Valsad News: વાપીની પોક્સો કોર્ટે 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ સહિત હત્યાના 19 વર્ષીય આરોપીને ફાંસીની સજા ફટકારી
Updated: January 30, 2023, 7:10 PM IST
આરોપીની તસવીર
Valsad News: વલસાડ જિલ્લાના વાપીની સ્પેશિયલ કોર્ટે પોક્સોના એક કેસમાં 9 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચરી અને નિર્મમ હત્યા કરનારા નરાધમ આરોપીને ફાંસીની સજા ફટકારી છે.
ભરતસિંહ વાઢેર, વાપીઃ વલસાડ જિલ્લાના વાપીની સ્પેશિયલ કોર્ટે પોક્સોના એક કેસમાં 9 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચરી અને નિર્મમ હત્યા કરનારા નરાધમ આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આરોપીએ 2020માં 9 વર્ષની બાળકીને પર દુષ્કર્મ આચાર્યા બાદ તેની હત્યા કરી મૃતદેહ પંખા સાથે લટકાવી દીધો હતો. પોલીસના હાથે ઝડપાયા બાદ પણ આરોપીએ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, 2020ના કેસમાં વાપીની કોર્ટે નરાધમ આરોપીને ફાંસીની સજા ફટકાતા ચકચાર મચી ગઈ છે.
પોસ્ટમોર્ટમ કરતા દુષ્કર્મ કર્યાનો ખુલાસો થયો
વાપીના ગીતાનગર વિસ્તારમાં 2020ના ફેબ્રુઆરી મહિનામાં એક 9 વર્ષની બાળકીની તેના જ ઘરમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં પંખા સાથે લટકતી લાશ મળી આવી હતી. શરૂઆતથી જ આ મામલામાં માસુમ બાળકીની હત્યા કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું હતું. આથી વાપી પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી અને 9 વર્ષીય બાળકીના મૃતદહેનું પેનલ પોસ્ટમોર્ટમ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. હકીકતમાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી તેને આત્મહત્યામાં ખપાવવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ સુરત દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત, અન્ય 6 આરોપી નિર્દોષ જાહેર
આરોપીએ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો
આ મામલે કેસની ગંભીરતાને ધ્યાને રાખી વાપી ટાઉન પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને ગણતરીના સમયમાં જ મૃતક બાળકીના પાડોશમાં જ રહેતા પ્રદીપ ઉર્ફે રાજેશ ગુપ્તાની અટકાયત કરી હતી. શરૂઆતમાં આરોપીએ પોતાની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું જણાવી પોતે સગીર હોવાથી પોલીસ તેની ધરપકડ ન કરી શકે તેવું બહાનું બતાવી અને પોલીસને ઉંમરના મામલે ગુમરાહ પણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે આરોપીના ઉંમર અંગે તપાસ કરતા આરોપીની ઉંમર બનાવ વખતે 19 વર્ષની હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે 9 વર્ષીય માસુમ બાળકીના દુષ્કર્મ અને હત્યા બદલ આરોપી પ્રદીપ ઉર્ફે રાજેશ ગુપ્તાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપીએ બાળકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી
આ કેસની તપાસમાં બહાર આવ્યું હતું કે, નરાધમ આરોપી પ્રદીપ ઉર્ફે રાજેશ ગુપ્તાએ બાળકીના માતા પિતા કામધંધા માટે બહાર હતા અને બાળકી સ્કૂલેથી ઘરે આવી અને એકલી હતી ત્યારે બાળકી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતુ. ક્રૂરતાપૂર્વક બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ બાળકીની હત્યાને આત્મહત્યામાં ખપાવવા નરાધમ આરોપીએ બાળકીના મૃતદેહને પંખા સાથે લટકાવી દીધો હતો. આ બનાવ અંગે પોલીસ દ્વારા થઈ રહેલી તપાસ પર આરોપી નજર પણ રાખી રહ્યો હતો. આ બધું બન્યા બાદ પણ મૃતક બાળકીની માતા સાથે હોસ્પિટલ પણ ગયો હતો. જો કે આરોપીનું પાપ છાપરે ચડીને પોકાર્યું અને પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આથી 2020ના કેસમાં વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટના સરકારી વકીલ અનીલ ત્રિપાઠીની ધારદાર રજૂઆતોને લઇને કોર્ટના જજ કે.જે. મોદી સાહેબની કોર્ટમાં આ કેસ ચાલતા કોર્ટે આ મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેટેગરીમાં ગણી અને નરાધમ આરોપી પ્રદીપ ઉર્ફે રાજેશ ગુપ્તા ને ફાંસીની સજા ફટકારી છે.
રેરેસ્ટ ઓફ ધ રેર કેસઃ કોર્ટ
2020નો કેસ વાપીની સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહ્યો હતો. કોર્ટની તપાસ દરમિયાન કોર્ટે અનેક ગંભીર તારણ પણ કાઢ્યું હતું. જેમાં બાળકીના પોસ્ટમોર્ટમ કરનાર તબીબની જુબાની મુજબ બહાર આવ્યું હતું કે, બાળકીની આંખમાંથી લોહી દેખાઈ રહ્યું હતું. આથી બનાવ વખતે આરોપીની ક્રૂરતાને કારણે બાળકી લોહીના આંસુ રડી હશે તેવું પણ કોર્ટે તારણ કાઢ્યું હતું. આથી કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેટેગરીમાં ગણી અને આરોપીને દાખલારૂપ સજા ફટકારી અને ફાંસીની માંચડે ચડાવવાનો ચુકાદો આપ્યો છે. આમ વલસાડ જિલ્લામાં પોક્સોના કેસમાં ફાંસીની સજાનો આ ઐતિહાસિક સૌ પ્રથમ ચુકાદો હોવાથી પંથકના ચકચાર મચી છે.
Published by:
Vivek Chudasma
First published:
January 30, 2023, 7:06 PM IST