

સંજય ટાંક, અમદાવાદઃ અમદાવાદના ન્યુ રાણીપ (new ranip) વિસ્તારમાં આવેલું સ્મશાનગૃહ (Cemetery) વિકાસ ઝંખી રહ્યું છે. અહીંના અંતિમધામની તસવીરો જોઈને આપ પણ ચોંકી ઉઠશો. કારણ કે અહીં સ્મશાનગૃહમાં સગવડોના (Facility in cemetery) નામે છે મીંડું. સ્થાનિક લોકોની અનેક રજુઆત છતાં હજુ સુધી સ્મશાનગૃહનો વિકાસ નહિ થતા સ્થાનિક લોકોમાં નારાજગી છે. અને હદ તો ત્યારે થાય કે આ વિસ્તારમાં કોઈનું સ્વજન મૃત્યુ થાય તો તેને અંતિમસંસ્કાર માટે વાડજ સ્મશાનગૃહ લઈ જવાની ફરજ પડે છે.


એક એવું સ્મશાનગૃહ જ્યાં નથી લાકડાની સગવડ, નથી પાણીની વ્યવસ્થા કે નથી ક્યાંય બેસવાની વ્યવસ્થા. અમદાવાદના રાણીપ વિસ્તારનું આ સ્મશાનગૃહ છે. કોઈપણ પ્રકારના વિકાસ વગર ખંડેર બનેલા રાણીપ સ્મશાનગૃહને લઈ રાણીપ વિસ્તારના રહીશોમાં નારાજગી ફેલાઈ છે.


સ્થાનિક રહીશ ગણપતભાઈ કલાલ જણાવે છે કે અહીં ગ્રામપંચાપતના સમયનું સ્મશાનગૃહ છે. આ વિસ્તાર કોર્પોરેશનમાં ભળ્યાંને વર્ષો વીતી ગયા છતાં સ્મશાનગૃહનું ડેવલપમેન્ટ કરવામાં આવતું નથી. થોડા સમય અગાઉ એક મૃતકને તેના સગા અગ્નિ સંસ્કાર માટે લાવ્યા હતા બે કલાક સુધી ડેડબોડી અહીં પડી રહી પણ લાકડાની કે અન્ય કોઈ વયવસ્થા કરાઈ નહી.


આવી રીતે અહીંના ઘણા લોકોને તેમના સ્વજનોના અંતિમસંસ્કાર અને અંતિમ ક્રિયા માટે વાડજ જવું પડે છે. અન્ય એક રહીશ રમેશભાઈ જણાવે છે કે થોડા સમય પહેલા વડોદરાની એક ટિમ સ્મશાનગૃહ ના ડેવલપમેન્ટ માટે આવી હતી પણ માપણી કરી ને જતા રહ્યા પછી કોઈ. આવ્યું જ નથી.


આ સ્મશાનગૃહના વિકાસને લઈ અનેક રજૂઆતો ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી છે. કેટકેટલાય કાગળિયા લેખિત અરજીમાં બગાડવામાં આવ્યા છે પરંતુ રજૂઆતો માત્ર કાગળિયાં બનીને અધિકારીઓના ટેબલ પર પડી રહી છે. મહત્વનું છે કે શહેરમાં દરેક વિસ્તારમાં સ્મશાન ગૃહ બનાવવામાં આવે છે પરંતુ રાણીપનું સ્મશાનગૃહ ડેવલોપ નહિ કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે.