આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: કોરોના સામેની લડાઈમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધારસિંહ ખાનપુરા પણ જંગ હારી ગયા છે. બનાસકાંઠામાં કાંકરેજના પૂર્વ ધારાસભ્ય (Ex Congress MLA Dharsinh Khanpura) અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન છેલ્લા એક મહિનાથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોના (Coronavirus)ની સારવાર હેઠળ હતા. આજે વહેલી સવારે તેમનું કોરોનાથી નિધન થયું છે. તેમના નિધન સાથે કૉંગ્રેસ (Congress Party) અને ઠાકોર સમાજ (Thakor Samaj)માં મોટી ખોટ પડી છે. ધારસિંહ ખાનપુરાને ગરીબોના બેલી કહેવામાં આવતા હતા.
કોરોના મહામારી ફરીથી તેનું વરવું સ્વરૂપ બતાવી રહી છે. ભારત સિવાય અન્ય દેશોમાં તો ફરી લૉકડાઉન કરવામાં આવી રહ્યું છે. તહેવારો ટાણે જ હવે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બીજી તરફ કોરોનાથી થતા મોતની ટકાવારી પણ વધી છે. બનાસકાંઠાના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય પણ કોરોના સામેની લડાઈમાં જંગ હારી ગયા છે.
પૂર્વ ધારાસભ્ય ધારસિંહ ખાનપુરા છેલ્લા એક મહિનાથી અમદાવાદની યુ.એન.મહેતા ખાનગી હૉસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા. આ દરમિયાન આજે તેમનું કોરોનાથી કરૂણ નિધન થયું છે. પૂર્વ ધારાસભ્ય ધારસિંહ ખાનપુરા કૉંગ્રેસમાંથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઠાકોર સમાજ પર તેમની ખૂબ મજબૂત પકડ હતી. કૉંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને ઠાકોર સમાજના અગ્રણી એવા પૂર્વ ધારાસભ્ય ધારસિંહ ખાનપુરાનું નિધન થતા ઠાકોર સમાજ અને કૉંગ્રેસને મોટી ખોટ પડી છે.