અમદાવાદ: શહેરના જુહાપુરા (Juhapura) વિસ્તારમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટના ફરી એકવાર પ્રકાશમાં આવી છે. આ વખતે અસામાજિક તત્વોએ પોલીસ કર્મીની (Wife of Policeman) પત્ની સાથે ઝઘડો કરી તેના કપડાં ફાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ મામલે પોલીસ કર્મીની પત્નીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના જુહાપુરામાં રહેતી 33 વર્ષીય યુવતી છેલ્લાં 15 વર્ષથી જુહાપુરામાં પરિવાર સાથે રહે છે. મહિલાના પતિ શહેરના પોલીસ ખાતામાં જ ફરજ બજાવે છે.મહિલાની સોસાયટીમાં રહેતા ફિરોઝ અને તેના ભાઈ અકબર સોસાયટીના ગેટની ચાવી પોતાની પાસે રાખતા હોવાથી ચાવી લેવા બાબતે અવાર નવાર મહિલા સાથે બોલાચાલી કરતા હતા. ત્યારે 26મી ફેબ્રુઆરીએ મહિલા અને તેની બહેન સાથે રાતના સમયે ઘરે આવ્યા ત્યારે સોસાયટીના નાકા ઉપર લોખંડનો દરવાજો તાળુ મારીને રાખ્યો હતો.
જેથી મહિલાને તેમની ગાડી પાર્ક કરવા માટે તે દરવાજાની ચાવી અકબર રાશિદ ખાન ચોપડા પાસે માંગતા ચાવી મારી પાસે નથી તેવું કહીને યુવકે “તમારા માટે અમે નવરા છીએ કે તમે ચાવી આપીએ” એવું કહ્યું હતુ.
જેથી મહિલાએ તેને કહ્યું કે તેઓ દવાખાનેથી આવ્યા છે જેથી અકબર નામના ઈસમે ઉશ્કેરાઈ જાહેરમાં મહિલાને ગંદી ગાળો બોલી હતી. મહિલા અને તેની બહેને યુવકને ગાળો બોલવાની ના પાડતાં તે વધારે ઉશ્કેરાયો હતો અને બંનેને ગાળો આપવાની શરૂ કરી હતી.
તે સમયે અકબરનો મિત્ર સોહેલ પણ ત્યાં આવ્યો હતો અને તેણે પણ મહિલા સાથે ગાળાગાળી કરી તેને ધક્કો માર્યો હતો. જે બાદ સોહેલે અકબરના ભાઈ ફિરોજને પણ ફોન કરીને બોલાવ્યા હતા. તે બાદ ફિરોઝ અને ઝાકીર નામના બે યુવકો ત્યાં આવ્યા હતા અને મહિલાને “ગેટની ચાવી તો નહીં જ મળે જે થાય તે કરી લેજો” તેવું કહીને ગાળો આપી હતી.
ચારેય શખસોએ મહિલા તેમજ તેની બહેનને ચારે તરફથી ઘેરીને “તુ અમને ઓળખતી નથી, કે અમે કોના માણસો છીએ,તેવુ કહી મહિલા સાથે ધક્કામુક્કી કરી ગાળો બોલી હાથથી ગંદા ઈશારા કર્યા હતા. શખ્સોએ મહિલાનો હાથ પકડી લેતા હાથ છોડાવવા જતાં મહિલાનાં કપડાં ફાટી ગયા હતા. આમ મહિલાના કપડા ઉતારવાના ઇરાદાથી અને તેની આબરૂ લેવાના ઈરાદેથી મહિલા તેમજ તેની બહેન ઉપર હુમલો કર્યો હતો.
જોકે મહિલા અને તેની બહેને બૂમાબૂમ કરતાં આજુબાજુના માણસો ભેગા થઇ જતાં આ ચારેય શખ્સો ત્યાંથી નીકળવા લાગ્યા હતા અને મહિલા તેમજ તેની બહેનને કહ્યું હતું કે “તારા જેટલા દાદા હોય તેને બોલાવી લે અમે જ અહીંના દાદા છીએ, જેને બોલાવીશ તેમના પણ હાથ ટાંટીયા તોડાવી નાંખીશું”.. તે બાદ સોહેલ એ મહિલાને કહ્યું હતું કે મકાન અહીંથી ખાલી કરી નાખજો એવું કહીને તમામ શખસોએ ભેગા મળીને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.
મહિલા તે સમયે દવાખાનાનાં કામમાં રોકાયેલા હોવાથી અને પાછુ દવાખાને જવાનું હોવાથી ફરિયાદ કરવા આવી શક્યા ન હતા. ત્યારે 26મી ફેબ્રુઆરીએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં મહિલાએ ઝાકીર, સોહેલ તેનો ભાઈ ફિરોજ રશીદભાઈ ચોપડા અને અકબર રશીદભાઈ ચોપડા આ ચાર શખ્સો સામે છેડતી, શારિરીક અડપલાં, મારામારી અને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ ગુજરાતમાં મહિલાઓ સલામત હોવાના દાવા કરાય છે ત્યારે લોકોની અને મહિલાઓની રક્ષા કરતા પોલીસકર્મીની જ પત્નિ સાથે આ પ્રકારની ધટના બનતા મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉભો થયો છે.