Ind vs Eng 3rd Test Day 2 : અમદાવાદ ડે-નાઇટ ટેસ્ટ બે દિવસમાં જ ખતમ, ભારતનો 10 વિકેટે વિજય

News18 Gujarati
Updated: February 25, 2021, 8:41 PM IST
Ind vs Eng 3rd Test Day 2 : અમદાવાદ ડે-નાઇટ ટેસ્ટ બે દિવસમાં જ ખતમ, ભારતનો 10 વિકેટે વિજય
તસવીર - બીસીસીઆઈ

અક્ષર પટેલની મેચમાં 11 વિકેટ, ભારતે ચાર ટેસ્ટની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી

  • Share this:
અમદાવાદ : અક્ષર પટેલ (5 વિકેટ) અને રવિચંદ્રન અશ્વિન (4 વિકેટ)ના તરખાટની મદદથી અમદાવાદમાં રમાય રહેલી ડે-નાઇટ ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતને જીતવા માટે 49 રન બનાવવાના હતા. જે ભારતે 7.4 ઓવરમાં વિના વિકેટે બનાવી લીધા હતા. રોહિત શર્માએ 25 અને શુભમન ગિલે 15 રન બનાવ્યા હતા.

અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ ફક્ત બે દિવસમાં જ ખતમ થઈ ગઈ છે. આ જીત સાથે ભારતે ચાર ટેસ્ટની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ 4 માર્ચથી અમદાવાદમાં રમાશે. મેચમાં 11 વિકેટ ઝડપનાર અક્ષર પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે.

ઇંગ્લેન્ડ બીજા દાવમાં 81 રનમાં આઉટ

ઇંગ્લેન્ડ બીજા દાવમાં 81 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આમ ભારતને જીતવા માટે 49 રનનો પડકાર મળ્યો હતો. ભારતને પ્રથમ દાવમાં 33 રનની લીડ મળી હતી. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધારે 25 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 5, અશ્વિને 4 અને વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ ઝડપી હતી.

ઝેક ક્રાવલે (00), ડોમ શિબલે (7), જોન બેરિસ્ટો (00), બેન સ્ટોક્સ (25) અને કેપ્ટન જો રુટ (19) સસ્તામાં આઉટ થયા ઇંગ્લેન્ડે 56 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.  આ પછી અક્ષર પટેલે અને અશ્વિનના તરખાટ સામે ઇંગ્લેન્ડનો ધબડકો થયો હતો.

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઇંગ્લેન્ડનો આ બીજો સૌથી નાનો સ્કોર છે. ઇંગ્લેન્ડ બંને ઇંનિગ્સમાં મળીને કુલ 193 રન જ બનાવી શક્યું હતું. આ પહેલા ઇંગ્લેન્ડની ટીમે 1983-84માં ન્યૂઝીલેન્ડ સામે 175 (93 અને 82 રન) બનાવ્યા હતા.અશ્વિનની ટેસ્ટમાં 400 વિકેટ

અશ્વિન ટેસ્ટ મેચમાં 400 વિકેટ લેનાર દુનિયાનો 16મો અને ભારતનો ચોથા બોલર બન્યો છે. ભારત તરફથી આ પહેલા અનિલ કુંબલે (619), કપિલ દેવ (434), હરભજન સિંહ (417) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. અશ્વિને 77મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી છે.

ભારત પ્રથમ દાવમાં 145 રનમાં ઓલઆઉટ

પ્રથમ દાવમાં ભારત 145 રનમાં ઓલઆઉટ થયું હતું. આમ ભારતને પ્રથમ દાવમાં 33 રનની લીડ મળી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધારે 66 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 27, આર અશ્વિને 17, શુભમન ગિલે 11 અને ઇશાંત શર્માએ 10 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરના આંકને વટાવી શક્યો ન હતો. ઇંગ્લેન્ડ તરફથી જો રુટે 5 વિકેટ, જેક લિચે 4 વિકેટ ઝડપી હતી.

બંને ટીમો

ભારત - રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, વોશિંગટન સુંદર, ઈશાંત શર્મા.

ઇંગ્લેન્ડ -  ક્રાઉલે, ડોમિનિક સિબ્લે, જોની બેયરેસ્ટો, જો રૂટ (કેપ્ટન),બેન ફોક્સ (વિકેટકિપર), ઓલી પોપ, ડોમ બેસ, જોફ્રા આર્ચર, જૈક લીચ, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ
Published by: Ashish Goyal
First published: February 25, 2021, 6:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading