

હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદ: તાજેતરમાં આઇપીએસ (IPS Officer) અધિકારી સંજય ખરાટ, વિપુલ અગ્રવાલ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા. ત્યારે હવે જમાલપુર ખાડીયા વિધાનસભા (MLA Imran Khedawala) સીટના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાયબર ક્રાઇમનો (Cyber Crime) ભોગ બન્યા છે. તેમના નામનું કોઈ ટોળકીએ આઈડી બનાવી લોકો પાસે પૈસા માંગતા તેઓ આ બાબતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવશે.


સાયબર ક્રાઇમ દિવસે ને દિવસે વધી રહ્યો છે. એક સમયે જે રીતે ગુનેગારો ઝડપાતા હતા તે રેશિયો હવે નીચો જઇ રહ્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે. ત્યારે આઇપીએસ અધિકારીઓ બાદ એક ધારાસભ્ય સાયબર ક્રાઇમનો ભોગ બનતા મામલો ચર્ચાએ ચઢ્યો છે.


જમાલપુર ખાડીયા વિધાનસભા ના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ તેમના ફેસબુક એકાઉન્ટ પર એક લિંક શેર કરી લોકોને ચેતવ્યા છે. જેમાં જણાવ્યું છે કે "નમસ્કાર મારા નામની નીચે દર્શાવેલ લિન્ક ની ફેક ફેસબુક ID કોઈક અસમાજીક તત્વ દ્વારા બનાવવામાં આવેલ છે. https://www.facebook.com/profile.php?id=100047115314060આ કોઈ અસામાજીક તત્વએ પૈસા ઠગવા માટે બનાવેલ છે.


જે paytm મારફતે પૈસાની માંગણી કરે છે તો આપ સૌને હું જાણ કરવા માંગુ છુ કે આ ID ફેક છે. આપ કોઈના થી પણ કોઈ પણ પ્રકારની પૈસાની માંગણી કરે તો આપ એને કોઈ પણ પ્રકારની વાતોમાં આવતા નહિ અને પૈસા આપતા નહિ આ ID બનાવટી છે અને આ સંદર્ભે હું આવતી કાલે પોલિસ ફરિયાદ કરવાનો છુ."


આ બાબતે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ જણાવ્યું કે તેમને કોઈના થકી આ બાબતે જાણવા મળતા તેમને આ પોસ્ટ મૂકી લોકોને ચેતવ્યા હતા. અને રવિવારે તેઓ આ મામલે સાયબર ક્રાઇમમાં જઈને અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ પણ નોંધાવશે.