Vadodara weathers: ઠંડીમાં રાહત અનુભવી ત્યાં તો માવઠું થવાની શક્યતાઓ દર્શાવાઇ
Updated: January 19, 2022, 4:56 PM IST
વડોદરા શહેર-જિલ્લામાં ઠંડીમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી કોલ્ડવેવને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ કરનાર વડોદરાવાસીઓ ઉતરાણ પછી ઠંડીમાં રાહતનો અનુભવ કરી રહ્યા છે.
વડોદરા: વડોદરા શહેર-જિલ્લામાં ઠંડીમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી કોલ્ડવેવને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ કરનાર વડોદરાવાસીઓ ઉતરાણ પછી ઠંડીમાં રાહતનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત ઉપર જઈ રહ્યો છે, જેના કારણે ઠંડીમાં આંશિક રાહત થઇ છે.
ગઈકાલ મંગળવારના રોજ વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનનો પારો વધવાનો સિલસિલો આગામી બે ત્રણ દિવસ સુધી યથાવત રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે. સાથે સાથે હવામાન ખાતાના જણાવ્યા મુજબ 23 જાન્યુઆરી પછી ફરી ઠંડીનો વધારો નોંધાઈ શકે છે. આ ઉપરાંત 22 જાન્યુઆરીથી માવઠાની પણ આગાહી કરવામાં આવેલ છે.
ગુજરાતમાં વાતાવરણમાં ચોથી પાંચમી વખત પલટો આવવાના હવામાન ખાતા દ્વારા સંકેતો કરાયા છે. હવામાન ખાતાના સંકેતો મુજબ ફરી એકવાર ઉત્તર ગુજરાતના વિસ્તારોથી હવામાનમાં પલટો આવશે અને એ પછી જ દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડશે. હાલની આગાહી મુજબ ગુરુવારથી ત્રણ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં શનિવારના રોજ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, સુરતમાં હળવો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવેલ છે.
આ પણ વાંચો: અમદાવાદ: રેસ્ટોરન્ટમાંથી મંગાવેલી પનીર ભૂર્જીની સબ્જીમાંથી નીકળ્યો મરેલો ઉંદર અને પછી...
ઉલ્લેખનીય છે કે, એક તરફ શહેરમાં ઠંડીનું જોર ઘટતું જાય છે અને બીજી તરફ માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ બાદ થીજવતી ઠંડીનો રાઉન્ડ આવી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાથી મોતમાં સહાયના દાવા અને આંકડા વચ્ચે છે જબ્બર તફાવતઆજરોજ બુધવારે વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડીગ્રી સુધી રહેવાની સંભાવના રહેલી છે. આજે સવારથી જ ઠંડીનું પ્રમાણ ઓછું છે. પરંતુ વાતાવરણમાં વારંવાર બદલાવના કારણે શહેરીજનો શરદી, ખાંસી, કફનો શિકાર બની રહ્યા છે.
Published by:
kuldipsinh barot
First published:
January 19, 2022, 4:56 PM IST