'હું આકસ્મિક રીતે ક્રિકેટર બન્યો છું. હકીકતમાં હું ક્રિકેટ લવર હતો અને ક્રિકેટર બની ગયો. હું મારું સપનું જીવી રહ્યો છું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ભારત તરફથી રમીશ.'
મુંબઈ: ભારતીય ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 7 વિકેટ લીધી હતી. જેની સાથે જ અશ્વિને 401 વિકેટ્સ પૂરી કરી હતી. ત્યારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અશ્વિનને હાલના સમયનો 'લીજેન્ડ' કહ્યો છે. પરંતુ અશ્વિનનું કહેવું છે કે, તે આકસ્મિક રીતે જ ક્રિકેટર બન્યો હતો. અશ્વિને bcci.tvને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, 'હું આકસ્મિક રીતે ક્રિકેટર બન્યો છું. હકીકતમાં હું ક્રિકેટ લવર હતો અને ક્રિકેટર બની ગયો. હું મારું સપનું જીવી રહ્યો છું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ભારત તરફથી રમીશ.'
અશ્વિને ઉમેર્યું કે, કોવિડ-19 લોકડાઉનમાં મેં અનુભવ્યું કે હું કેટલો ભાગ્યશાળી છે કે તેને ભારતીય ટીમ તરફથી રમવા મળ્યું. અશ્વિને કહ્યું કે, મેચ પૂર્ણ થયા બાદ અથવા મેચમાં યોગદાન આપ્યા બાદ હું વિચારતો હતો કે મારા પર ઈશ્વરની કૃપા છે, પરંતુ કોવિડ-19 લોકડાઉન દરમિયાન મને અનુભવ થયો કે હું કેટલો ભાગ્યશાળી છું કે મને ભારતીય ટીમ તરફથી રમવા મળ્યું.
અશ્વિને વધુમાં કહ્યું કે, જ્યારે હું IPL રમીને પરત આવ્યો ત્યારે મને નહોતું લાગતું કે હું ઓસ્ટ્રેલિયા માટે રમી શકીશ. એટલે જ તો મને બધું એક ભેટ જેવું લાગે છે. જે રમતને મેં પ્રેમ કર્યો તેને મને ઘણું બધું આપ્યું છે.
અશ્વિને લોકડાઉન દરમિયાન પોતાના પર્ફોમન્સના ઘણા જૂના વીડિયો જોયા હતો. જેનાથે તેની રમતમાં ઘણા સુધાર થયા છે. તેણે સચીનની ચેપુકમાં ફટકારેલી સદીવાળી ઇનિંગના પણ વીડિયો જોયા હતા.
ઉલ્લેખનીય છે કે, અશ્વિને જોફ્રા આર્ચરના રૂપમાં 400મી વિકેટ ઝડપી હતી. અશ્વિને કહ્યું કે, આર્ચરે જયારે DRS લીધો ત્યારે તેને આ અંગે જાણ થઇ હતી કે તેણે 400 વિકેટ્સ પૂરી કરી છે. જે બાદ અશ્વિન શ્રીલંકન ક્રિકેટર મુરલીધરન બાદ ટેસ્ટમાં સૌથી ઝડપી 400 વિકેટ્સ લેનાર બોલર બન્યો છે.