નાંદોદના MLA અહેમદ પટેલ સાથેના સંસ્મરણો વાગોડતા ચોધાર આંસુએ રડી પડ્યા
નાંદોદના કોંગ્રેસ MLA પી.ડી.વસાવાએ કહ્યું - કોઈ પણ કામ લઈને જાવ પણ એમના મોઢા માંથી મેં ના શબ્દ કોઈ દિવસ સાંભળ્યો નથી, રાત દિવસ ગરીબોની ચિંતા કરનારા જ હવે રહ્યા નથી તો હવે આ વિસ્તારના પ્રશ્નો અમે કોને રજૂ કરીશું


દીપક પટેલ, નર્મદા : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ખજાનચી અહેમદ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન ગુરુગ્રામની વેદાંતા હોસ્પિટલમાં 25મીએ વહેલી સવારે નિધન થતા એમના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ છે. વર્ષોથી એમની સાથે અડીખમ રહેલા નાંદોદના કોંગ્રેસ MLA પી.ડી.વસાવા અહેમદ પટેલના નિધનના સમાચારથી ચોધાર આંસુએ રડી પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે અહેમદ પટેલ હંમેશા ગરીબોના હમદર્દ રહ્યા હતા. પોતાનું જીવન ગરીબોની સેવા અને કોંગ્રેસ માટે સમર્પિત કર્યું હતું. અહેમદ પટેલના નિધનથી તેમના વર્ષો જુના સાથી MLA પી.ડી.વસાવા અને એમના પરિવારના સભ્યોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


નાંદોદ MLA પી.ડી. વસાવાએ ચોધાર આંસુએ રડતા જણાવ્યું હતું કે સ્વ.અહેમદ પટેલ મારા માર્ગદર્શક અને રાજકીય ગુરુ હતા. એમના નિધનથી નર્મદા-ભરૂચ જિલ્લો શોકમાં ગરકાવ થયો છે. અહેમદ પટેલ હમેશા ગરીબોના હમદર્દ રહ્યા છે. તેઓ ગરીબોની વ્હારે આવતા હતા એમના દરેક દુઃખદર્દમાં સહભાગી બનતા હતા. ગરીબ આદીવાસી પ્રજાની સાથે હું પણ એમના વિના નોંધારો થઈ ગયો છું. એમને ત્યાં કોઈ પણ સામાન્ય માનવી પોતાની રજૂઆતો લઈને રડતી આંખે જાય તો એ હસતો હસતો બહાર નીકળતો હતો.


તેમણે કહ્યું હતું કે કોઈ પણ કામ લઈને જાવ પણ એમના મોઢા માંથી મેં ના શબ્દ કોઈ દિવસ સાંભળ્યો નથી. એમણે મારા જેવા હજારો લોકોને વિવિધ રાજકીય પદ આપ્યા હતા. તેઓ યુવાનોના માર્ગદર્શક હતા. રાત દિવસ ગરીબોની ચિંતા કરનારા જ હવે રહ્યા નથી તો હવે આ વિસ્તારના પ્રશ્નો અમે કોને રજૂ કરીશું એ ચિંતા હવે સતાવી રહી છે. કોંગ્રેસ જ્યારે પણ મુશ્કેલીમાં હોય ત્યારે અહેમદ પટેલે પોતાની સુઝબુઝ અને આવડતથી મુશ્કેલીઓ આસાન કરી છે.


પી.ડી.વસાવાએ કહ્યું હતું કે 1000 લોકોનું ટોળું હોય એમાંથી મને તેઓ પી.ડી એવા સ્નેહભર્યા શબ્દોથી બોલાવતા હતા. હવે એમના મોઢે હું એવા પ્રેમભર્યા શબ્દો ક્યારે સાંભળીશ. તે નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા વાંદરી ગામને દત્તક લઈ વિકાસ કરી ગામને નંદનવન બનાવી જતા રહ્યા છે. વાંદરી ગામ લોકો પણ ખૂબ દુઃખી થયા છે. ગામ લોકોએ અહેમદ પટેલને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી એક દિવસનો શોક પણ પાળ્યો છે.