Monkeypox Case: મંકીપોક્સ બાબતે કેન્દ્ર એલર્ટ, વિદેશથી આવેલા બીમાર મુસાફરોને તાત્કાલિક આઇસોલેટ કરો, નમૂના NIV પૂણેને મોકલો


Updated: May 21, 2022, 11:59 AM IST
Monkeypox Case: મંકીપોક્સ બાબતે કેન્દ્ર એલર્ટ, વિદેશથી આવેલા બીમાર મુસાફરોને તાત્કાલિક આઇસોલેટ કરો, નમૂના NIV પૂણેને મોકલો
મંકીપોક્સ ચેપી રોગ છે

Monkeypox news - બ્રિટન, અમેરિકા, પોર્ટુગલ, સ્પેન, બેલ્જિયમ, ફ્રાન્સ, ઈટાલી અને ઓસ્ટ્રેલિયાના લોકો પણ મંકીપોક્સથી સંક્રમિત જોવા મળ્યા

  • Share this:
નવી દિલ્હી : વિશ્વના કેટલાક દેશોમાં મંકીપોક્સના કેસ (Monkeypox Case) નોંધાઈ રહ્યા હોવાથી ભારતનો આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ચૂક્યો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ને પરિસ્થિતિ પર નજર રાખવા માટે નિર્દેશ આપ્યો છે.

આરોગ્ય મંત્રાલયના અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, મંકીપોક્સથી (Monkeypox)પ્રભાવિત દેશોની મુસાફરી કરીને પાછા ફર્યા હોય તેવા કોઈપણ બીમાર પ્રવાસીને તાત્કાલિક અલગ કરી દેવામાં આવે અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પૂણેના બીએસએલ-4ની સુવિધાવાળી લેબોરેટરીમાં નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે મોકલવામાં આવે તેવા આદેશ એરપોર્ટને આપવામાં આવ્યા છે. બ્રિટન, અમેરિકા, પોર્ટુગલ, સ્પેન, બેલ્જિયમ, ફ્રાન્સ, ઈટાલી અને ઓસ્ટ્રેલિયાના લોકો પણ મંકીપોક્સથી સંક્રમિત જોવા મળ્યા છે.

અત્યાર સુધીમાં 11 દેશોમાં પહોંચ્યો મંકીપોક્સ

મંકીપોક્સ એ વાયરલ ચેપ છે. આ ચેપ સૌપ્રથમ 1958માં બંધક કરાયેલા વાંદરામાં જોવા મળ્યો હતો અને 1970 ના દાયકામાં માનવોમાં પ્રથમ વખત તેની પુષ્ટિ થઈ હતી. મંકીપોક્સના ચેપના કેસો મોટાભાગે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના દેશોમાં જોવા મળે છે. 2017માં મંકીપોક્સનો સૌથી મોટો પ્રકોપ નાઇજિરીયામાં થયો હતો. તેના 75% દર્દીઓ પુરુષો હતા. અત્યાર સુધીમાં આ રોગ કુલ 11 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ટીમ પણ એક્શનમાં આવી ગઈ છે.

આ પણ વાંચો - વિદેશ પ્રવાસ માટે પીએમ મોદી રાતની યાત્રા જ કેમ પસંદ કરે છે? જાણો મહત્વનું કારણ

કેટલો ભયાનક છે મંકીપોક્સ?વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકીપોક્સને એક દુર્લભ રોગ ગણાવ્યો છે, જેનો ચેપ કેટલાક કિસ્સાઓમાં ગંભીર હોઈ શકે છે. મંકીપોક્સ ચેપ માટે જવાબદાર વાયરસના કોંગો સ્ટ્રેન અને પશ્ચિમ આફ્રિકન સ્ટ્રેન એમ બે પ્રકાર છે. આ બંને સ્ટ્રેન 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શિકાર બનાવે છે. કોંગો સ્ટ્રેનથી સંક્રમિત કેસોમાં મૃત્યુદર 10% અને પશ્ચિમ આફ્રિકન સ્ટ્રેનથી સંક્રમિત કેસોમાં 1% છે. બ્રિટનમાં જોવા મળતા મંકીપોક્સના કેસોમાં પશ્ચિમ આફ્રિકાના સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે.

કઇ રીતે ફેલાય છે સંક્રમણ?

મંકીપોક્સ ચેપી રોગ છે. વાયરસ ચેપગ્રસ્ત દર્દીની ઇજામાંથી બહાર આવે છે અને આંખ,નાક અને મોં દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ સિવાય મંકીપોક્સ વાંદરાઓ, ઉંદરો, ખિસકોલી જેવા પ્રાણીઓના કરડવાથી અથવા તેમના લોહી અને શરીરના પ્રવાહીને સ્પર્શવાથી પણ ફેલાય છે. નિષ્ણાતોના મતે, યોગ્ય રીતે રાંધેલું માંસ ન ખાવાથી અથવા ચેપગ્રસ્ત પ્રાણીનું માંસ ખાવાથી તમે આ રોગનો શિકાર બની શકો છો.

મંકીપોક્સ બીમારીના લક્ષણો

આ વાયરસથી સંક્રમિત થયાના 5થી 21મા દિવસ સુધીમાં લક્ષણો જોવા મળી શકે છે. તાવ, માથાનો દુ:ખાવો, સ્નાયુઓમાં દુ:ખાવો, પીઠનો દુ:ખાવો, ધ્રુજારી, થાક અને સોજો લસિકાની ગાંઠો સહિત પ્રારંભિક લક્ષણો ફ્લૂ જેવા છે. પછી ચહેરા પર ફોલ્લીઓ દેખાવા લાગે છે, જે શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. ચેપ દરમિયાન ફોલ્લીઓ ઘણા ફેરફારોમાંથી પસાર થાય છે અને આખરે શીતળા જેવા સ્કેબ થઇ જાય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે શીતળાની રસી મંકીપોક્સમાં પણ 85% અસરકારક છે.
First published: May 21, 2022, 11:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading