ ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા


Updated: February 19, 2021, 4:37 PM IST
અમદાવાદ : સચિવાલયમાં નોકરી અપાવવાના બહાને ઠગ ટોળકીએ ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા
અમદાવાદ : સચિવાલયમાં નોકરી અપાવવાના બહાને ઠગ ટોળકીએ ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા

અમારી રાજકીય વગ તેમજ સારી ઓળખાણ છે એમ કહી મહિલા વકીલ સાથે ઠગ ટોળકીએ છેતરપિંડી આચરી

  • Share this:
અમદાવાદ : કૃષ્ણનગર વિસ્તારની મહિલા વકીલ પાસેથી સચિવાલયમાં નોકરી અપાવવાના બહાને ત્રણ લાખ રૂપિયા ઠગ ટોળકીએ પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમારી રાજકીય વગ તેમજ સારી ઓળખાણ છે એમ કહી મહિલા વકીલ સાથે વિશ્વાસ આપી કોલ લેટર આવી ગયો છે તેમ કહી ઠગ ટોળકીએ છેતરપિંડી આચરી હતી.

ડભોઈમાં રહેતી યોગેશ્વરી ગાંગુરડેએ રિયા, અશ્વિન શાહ, કિશન યાદવ, રવિ પટેલ વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર યોગેશ્વરી હાલમાં વડોદરા ખાતે વકીલાતની પ્રેક્ટિસ કરે છે. બે વર્ષ પહેલાં યુવતી મોડાસા ખાતે કોર્ટમાં વકીલાતનું કામકાજ કરતી હતી ત્યારે કોર્ટની બાજુમાં આવેલ 181 અભયમની ઓફિસમાં કામ રહેતું હતું. જેથી તે અવારનવાર ત્યાં જતી હતી. તે સમયે નવા નરોડા ખાતે રહેતા રવિ પટેલ સાથે યુવતીને ઓળખાણ થઇ હતી. આ દરમિયાન યુવતીને ચેરિટી કમિશનરની પરીક્ષા આપવાની હતી, જેની તૈયારી કરતી હતી. આ વાતની જાણ રવિને થઇ હતી. રવિએ યુવતીને કહ્યું કે મારો એક મિત્ર કિશન યાદવ છે, જે સારી રાજકીય વગ ધરાવે છે અને સચિવાલયમાં તેની સારી ઓળખાણ છે. તેથી અમે તને નોકરીનું સેટિંગ કરી આપીશું. ત્યારબાદ રવિએ યુવતીને કિશન યાદવ સાથે તેની ઓફિસમાં મુલાકાત કરાવી હતી. કિશન યાદવે યુવતી પાસે તેના તમામ ડોક્યુમેન્ટ માગ્યા હતા અને કહ્યું કે આઠ લાખ રૂપિયાનો ખર્ચ થશે. કિશને આમ કહેતાં યુવતી પૈસા આપવા તૈયાર થઇ ગઈ હતી.

આ પણ વાંચો - વિરાટ કોહલી થઈ ગયો હતો ડિપ્રેશનનો શિકાર, ભારતીય કેપ્ટનનું દર્દ આવ્યું સામે

યુવતીએ નક્કી કર્યા મુજબ એક લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા. થોડા દિવસ બાદ કિશને યુવતીને કહ્યું કે તમારો કોલ લેટર આવી ગયો છે, જેથી બાકી રૂપિયા લેતાં આવો. કિશને આમ કહેતાં યુવતીએ તેને કહ્યું કે હાલ મારી પાસે આટલા બધા પૈસા નથી, જેથી યુવતીએ બીજા બે લાખ રૂપિયા કિશન યાદવને આપ્યા હતા. કિશને યુવતીને કહ્યું કે ગાંધીનગરમાં મહેસૂલ અધિકારી મુકેશ પટેલને મળવા જવાનું છે. તમને ત્યાંથી ઓર્ડર મળી જશે એમ કહી વિશ્વાસ અપાવ્યો હતો.

યુવતીને સચિવાલય લઇ ગયા બાદ કિશને ત્યાં બેસાડી રાખી હતી. થોડી વાર બાદ મુકેશભાઈ મિટિંગ છે, હું તમને તમારા ઘરે કોલ લેટર મોકલી આપીશ તેમ કહ્યું હતું. ત્યારબાદ યુવતીએ કિશનને કોલ લેટર બાબતે અવારનવાર ફોન કર્યા, પરંતુ તે કોઈ સંતોષકારક જવાબ આપતો ન હતો. યુવતીએ કિશન યાદવ, રવિ પટેલ પાસે આપેલા ત્રણ લાખ રૂપિયા પરત માગ્યા તો તમામે મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધા હતા. યુવતીએ પોતાની સાથે ઠગાઈ થઇ હોવાથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તમામ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Published by: Ashish Goyal
First published: February 19, 2021, 4:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading