ગાંધીનગર: શિક્ષણ ક્ષેત્રે મહત્તમ રોજગારી પૂરી પાડવાના ઉદેશ્ય સાથે આજે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama)એ મોટી જાહેરાત કરી છે. જાહેરાત પ્રમાણે નજીકના ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે 6,616 ભરતી (Recruitment) કરવામાં આવશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે રાજ્યના ઉચ્ચ શિક્ષણ તેમજ ઉચ્ચત્તર-માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે (Education sector) રોજગાર અવસર દ્વારા કારકિર્દી ઘડતર માટે 6,616 જેટલી નવી ભરતી કરવાનો રાજ્ય સરકારે (Gujarat government) નિર્ણય કર્યો છે.
શિક્ષણ મંત્રીએ આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં ઉમેર્યુ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી-નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારે યુવાનોને શૈક્ષણિક ક્ષેત્રે વ્યાપક રોજગાર આપવા સાથે શિક્ષણ સુવિધાઓનો વ્યાપ વિસ્તારવાના ઉદાત્ત ભાવથી આ નવી ભરતીનો નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની વિસ્તૃત ભૂમિકા આપતાં કહ્યું કે, રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં કેન્દ્રીયકૃત રીતે 927 અધ્યાપક સહાયકોની ભરતી કરવામાં આવશે. રાજ્યની કોલેજોમાં વિવિધ 44 જેટલા વિષયો માટે 927 અધ્યાપક સહાયકો સેવાઓ આ ભરતી પૂર્ણ થતાં મળતી થશે એમ પણ શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ હતું.
શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, અધ્યાપક સહાયકોની આ ભરતી માટે તા. 20 જાન્યુઆરી, 2021 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ ભરતીની વધુ વિગતો www.rascheguj.in વેબસાઇટ પરથી ઉપલબ્ધ બની રહેશે. આ સાથે રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ 5,700 શિક્ષણ સહાયકોની ભરતી રાજ્ય સરકાર કરશે.
તદઅનુસાર, નવી બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 3,382 અને નવી બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2,307 શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવશે. શિક્ષણ મંત્રીએ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જે 3,382 શિક્ષણ સહાયકોની ભરતી થવાની છે તેની વિગતો આપતાં કહ્યું કે, અંગ્રેજી વિષય માટે 624, એકાઉન્ટ એન્ડ કોમર્સ વિષય માટે 446, સોશિયોલોજી વિષય માટે 334, ઇકોનોમિકસ વિષય માટે 276, ગુજરાતી વિષય માટે 254 તેમજ અન્ય વિષયોના શિક્ષણ સહાયકોની ભરતી થશે.
તબક્કાવાર ધો-10 અને 12ની જેમ બીજા વર્ગો શરૂ કરીશું: શિક્ષણમંત્રી
આ પ્રસંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, જેવી રીતે રાજ્યમાં ધોરણ-10 અને 12ના વર્ગો શરૂ કરાયા છે તેવી જ રીતે પરિસ્થિતિ પર ધ્યાન રાખીને તબક્કાવાર અન્ય ધોરણના વર્ગો શરૂ કરવામાં આવશે. આ મામલે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવશે.