

અતુલ વ્યાસ, જૂનાગઢ : જૂનાગઢમાં (Junagadh) વિશ્વના સૌથી મોટા મંદિર રોપ-વેના ભાડાના (Fare of Girnar Rope way) કારણે વિવાદ અને વિરોધનો વંટોળ ઊભો થયો છે. જૂનાગઢના ધારાસભ્ય ભીખા ભાઈ (MLA Bhikha Joshi) જોષીએ ગિરનાર રોપ-વેનું ભાડું સામાન્ય વર્ગને પોસાય તેટલું રાખવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે આ રોપ-વે પાવાગઢ કરતાં 3 ગણો લાંબો છે પરંતુ તેનું ભાડું 6 ગણું વધારે છે. આનું ભાડું સામાન્ય વર્ગને પોસાય તેટલું રાખવામાં આવે


ભીખા જોષીએ પોતાના લેટર પેડ પરથી લખેલો પત્ર મુખ્યમંત્રી રૂપાણીને ટાંક્યો છે. તેમની માંગ છે કે ગરીબ વર્ગ આ રોપ-વેનો લાભ નહીં લઈ શકે માટે સરકાર અને મુખ્યમંત્રી દરમિયાનગીરી કરે અને ભાડું 300 રૂપિયા જેટલું રાખે તો કંપનીને પણ પોશાષે અને લોકોને પણ પોસાય.હાલમાં ગિરનાર રોપ-વેમાં એક વ્યક્તિની રિટર્ન ટિકિટ 700 રૂપિયા પ્લસ 18 ટકા GST રાખવામાં આવ્યો છે. આ સ્થિતિના કારણે જૂનાગઢમાં ગિરનાર રોપ-વેમાં આવતા જતા પ્રવાસીઓની સંખ્યા વધારે નહીં થાય તેવી આશંકા ભીખા જોષી વ્યક્ત કરી રહ્યા છે. તેમના મતે રિટર્ન ટિકિટનો દર 300 રૂપિયા હોવો જોઈએ.


ગીરનાર રોપવે પ્રોજેક્ટ ભવનાથ તળેટી થી લઈને અંબાજી મંદિર સુધીનો છે. જેમાં કુલ 9 ટાવર ઉભા કરાયા છે. તેમાં 6 નંબરનો ટાવર કે જે ગીરનારના એક હજાર પગથીયા પાસે આવેલો છે તે ટાવર આ યોજનાનો સૌથી ઉંચો ટાવર છે જેની ઉંચાઈ 67 મીટર છે. ભવનાથ તળેટીથી લઈને અંબાજી સુધીનું અંતર 2.3 કી.મી.નું છે. જે રોપવે થી પ્રવાસીઓ 7 મિનિટમાં તળેટીથી અંબાજી પહોંચી શકશે. શરૂઆતના તબક્કામાં 24 ટ્રોલી લગાવાશે, એક ટ્રોલીમાં 8 લોકો બેસી શકે તેવી ક્ષમતા છે એટલે કે એક ફેરામાં 192 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે


ગીરનારના અંબાજી સુધીનો આ રોપવે જૂનાગઢ - એશિયાનો સૌથી મોટો રોપવે પ્રોજેકટ છે. અંબાજી સુધીનું અંતર જ 5000 કરતાં વધુ પગથિયાનું છે ત્યારે આ રોપવે એક બેંચ માર્ક સાબિત થશે. હાલમાં ગીરનાર રોપ-વે માટે આવેલી ટ્રોલીનું ટ્રાયલ રોજ કરવામાં આવે છે. લોડ ટ્રાયલ સાથે એર વેન્ટિલેશન વગેરેનું અવલોકન કરવામાં આવી રહ્યું છે. ગીરનાર રોપ-વેની ઊંચાઇ અને હવાના દબાણને ધ્યાનમાં રાખતા આ રોપ-વેની ટ્રોલી કાચ વાળી પેક રાખવામાં આવશે. રોપ-વેમાં સેફ્ટિની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને કોઈ હોનારત થાય તો રેસ્ક્યૂ માટેના કેટલાક પોઇન્ટ નક્કી કરવાં આવ્યા છે.


ઉલ્લેખનીય છે કે, ગીરનાર રોપવે માટે વર્ષો સુધી રાહ જોવામાં આવી હતી. રોપવેના પ્રથમ નક્કી કરાયેલા રૂટમાં ગિરનારી ગીધના માળા આવતા હોવાથી તે રૂટ પડતો મૂકવાની ફરજ પડી હતી. એક સમયે તો કેન્દ્રની યુપીએ સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે, વડાપ્રધાન મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શિલાન્યાસ કરવામાં આવેલા પ્રોજેક્ટને પર્યાવરણની લીલી ઝંડી મળ્યા બાદ નવો રૂટ પસંદ કરવામાં આવ્યો હતો.