

રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર (Surendrangar District)માં વીજળી કંપનીના પાવર સામે ખેડૂતો લાલઘૂમ થઈ ગયા છે અને વિરોધ નોંધાવ્યો છે. વીજ કંપનીએ ખેડૂતોએ શિયાળું વાવેતર કર્યું છે તેવા ખેતરોમાં વીજ પોલ નાખી દેતા ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. ખેડૂતોના વિરોધને પગલે વીજ કંપનીએ પોલીસને સાથે રાખીને કામગીરી ચાલુ રાખી હતી. ખેડૂતોનું કહેવું છે કે આ માટે તેમના જાણ કરવામાં આવી નથી. એટલું જ નહીં તેમની મંજૂરી પણ લેવામાં આવી નથી. વીજ કંપની જેસીબી મશીન સાથે ખેતરમાં પોલ નાખી રહી હોવાથી ખેડૂતોએ વાવેતર કરેલા ખેતરમાં નુકસાન થઈ રહ્યું છે.


મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામની સીમમાં પાવર પ્રોજેક્ટ કંપની વીજ પોલ ઊભા કરી રહી છે. જેની સામે ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ કંપનીએ તેના વાવેતર કરેલા ખેતરોમાં તેમની સંમતી વગર જ તેમ જ કોઈ જ વળતર વગર વીજ પોલ નાખવાની કામગારી શરૂ કરી દીધી છે.


આ અંગે ખેડૂતોએ વિરોધ કરતા વીજ કંપનીએ એસઆરપી બંદોબસ્ત સાથે કામગીરી શરુ કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોએ વાવેલા ખેતરમાં સંમતી વગર વીજ કંપનીએ વીજ થાંભલા ખોડી દેતા હવે ખેડૂતો આંદોલનનાં મૂડમાં આવી ગયા. ખેડૂતો થાંભલા નાખવા દેવા માટે તૈયાર છે પરંતુ સરકારની ગાઇકલાઇન પ્રમાણે વળતર માંગી રહ્યા છે. બીજી તરફ વાવેતર કરેલા ખેતરમાં પોલ નાખી દેતા ખેડૂતોએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.


આ મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "ખાનગી વીજ કંપની ખેડૂતોની સહમતી લીધા વગર, પોલીસ રક્ષણ સાથે બળબજરી પૂર્વક વાવેતર કરેલા ખેતરમાં વીજ પોલી નાખી રહી છે. આ માટે ખેડૂતોને જાણ પણ કરવામાં આવી નથી. અમારી ખાનગી માલિકીની જમીન પર થાંભલા નાખતા અમે વિરોધ નોંધાવ્યો છે. અમને કોઈ વળતર પણ આપવામાં આવ્યું નથી."