વડોદરા: શહેરભરમાં ઉત્તરાયણનો માહોલ છવાયો છે ત્યારે એક કરૂણ સમાચાર સામે આવી રહ્યા છે. શહેરનાં દશરથ બ્રિજ પર દોરીનાં કારણે 35 વર્ષનાં રિંકુભાઇનું મોત નીપજ્યું છે. નોંધનીય છે, આજે સવારે મહેસાણામાં પણ દોરી ગળામાં વાગવાથી ચાર વર્ષની છોકરીનું મોત નીપજ્યું હતુ. ત્યારે આજનાં દિવસે દોરીનાં કારણે આ બીજું મોત નીપજયું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં દશરથ બ્રિજ પર ગોઝારો અકસ્માત થયો છે. જેમાં સ્વામી પરમાત્મા યાદવ ઉર્ફે રિકુભાઈ નામના 35 વર્ષીય યુવકના ગળામાં પતંગનો દોરો અટવાયો હતો. જેના કારણે તે ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ આ યુવકનું મોત નીપજ્યું છે. આ યુવક નંદનગર, છાણી સોખડાનાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે. શુક્રવારે પણ આવો જ એક બનાવ વડોદરામાં બન્યો હતો. જોકે, સદનસીબે તે યુવકનો જીવ બચી ગયો હતો.
મૃતકની ફાઇલ તસવીર
શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલા વ્રજ વિહાર ફ્લેટમાં રહેતા 31 વર્ષનાં યુવક નિખિલ સુરેશભાઇ કાછિયા પટેલ બપોરે સાડા ત્રણ કલાકની આસપાસ પોતાનાં વાહન પર જઇ રહ્યા હતા. તેમની સાથે બાળકને લઇને ટુ-વ્હિલર પર નિકળ્યા હતા. આ દરમિયાન જેતલપુર બ્રિજ પર પતંગના દોરાથી નિખિલના ગળા પર અટવાયો હતો. જેના કારણે ગંભીર ઇજાઓ થઇ હતી. જેના થોડા દિવસ પહેલા શહેરમાં એક યુવાનનું મોત નીપજ્યું હતુ. બાઇકસવાર મહેશ ઠાકુરનું મોત થયું હતું.
દોરીથી યુવકનું ગળું કપાયું એની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સમા કેનાલ પર બાઇક પર જઈ રહેલા યુવાનના ગળામાં દોરી ફસાઈ ગઈ હતી. યુવાને જાતે જ દોરી ગળામાંથી હટાવી હતી. જે બાદ દોરીથી ઇજાગ્રસ્ત થયા બાદ યુવાન લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. ગળામાંથી લોહી વહેતું હોવા છતાં રોડ પર પડેલી બાઈકને જાતે જ સાઇડમાં પાર્ક કરી હતી. જે બાદ તેને સારવાર પણ આપવામાં આવી હતી.