

નવી દિલ્હીઃ જો તમે પોતાના ભવિષ્યને આર્થિક મજબૂતી આપવા માંગો છો તો સરકારની આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. થોડી બચત અને રોકાણ આપને નિવૃત્તિની ઉંમર બાદ મોટો સહારો આપશે. કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજના (Atal Pension Yojana)ના ટૂંક સમયમાં અઢી કરોડથી વધુ સબ્સક્રાઇબર્સ થવાના છે. આ સ્કીમ હેઠળ સરકાર અસંગઠિત ક્ષેત્રના લોકો માટે દર મહીને પેન્શનની વ્યવસ્થા કરે છે. ગરીબ અને શ્રમિક વર્ગના લોકો આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે. આ જ કારણ છે કે વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવા માટે કરોડો લોકો આ સ્કીમને પસંદ કરી રહ્યા છે. યોજના હેઠળ 2.45 કરોડ સબ્સક્રાઇબર્સ તેની સાથે જોડાઈ ચૂક્યા છે. (પ્રતીકાત્મક તસવીર)


માત્ર 42 રૂપિયાથી શરૂ કરો રોકાણ - આ વર્ષે ઓક્ટોબરના અંતમાં સબ્સક્રાઇબર્સના મામલામાં 34.51 ટકા વૃદ્ધિ થઈ છે. ખાસ વાત એ છે કે આ સ્કીમમાં તમે માત્ર 42 રૂપિયા પ્રતિ માસમાં આજીવન પેન્શનનો લાભ લઈ શકો છો. તેના માટે 18 વર્ષમાં આ સ્કીમમાં જોડાવું પડશે. ત્યારબાદ પ્રતિ માસ 42 રૂપિયાની ચૂકવણી કરી 60 વર્ષના ઉંમરના પડાવને પાર કર્યા બાદ આપને એક હજાર રૂપિયા પ્રતિ માસ પેન્શન મળશે. જો તમે દર મહિને 210 રૂપિયા જમા કરાવશો તો આપને 5 હજાર રૂપિયા પ્રતિ માસ પેન્શન મળશે. (પ્રતીકાત્મક તસવીર)


નોંધનીય છે કે, અટલ પેન્શન યોજનાનો ઉદ્દેશ્ય વૃદ્ધાવસ્થામાં આવક સુરક્ષા પ્રદાન કરવી. તેમાં 60 વર્ષની ઉંમર બાદ ન્યૂનતમ પેન્શનની ગેરંટી આપવામાં આવે છે. આ યોજના દેશના કોઈ પણ નાગરિક 18થી 40 વર્ષની ઉંમરમાં લઈ શકે છે. યોજનાની ખાસિયત એ છે કે તેમાં રોકાણકારનું નિધન થતાં પેન્શન તેના પતિ/પત્નીને આપવામાં આવે છે. આ ઉપરાંત બંનેના નિધન બાદ પેન્શન કોષમાં જમા રકમ નોમિનેટેડ વ્યક્તિને આપવામાં આવે છે. (પ્રતીકાત્મક તસવીર)


ઇન્ટરનેટ બેન્કિંગ વગર પણ ખોલી શકો છો ખાતું - ટૂંક સમયમાં બચત ખાતાધારક ઇન્ટરનેટ બેન્કિંગ વગર પણ અટલ પેન્શન યોજના હેઠળ ખાતું ખોલાવી શકશે. પેન્શન ફંડ રેગ્યૂલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA), APY-POPsને હાલના બચત ખાતાધારકોને ઓનલાઇન APY ખાતું ખોલાવવા માટે એક વૈકલ્પિક માધ્યમ રજૂ કરવાની મંજૂરી આપી રહી છે. નવા માધ્યમ હેઠળ વ્યક્તિ ઇન્ટરનેટ બેન્કિંગ કે મોબાઇલ એપનો ઉપયોગ કર્યા વગર APY એકાઉન્ટ ખોલાવી શકશે. (પ્રતીકાત્મક તસવીર)


શું છે નવી પદ્ધતિ? - APYમાં નેટ બેન્કિંગ વગર ઓનલાઇન ખાતું ખોલાવવા માટે PFRDAએ બેન્કોના વેબ પોર્ટલનો ઉપયોગ કરવાનો વિકલ્પ રજૂ કર્યો છે. બેન્ક ખાતાધારકોને APY ખાતું ઓનલાઇન ખોલવાની સુવિધા આપનારી બેન્કોના પોર્ટલ પર જવું પડશે. ત્યારબાદ તેમાં કસ્ટમર ID કે બચત ખાતાનો નંબર (કોઇ બે) કે PAN કે આધાર નાખીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન ઓટીપી આધારિત ઓથેન્ટિકેશનના માધ્યમથી પૂરું થશે. (પ્રતીકાત્મક તસવીર)